સમન્વયની સફર

summer - 2M2O8-16Z - normal

***

આજે સમન્વયનો પ્રથમ જન્મદિન … 29ફેબ્રુઆરી 2008 ( મારા મમ્મીના શુભ જન્મદિને ) આ સાઇટ પ્રદર્શિત થઇ … અત્યાર સુધીની સફરમાં સમન્વયને અનેક વાંચક મિત્રોનો સારો પ્રતિસાદ મળ્યો. એ બદલ હું, આપ સહુ ની આભારી છું. આપના તરફથી જે સ્નેહ અને સાથ~સહકાર મળ્યો છે એ અવિરત આમ જ મળતો રહે એવી અભ્યર્થના…!!!

સમન્વય એટલે ભક્તિ, સંગીત અને સાહિત્યનો ત્રિવેણી સંગમ. ભક્તિ એ એવી પાવન સરિતા છે, જેના સ્પર્શ માત્રથી આત્માનું કલ્યાણ થઇ જાય છે. સંગીત એ એવું પવિત્ર ઝરણું છે, જેનાં વહેતા તરંગોથી અંતરનાં તાર રણઝણી ઉઠે છે. અને સાહિત્ય એવો સાગર છે, જેમાં કાવ્યો, સુભાષિતો, આલેખન સહ ગુજરાતી સુગમ સંગીત જેવા અનેક મોતી રત્નોથી ભરેલ છીપલાં છે. આ સરિતા – ઝરણા અને સાગર નો ત્રિવણી સંગમ એટલે મહાસાગર રૂપી સમન્વય. આ સમન્વય સાઇટ પર આપને ભક્તિ દર્શાવતા ભજન – કીર્તન તથા અન્ય પુષ્ટિમાર્ગીય માહિતી પ્રાપ્ત થશે. સાથે જ ભારતીય સુગમ સંગીતની રસલ્હાણ સચિત્ર માણવા મળશે. અને કાવ્યો, વાર્તા, લેખ જેવા વિવિધ સાહિત્ય પ્રકારો પણ વાંચવા મળશે.

મારા વિષે કહું તો, મૂળમાં ધર્મ, સંગીત અને સાહિત્ય પ્રત્યેની રૂચીએ મને આ સાઇટ બનાવવા પ્રેરી. બચપણથી જ મને વાંચન, લેખન, ગીત, સંગીત, નૃત્ય, ચિત્રકામ, ઇત્યાદિ કળાઓમાં ઉંડો રસ હતો પરંતુ નાની ઉંમરમાં જ થયેલ લગ્ન, સંયુક્ત પરીવારની કૌટુંબિક જવાબદારી તથા પરદેશમાં રહેવાની ફરજ – આ બધા પાસાઓથી તે બધી કળાઓ પૂર્ણ પણે ખીલી ના શકી. તેમ છતાં પણ તક મળે ત્યારે ચિત્રકળા હરિફાઇમાં ભાગ લીધો છે, નૃત્ય -ગરબાઓમાં ભાગ લીધો છે અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે તો ક્યારેક નિર્ણાયકની ફરજ પણ નિભાવી છે. નાનપણમાં લેખ – વાર્તા – કવિતા લખી હતી .. વાંચન તો જાણે કે એક વ્યસન જ હતું , જ્યારે એક રાતમા બે-બે નવલકથાઓ વાંચી લેતી, તો લગ્ન પછી એક સમય એવો પણ હતો કે આફ્રિકામાં ત્યારે કોઇ જ સાહિત્ય ઉપલબ્ધ નહોતું ત્યારે ઘરનાં સભ્યો કે મિત્રો જ્યારે ભારતથી પરત આવતા, તો ત્યાંથી એમનાં ઇસ્ત્રી કરાવેલ કપડાઓ વચ્ચે મુકેલ કાગળના કટકાઓ મેળવીને વાંચતી..! આવી રીતે વાંચનની જિજીવિષા સંતોષાતી..!!!

સમય જતાં હવે તો કૉમ્પ્યુટરના માધ્યમ દ્વારા ગુજરાતી વાંચન – લેખન ખૂબ સરળ બન્યું છે. આમ જ એક દિવસ એક સહેલીએ ઇંટરનેટ પરના ગુજરાતી બ્લોગ જગતનો પરિચય કરાવ્યો …! સંદેશ, સ્ત્રી, ચિત્રલેખા,અકિલા વિગેરે તો હું વાંચતી જ નેટ પર, પરંતુ આ ગુજરાતી બ્લોગજગત મારા માટે નવું હતું. સહુ પ્રથમ એમણે મને રીડગુજરાતીની લિંક મોક્લાવી જેની વિઝિટ કરી હું ખૂબ પ્રભાવિત થઇ. તથા અન્ય ગુજરાતીબ્લોગ્સ જોઇ મારો લેખક જીવ જાગી ઉઠ્યો…સાથ સંગીત પ્રત્યેના લગાવને પણ એક રાહ મળી … એ ઉપરાંત ઘણા સમયથી એક ધાર્મિક વિચાર હતો કે હું એવુ કંઇક કરું કે જેનાથી કોઇને પણ પુષ્ટિમાર્ગનાં નિત્ય નિયમના પાઠ કે સ્તુતિ, ગુજરાતી-સંસ્કૃત વાંચવામાં તકલિફ પડતી હોય તો એ અંગ્રેજી લીપીમાં પણ લખીને મદદરૂપ થઇ શકું,પણ કોઇ દિશા સુઝતી નહોતી. પરંતુ એ વિચારનાં આઠ વર્ષ બાદ અચાનક જ મારે ‘ ચંપારણ ‘ જવાનું થયું ( જે ભગવદાચાર્ય શ્રી વલ્લભાધિશજીની જન્મભૂમી છે ) ત્યાં શ્રીમદભાગવત સપ્તાહમાં શ્રીયદુનાથજી મહારાજશ્રીની અમૃતવાણી સાંભળવાનો લાભ મળ્યો. એ વાણીના પ્રભાવથી અને એ પવિત્રભૂમીનાં સ્પર્શથી, એ પાવન વાતાવરણની અસરથી જ કોઇ અલૌકિક શક્તિથી મને પ્રેરણા મળી, જેને કારણે …23 ઑકટોબર 2006ના રોજ શ્રીજી અને સૂર-સરગમ નામનાં બ્લોગ્સનું સર્જન થયું, એ બન્ને બ્લોગ્સ તથા 10 નવેમ્બર 2007ના રોજ શરૂ કરેલ અનોખુંબંધન બ્લોગને વાંચકોનો સારો પ્રતિસાદ મળ્યો.

જ્યારથી શ્રીજી અને સૂર-સરગમ બ્લોગ્સ શરૂ કર્યા,ત્યારથી જ બ્લોગ્સને એક સ્વતંત્ર વેબસાઇટમાં રૂપાંતરિત કરવા માટે મારાં મમ્મી-પાપા, ભાઇ- બહેનો, પતિ- બાળકો, કુટુંબીજનો તથા મિત્રો-સહેલીઓનું પ્રેરકબળ સતત મળતું રહ્યું અને તેઓનાં પ્રોત્સાહનથી ‘ સમન્વય ‘ સાઇટનું સર્જન થયું. આ સાઇટ પર જે કંઇ દર્શાવ્યું છે, એ માટેનો હેતુ એ છે કે અત્યારનાં લુપ્ત થતા જતા ધાર્મિક સંસ્કારો પ્રત્યે બાળકોમાંધર્મ જાગૃતિ કેળવી શકાય તથા ભારતીય સુગમ સંગીત અને આપણી માતૃભાષા-ગુજરાતી ભાષા પ્રત્યે સન્માનની લાગણી જીવંત થાય અને રૂચી કેળવાય.

29 ફેબ્રુઆરી 2008ના રોજ ( મારા પૂજ્ય મમ્મીનાં શુભ જન્મદિને ) ” સમન્વય ” પ્રદર્શિત થઇ. આ સાઇટ બનાવતી વખતે ઘણી અડચણો આવી, ટેકનીકલ પ્રોબ્લેમ્સ પણ થયાં.. એક સમયે મેં સાઇટ બનાવવાનો વિચાર પણ પડતો મુકી દીધેલ. પરંતુ મારા દિયેર શ્રી અનુપ શાહ, શ્રી શિરીષ શાહ તથા મારા પ્રિય મિત્ર શ્રી નીરજ શાહના સતત પ્રોત્સાહન અને ટેકનીકલ મદદના કારણે જ સમન્વયને આપની સમક્ષ લાવી શકી. તેઓ સમન્વય નામનાં રથનાં સારથી બન્યા અને સમન્વય~રથ કાશીએ ( નેટ વિશ્વ ) પહોંચ્યો…!!!

ખરી રીતે સમન્વય બનાવવાનું શ્રેય એમને જ જાય છે ..!!

ઘણા લોકોએ મને પુછ્યું કે આ બ્લૉગ્સ – સાઇટ બનાવવાથી આપને શું લાભ થયો છે?

તો શ્રીજી -બ્લોગ વિષે કહું તો એના દ્વારા મને, પુષ્ટિમાર્ગીય ગુરૂદેવ, સર્વે વૈષ્ણવો તથા દરેક વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થયાં છે. તથા એ દરેક વાંચક મિત્રો, કે જેઓ સમયના અભાવે કે પછી વિદેશ વસવાટને લીધે હવેલી કે મંદિરે જઇ શક્તાં નથી , તેઓ શ્રીજી બ્લોગ પર વિઝીટ કરીને પ્રભુ-ભક્તિ કર્યાંનો આનંદ પામે છે, તો કોઇ પોતાના વડીલોને સાઇટ પર મુકેલ શ્રીજીદર્શનની ઝાંખી કરાવે છે, કોઇ તો એમ પણ કહે છે કે, એમના સ્વાસ્થ્ય બદલ જે તકલીફ હોય છે, તેમાં એમને આ સાઇટ પર આવ્યાબાદ, ભજન કીર્તન સાંભળીને માનસિક શાંતિ મળી છે અને ઝડપી રિકવરી થઇ છે …. ! ત્યારે મને મારા આ કાર્યની મહેનત સાર્થક થયા બદલ સંતોષ પ્રાપ્ત થાય છે.

સૂર સરગમ માટે કહું તો સંગીતથી તો કોઇ જ અલિપ્ત રહી શકતું જ નથી અને સંગીતની કોઇ ભાષાજ નથી, તો પણ સંગીતની સૂરાવલી હર કોઇના મન પર અસર કરી જાય છે…જેનું ઉદાહરણ છે, શ્રોતાગણની સંખ્યા …! સાથે જ અનોખુંબંધન પર મારી સ્વરચિત રચનાઓ તથા મને ગમતી અન્ય રચનાઓ દ્વારા દરેક વાંચક મિત્રોનાં દ્રષ્ટિકોણ પણ જાણવા મળે છે. – કૈક નવું શિખવા પણ મળે છે…!

હાલમાં સમન્વય પર ૫૦૨ પોસ્ટસ અને  વાંચકમિત્રોની 4337 કૉમેંટસ છે, – 2006 થી અત્યાર સુધી મુલાકાતીઓની કુલ સંખ્યા આશરે 8179689 છે.

બ્લોગ્સ શરૂ કર્યા એ સમય દરમ્યાન પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો સહેલીઓ ની શુભેચ્છાઓ તો મારી સાથે હતી જ ..પણ સાથે સાથે ઘણા બધા નવા મિત્રોની મિત્રતા મળી – સાથ સહકાર મળ્યો.. જે પામી ને ખરેખર એમ થાય છે આ દુનિયામાં આટલાં સાલસ અને સ્નેહાળ મિત્રોની મૈત્રી તો કોઇ નસીબદાર ને જ મળે..જે એક અમુલ્ય ભેટ છે મારા માટે..!!

અમુક મિત્રો-સહેલીઓ કે જેમાં નાં બહુ જ અલ્પ સંખ્યા માં કહી શકાય એવા મિત્રોની રૂબરૂ મુલાકાત થઇ છે, એમનાં વિષે તો જેટલું કહું એટલું ઓછુ જ છે….. ખરેખર એમનો સાથ સહકાર એ મારાં અહોભાગ્ય જ કહી શકાય..જ્યારે બીજી તરફ જે મિત્રો સહેલીઓ ને હું કદી મળી જ નહોતી છતાં પણ એમનો સ્નેહ મળ્યો છે અને એમની પાસેથી હંમેશા સ્નેહ સહિત પ્રેરણા મળતી રહી…!

…કોઇએ દીકરી, તો કોઇએ નાનીબહેન બનાવી..તો વળી કોઇએ દીદી કહી…!! .. કેવા કેવા ઋણાનુબંધ બંધાઇ ગયા બધા જોડે..!!…ક્યારેક આ બધા સંબંધો વિષે વિચાર આવે છે તો થાય છે કે કેવા નિરપેક્ષ છે આ બધા બંધનો…!!….કદાચ આને જ તો કહેવાય અનોખુંબંધન…!!!…

અહીં બધા જ સ્નેહીઓ અને મિત્રોની નામાવલી મુક્વા માટે આ જગ્યા ખૂબ જ નાની પડે .એથી તમામ સ્નેહીજનો તથા મિત્રોનો હું ખરા અંત:કરણ પુર્વક આભાર માનું છું..જેમણે કાયમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે..!.. અને આગળ પણ આવો જ સ્નેહ ભર્યો સાથ મળતો રહે ..એવી અભ્યર્થના…!!

***

bottom musical line

59 Responses to સમન્વયની સફર

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *