ગુરુપૂર્ણિમા.
अज्ञानतिमिरांधस्य ज्ञानाड्अन शलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः ।।
અજ્ઞાનનાં અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ છે અને જીવન વિકાસની તમન્ના રાખનાર શિષ્યનો ગુરુ સાથેનો સંબંધ અલૌકિક, પ્રેમળ અને પાવન હોય છે. ગુરુ પાસે બેસીને શિષ્ય નમ્રતા, જિજ્ઞાસા અને બોધત્વનાં પાઠ ભણે છે. શિષ્યોને ગોવિંદ શરણે લઈ આવતાં ગુરુને માટે અષાઢ સુદ પૂર્ણિમાને આપણે અર્પણ કરી છે. ગુરુપૂર્ણિમા વ્યાસ દિન તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સંસ્કૃતિ અને શિષ્યોનાં ઘડવૈયાઓનું પૂજન થાય છે. યુગોયુગથી ભારતીય સંસ્કૃતિને ઘડવાનું કામ અનેક ઋષિમુનિઓ રૂપી ગુરુઓ દ્વારા થતું આવ્યું છે.
આવા અનેકાનેક ગુરુઓમાં એક મહર્ષિ વેદવ્યાસજી છે જેમણે મહાભારત અને શ્રીમદ્ભાગવત જેવા બે–બે મહાગ્રંથો આપ્યાં. મહાભારત દ્વારા તેમણે સમાજમાં રહેલા અનેક મનુષ્યોની વિચારધારાને આપણી સમક્ષ મૂકી અને શ્રી ભાગવતજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનાં ચરિત્ર અને ગુણોને અલંકારિક કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં વેદ વ્યાસજીને मुनीनामप्यहम् व्यासः કહીને સંબોધિત કર્યા છે, આજ કારણસર ધર્મ સંસ્કૃતિના જે કોઈ વિચારો ગાદીપીઠ પરથી પ્રવાહિત થાય છે તે ગાદીપીઠને આપણે વ્યાસપીઠ કહીએ છીએ. મહર્ષિ વેદવ્યાસજીની જેમ મનુષ્યોની આસક્તિ ઓછી કરીને મોક્ષને માર્ગે વાળનાર અને આ વિશ્વની અનંતતા સમજાવનાર અને જીવનને પાવન અને પવિત્ર બનાવનાર સાચા માર્ગદર્શક ગુરુઓને આચાર્યચરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું આચરણ શુધ્ધ હોય અને જેનાં આચરણને જીવનમાં ઉતારવા માટે મન તત્પર થાય છે તેને આચાર્યચરણ કહે છે. આ બધા ગુરુઓ અને આચાર્યચરણને જોઈને મનમાં પ્રશ્ન થાય કે ગુરુઓનાં ગુણ કેવા હોવા જોઈએ? શાસ્ત્રો કહે છે કે ગુરુ કુંભાર જેવા હોય છે અને શિષ્યો માટી જેવા હોય છે જેમ કુંભાર માટીને ટીપી ટીપીને વિવિધ આકાર આપે છે તેજ રીતે ગુરુઓ પણ શિષ્યોની નાની નાની ભૂલો બતાવીને તેમના જીવનને સુંદર આકાર આપે છે. બીજી રીતે એમ કહી શકાય કે જેમ કુંભાર માટીના આકારને ઉપરથી ટપલા મારીને અને અંદરનાં ભાગથી પંપાળીને આકાર તૈયાર કરે છે તેજ રીતે ગુરુઓ પણ હોય છે તેઓ પણ ઉપરથી ભૂલો બતાવે છે પણ હૃદયથી તેઓ પોતાના શિષ્યોને ખૂબ જ પ્રેમ કરતાં હોય છે. આથી સંતો કહે છે કે ગુરુઓ એ પારસમણિ છે જે શિષ્યોને પોતાના સ્પર્શથી યોગ્ય બનાવે છે. સ્વામી વિવેકાનંદે ગુરુને ” સંસ્કૃતિની માતા” કહીને બિરદાવી છે. જેમ મા બાળકનાં દોષોને અવગણે છે તેમ ગુરુ રૂપી મા પણ પોતાના શિષ્યોમાં રહેલા અનેક અવગુણોને ધ્યાનમાં ન લઈ શિષ્યોને સદ્માર્ગે લઈ જાય છે.
આપણે ત્યાં શાસ્ત્રોએ ગુરુના આઠ પ્રકાર કહ્યાં છે. જેમાં પ્રથમ છે વાણી ગુરુ પોતાના વચનામૃત દ્વારા શિષ્યોનાં જીવન માં ઉત્ક્રાંતિ સર્જે છે
આવા ગુરુ શિષ્યોમાં આપણે ભગવાન શિવ અને પરશુરામજીનું નામ લઈ શકીએ છીએ.
દ્વિતીય વિચાર ગુરુ જેઓ આપણી વિચાર શક્તિને અને વિવેકબુધ્ધિને પોતાના વિચારોમાં સંમિલિત કરી યોગ્ય માર્ગે લઈ જાય છે.
આવા ગુરુ શિષ્યોમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનું નામ લઈ શકાય
તૃતીય અનુગ્રહ ગુરુ જેઓ આપણી યોગ્યતા અને અધિકાર મુજબ આપણને જ્ઞાન આપી આપણને યોગ્ય બનાવે છે, અનુગ્રહ ગુરુ માટે આપણે શ્રી અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને અને શ્રી વિઠ્ઠલનાથજીને યાદ કરી શકીએ જેમણે વૈષ્ણવોને તેમના અધિકાર મુજબ કૃષ્ણ સેવાનો અધિકાર આપેલો છે.
ચતુર્થ તે….. સ્પર્શ ગુરુ, તે પારસમણિ જેવા હોય છે તેમના સ્પર્શમાત્રથી શિષ્યોમાં શક્તિપાતનો પ્રવાહ વહેતો થઈ જાય છે. આ ગુરુમાં આપણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજીનું નામ લઈ શકીએ છીએ. સ્પર્શગુરુના માત્ર સ્પર્શ જ નહીં પરંતુ તેમની સુષ્મા અને ઉષ્મા પણ શિષ્યોનાં જીવનમાં ઉત્તરોત્તર અને ઉત્તમોત્તમ વિકાસ કરતાં જાય છે.
પંચમ તે…… કર્મ ગુરુઓ……તેઓ માત્ર પોતાની નજરથી શિષ્યોમાં પ્રેમ શક્તિ અને તેજસ્વિતાનો સંચાર કરે છે. આવા ગુરુઑમાં આપણે ભગવાન સૂર્યનારાયણ અને કર્ણનું ઉદાહરણ જોઈ શકીએ છીએ.
ષષ્ઠમ ગુરુ તે ચંદ્ર ગુરુ…… જેઓ ચંદ્રની જેમ દૂર રહીને શિષ્યોનાં જીવનમાં પરીવર્તન સર્જી શકે છે.
સપ્તમ તે દર્પણ ગુરુ જેઓ….પોતાના શિષ્યોને પોતાના દર્પણ રૂપી હૃદયમાં આત્મનિરીક્ષક કરતાં શીખવે છે અને એ આત્મદર્પણ દ્વારા શિષ્યોનાં જીવનમાં ઉત્કર્ષ લાવે છે,
અષ્ટમ તે ક્રોંચ ગુરુ માત્ર અનુભૂતિથી પોતાના શિષ્યોમાં એ સામર્થ્ય આપતા કે તેઓ સંસારમાં પોતાનું અલગ સ્થાન બનાવી શકે છે આવા ગુરુઑમાં આપણે ગુરુ દ્રોણ અને એકલવ્યનું નામ લઈ શકીએ છીએ જેઓ દૂર રહીને પરોક્ષ રૂપે એકલવ્યને ધનુરવિદ્યાનું દાન આપતા રહ્યા.
પરંતુ આ બધાં જ ગુરુઑમાં શ્રેષ્ઠ છે માતાગુરુ અને પિતાગુરુ કારણ કે પ્રત્યેક બાળકની પ્રથમ જીવનશાળાની શરૂઆત માતાપિતાની ગોદમાંથી જ થાય છે,
અને ત્યાર બાદ દ્વિતીય ગુરુ છે શિક્ષાગુરુ જેઓ જ્ઞાનનો દીવો પ્રત્યેક બાળકનાંહૃદયમાં પ્રજવલિત કરે છે. શાસ્ત્રો કહે છે કે જ્ઞાનનાં સૂર્ય, પ્રેમ-કરુણાનાં મહાસાગર એવા ગુરુને આજનાં દિવસે યાદ કરાય છે જેઓ મૃત સમાન જીવતા માનવોને જ્ઞાનરૂપી અમૃત વડે જીવતદાન આપી ને તેમના જીવનમાં તેજ, બુધ્ધિ અને તેજસ્વિતા ભરે છે.
ભારતીય સંસ્કૃતિની જેમ જ ગુરુપરંપરા બહારનાં દેશોમાં પણ જોવા મળતી. તેથી સૉક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ વગેરે ગુરુ શિષ્યોનાં નામ આજે પણ પ્રેમથી લેવાય છે. સંતો કહે છે કે સાચા ગુરુને કશું જ જોઈતું નથી તેમને જોઈએ છે તો ફક્ત શિષ્યનો નિર્મળ ભાવ અને કોમળ પ્રેમભાવ, પરંતુ તેમ છતાં પણ જીવનને વિકાસને માર્ગે લઈ જતાં ગુરૂનાને ચરણે જેટલું ધરીએ અને જે કંઇ ધરીએ તેટલું ઓછું જ છે. ગુરુ પરંપરા કહે છે કે……..હું કોઈના શરણમાં છું અને હું તેમના શિષ્ય અને સેવકગણમાં છું આજ ભાવનામાં શિષ્યોની ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતામાં વધારો કરે છે. મહર્ષિ ભૃગુ ભૃગુપુરાણમાં કહે છે કે ગુરુઓ પરમપિતા બ્રહ્માજી જેવા સદ્ગુણોનાં સર્જક હોવા જોઈએ, ભગવાન વિષ્ણુ જેવા સદ્વૃતિનાં પાલક હોવા જોઈએ, અને મહાદેવની જેમ દુર્ગુણો, દોષ અને દુર્વૃતિનાં સંહારક હોવા જોઈએ. એથી જ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે તેથી આજે ગુરુપૂર્ણિમાને દિવસે માતપિતા, અને પ્રત્યેક ગુરુને પ્રણામ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતાને પ્રગટ કરી પાવન થઈએ.
ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ;
ભાવ ધરી ગુરુ સેવા કરશે, તે પામશે પદ નિર્વાણ.
– Purvi Modi Malkan ( USA )
copyright purvi malkan
purvimalkan@yahoo. com
( સૌજન્ય – ફુલછાબ )
Related Posts
2 Responses to ગુરુપૂર્ણિમા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments