Home Green

Sangeet… (1)

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર ..

( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માં થી આ માહિતી મોક્લવા બદલ મિત્ર શ્રી કપિલ દવે નો ખુબ ખુબ આભાર..

*

અત્રે પ્રસ્તુત છે થોડી સંગીત વિષયક માહિતી…

મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : ” સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં ન બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે.” ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતે ” સંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે.” યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત એ ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે.

(૧) સંગીત એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. ‘સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત’.

(૨) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં “ગીતં, વાદ્યં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે” ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને ‘સંગીત’ કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ “ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત” અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

(૩) ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં “ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !” અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

(૪) શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃ ” સંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા.”

( વધુ આવતા અંકે )

This entry was posted in Mix, other, sangeet. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *