ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥
શ્રી ધીરજલાલ પોપટભાઈ ભૂત
જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮
વતન :- કોટડા-સાંગાણી, જી. રાજકોટ (ગુજરાત)
શૈક્ષણિક લાયકાત :- એમ. એ. બી.એડ.
કાયમી સરનામું :- પ્રો. ડી.પી.ભૂત
આંબલી શેરી, કોટડા-સાંગાણી ( પીન-૩૬૦૦૩૦ )
મોબાઈલ :- ૯૪૨૬૪૮૧૯૩૩
શૈક્ષણિક અનુભવ :- (૧) મુળવાજી હાઈસ્કુલ – શિક્ષક ૨ વર્ષ (૨) સુલતાનપુર હાઈસ્કુલ – શિક્ષક ૩ વર્ષ (૩) મહારાજા ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ – પ્રોફેસર – ૩૬ વર્ષ (૪) શેઠ ટી.જે. કન્યાવિદ્યાલય અને કોલેજ – ઉપલેટા – ૨ વર્ષ (૫) જુનાગઢ કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ (૬) જેતપુર કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૭) ધોરાજી કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૮) અમરેલી કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ (૯) રાજકોટ પી.જી. ટીચર્સ – ૧ વર્ષ
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પાવન પર્વ .આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આર્શીવાદ મેળવતા હોય છે. આજે હું પણ ગુરુવંદના કરી, મારા ગુરુજીનાં આશીર્વાદ મેળવું છું… લગ્ન સમયે એમણે મને આપેલી આશીર્વાદ રૂપ શ્રીભાગવત ગીતાજી આજે પણ મારા ઘર મંદિરમાં બિરાજમાન છે અને ઈશ્વર સહ ગીતાજી પૂજન થાય છે..!
ઈશ્વર અને માતા પિતા ની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે …ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે.. ગુરુદક્ષિણા – કે એમનું ઋણ તો કેવી રીતે ચૂકવી શકાય, પરંતુ આજે આપ સમક્ષ એમની જીવન ઝાંખી દર્શાવીને એક ગૌરવની અનુભૂતિ મહેસુસ કરવી છે કે, હું મારા આ ગુરુજીની વિદ્યાર્થીની છું..જેમણે હંમેશ પોતાના શિષ્યોને જીવનની સાચી રાહ બતાવી છે… એમણે બતાવેલ જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ, પુસ્તકમાં થી નહિ પરતું એમના જીવન દ્વારા શીખી શકાય છે…એમનું વ્યક્તિત્વ જ નિરાળું છે… સ્કુલ – કોલેજમાં એમના સદવિચારો અને સંસ્કારની મહેંક થી એમની આગવી ઓળખ છે ..
પહેલાની પોસ્ટ ” મુલાકાતો ની શ્રૃંખલા- એક યાદગાર સફર ” માં આપે વાંચ્યું જ હશે કે, હું કેટલા વર્ષો બાદ પૂજ્ય સર ને મળી.. કારણકે કોઈ યુવતી જયારે પરણી ને પરદેશ જતી રહે છે ત્યારે જુના સંપર્કો જલ્દીથી સાધી શકતા નથી… લગ્ન બાદ એક જ વાર પૂજ્ય સરને મળવાનું થયેલું.. પછી તો સંપર્ક જ નહિ.. તેઓ મને યાદ કરે અને હું તેમને .. પણ મળી જ ના શકાયું … અને બલિહારી કેવી કે સ્કુલમાં તપાસ કરી કોઈ પાસે થી સમાચાર જ નાં મળ્યા … બસ એટલી ખબર પડી કે તેઓ કોટડા સાંગાણી જતા રહ્યા છે .. કોઈ ને કોઈ શહેર કે ગામ ની કોઈ પણ વ્યક્તિ મળે, પણ આટલા વરસોમાં મને કોટડાસાંગાણી ગામની એક પણ વ્યક્તિ નાં મળી… બસ એ ગામ નું નામ જ માત્ર રહી ગયું મારા માટે … આમ ને આમ દિવસો ગયા… વરસો ગયા અને અચાનક એક દિવસે ” કોમ્પ્યુટર દેવ અને નેટ જગત ની કૃપા ” થી મને બ્લોગ પર વાંચક મિત્ર દુષ્યંતભાઈ મળ્યા… અને જેવી મને ખબર પડી કે તેઓ લંડન અભ્યાસ કરે છે અને કોટડા સાંગાણીનાં વાતની છે કે હું ચમકી… અને બીજું કશું બોલવાને બદલે સીધું જ પૂછી લીધું કે તમે શ્રીભૂતસર ને ઓળખો છો..? ત્યાં તો તેમણે કહ્યું કે, હા તેઓ તો મારા મોટા પપ્પા છે …… અને મારી આંખો તો વરસી પડી… જેમને મળવા માટે હું આટલા વરસ થી રાહ જોતી હતી અને આજે અચાનક જ …!!! તેઓએ કહ્યું કે આપની જોડેની વાતોમાં અને આપના બ્લોગ પર, મને મારા મોટાપપ્પા ના સંસ્કાર અને શિક્ષણ ની ઝલક દેખાઈ રહી હતી…અને સાચું જ પડ્યું ને કે, મારા મોટા પપ્પા આપના ગુરુજી છે ..! તરત એમની પાસે થી નંબર લઇ, બીજે દિવસે ઇન્ડીયા ફોન કરી સર ને મળી.. તેઓ પણ ખુબ જ અચરજથી મને સાંભળી રહ્યાં ને ભાભીએ ( સરનાં મિસિસ ) મને કહ્યું કે બહેન, તમારા સરની આંખોમાં થી તો હર્ષના આંસુ વહે છે …!!! .. એ પછી તો હું ઇન્ડીયા ગઈ ત્યારે ખાસ સરને ત્યાં ગયેલી અને ગુરુ શિષ્યાની એ મુલાકાત સહુની આંખો ભીંજવી ગઈ ..! બાદમાં જેવો મેં, એમણે મને લગ્ન સમયે લખેલ આશીર્વાદ રૂપ પત્ર બતાવ્યો કે તેઓએ ( અંતે તો મારા ગુરુજી ને? ) પણ મારી જૂની નોટબૂક બતાવી કે, સ્કુલમાં મારા વર્ગ દરમ્યાન, તું મેઈન પોઈન્ટસ લખતી ને? તારી એ જ નોટ પર થી, હું બધાને ભણાવું છું ..!! ( હાલ, થોડા સમય પહેલા જ નિવૃત્તિ લીધી ) ભાભીએ પણ કહ્યું કે, જ્યારે એમની વિદ્યાર્થીની યાદ આવે કે તેઓ આ નોટબૂક લઈને બેસી જાય એટલે હું સમજી જતી કે તમારી યાદ આવી છે.. !
અમારા મિત્રમંડળ માં સર પ્રત્યેનો પૂજ્ય ભાવ અનન્ય અને અનોખો જ છે… ! ત્યાર બાદ તો મારી સહેલીઓને પણ સર સાથે વાત કરવાની તક મળી .. કેમકે એક દુબઈ છે, એક મલેશિયા છે, એક અમેરિકા છે, એક મોરબી, એક મુંબઈ તો.. એક વડોદરા છે . પરંતુ અમને આટલા વરસે પૂજ્ય સરને મળવાનો લાભ મળ્યો એ જ ખુશી ની વાત છે…અમને ગૌરવ છે કે, આપશ્રી જેવા ગુરુજી મળ્યા ..!
ખરેખર, આ અનોખુંબંધન શબ્દોમાં વર્ણવી શકાતું નથી …!!
( મારી જેમ મારા બન્ને પુત્રો તેજસ-ચિરાગ પણ યોગ્ય ગુરુજી મેળવવા બદલ નસીબદાર છે.. મિસ્ટર ફૈઝલ – જેઓ ફીઝીક્સ અને એડીશ્નલમેથ્સ નાં ટીચર છે.. એમના વિષે ફરી ક્યારેક )
અત્રે પ્રસ્તુત છે પૂજ્ય સરની જીવન ઝાંખી એમના જ શબ્દોમાં …
*
Faith in God, do right & God bless you.
ચિ.બહેન ચેતના,
આપના જીવનમાં ઉપયોગી થાય એવું થોડું પણ ગ્રહણ કરીને હજુ પણ યાદ કરો છો…અને જુના સ્મરણો યાદ કરી આજે હું પણ કૃતાર્થ ભાવ અનુભવું છું. આપના માટે મેં જે ભાવ કલ્પ્યો છે એ વધુમાં વધુ સૌથી ઉચ્ચતમ છે.. પ્રફુલભાઈ-ભરતભાઈ જેટલો જ.
જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે…આપણે પણ સંપર્કમા નહોતા, છતા નજીક હતા. જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ઈશ્વર આપને અને આપના કુટુંબને ઉજ્જવળ, કીર્તિમાન અને દીર્ઘાયુષી બનાવે તેવી પ્રભુ પ્રાર્થના..
તમારા વર્ષો જુના શિષ્યત્વનાં સંબંધ અને ભાવને નાતે કહીશ કે, અત્યારે જે કાર્ય કરો છો એ જ મારી ગુરુદક્ષિણા. તમે લખતા રહો અને સંગીતસાધના, ભક્તિ અને સાહિત્યમાં આગળ વધો એવી શુભેચ્છાઓ… તમારા ભાવને ધ્યાન માં રાખી ને હું મારા કુટુંબ વિષે માહિતી મોકલું છું.
અમે ચાર ભાઈઓ – ૧ (હું) – મારા બે પુત્રો, હિમાંશુ – ડી.પ્લાસ્ટિક, મનીષ – બી.કોમ. કોમ્પ્યુટર (૨) રતિલાલ – બી.એસ.સી, બી.એડ. સાયન્સ ટીચર, તેના બે પુત્રો દુષ્યંત- લંડન, મિહિર -૧૨ સાયન્સ (૩) ભરત – બી.ઈ.સિવિલ -પુત્ર ગૌતમ – ફૂડ એન્જીનીયરીંગ- વિદ્યાનગર, પુત્રી ૧૨ સાયન્સ (૪) સનત – બી.એસ.સી., બી.એડ. – પુત્ર કશ્યપ ૧૨ સાયન્સ ,પુત્રી ધો. ૮ .
બહેનોમાં વિજયાબહેન – એમ.એ.,બી.એડ.-કમળાપુર હાઈસ્કુલ જસદણ., ભાનુબહેન -બી.એસ.સી, બી.એડ.-શેઠ હાઈસ્કુલ .રાજકોટ, ગીતાબહેન -એમ.એ.રાજકોટ, શોભનાબહેન બી.એસ.સી. અમદાવાદ.
આમ તો અમારું કુટુંબ શિક્ષક કુટુંબ તરીકે જાણીતું છે. મારા દાદા રાજાશાહી વખતે શિક્ષક હતા, મારા પિતાજી પણ શિક્ષક હતા અને હાલમાં અમે ૮ ભાંડરૂ ( ૪ ભાઈઓ-૪ બહેનો )માંથી બે ભાઈઓ અને બે બહેનો શિક્ષક જ છીએ. મારા પિતાજીનું જીવન આધ્યાત્મિક હતું .અમારું બાળપણ હતું ત્યારે અને પોતાની હયાતીમાં અમારી કોઈ પણ ભૂલ કે નબળી બાબતને મમતા કે વાત્સલ્યને કારણે ક્યારેય ચલાવી લીધી હોય એવું યાદ નથી. તેઓ સિદ્ધાન્તવાદી અને સત્યના આગ્રહી હતા..શિક્ષકની સર્વિસ પછીનો મળતો સમય ચિંતન -મનન અને સારા પુસ્તકોનાં વાંચન માં જ તેઓ પસાર કરતા. અમારા ગામમાં એક સાચા માણસ તરીકેની એમની છાપ હતી જ. જુના શિક્ષકોનો પગાર બહુ ટૂંકો હતો એમ છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવી અમોને તેમને ભણાવ્યા,અમે આઠે ભાંડરૂ ડબલ ગ્રેજ્યુએટ છીએ અને સંસ્થા કે સરકારી લોન મેળવીને અમને ભણાવ્યા છે. બીજી કોઈ જ આવક ના હોવા છતાં સિદ્ધાંત ને ખાતર શિક્ષક તરીકે રાજીનામું આપી દીધું પછી થોડો સમય પ્રાઈવેટ માં ગૃહપતિ તરીકે કામ કરી ત્યારબાદ નિવૃત થઇ ગામની બહાર જે હનુમાનજીનું મંદિર- જે અપૂજ હતું, ત્યાં કલાકો સુધી ચિંતન-મનન ગીતાસ્વધ્યાય અને શાસ્ત્ર વાંચન કરી સમય પસાર કરતા અને તે મંદિર માં હનુમાનજી ની પૂજા આરતી કરતા..
હવે કુટુંબ નિર્વાહ ની મુશ્કેલી થઇ.હું ત્યારે કોલેજ ના પ્રથમ વર્ષ માં હતો ત્યારે અન્ડરગ્રેજ્યુએટને શિક્ષક ની જોબ મળતી અને મેં સ્વીકારી લીધી બાદ સર્વિસ કરતા કરતા કોલેજ -પ્રોફેસરની જોબ સુધી પહોંચી ગયો- અન્ય ભાઈબહેનો ને ભણાવ્યા.
પિતાજીનું “ભાગવદગીતા” પર વિશેષ ચિંતન-મનન અને અભ્યાસ હતો, ખાસ કરીને ‘અરવિંદ ફિલોસોફી’ તરફ તેમનું વધારે રીડીંગ હતું. સમય જતા ઘર કરતા મંદિરે વધારે સમય આપતા અને અવાર અનવાર અમને બધા ને કહેતા – ” મારા મૃત્યુ બાદ મને અગ્નિસંસ્કાર આપશો નહિ પરંતુ ગાડું શણગારી,તેમાં બેસાડી ખોળામાં ‘ગીતા’ આપશો અને ગીતાના શ્લોકો બોલતા બોલતા હનુમાનજી મંદિરે, મૂર્તિની સામેના ભાગમાં મને સમાધિ આપજો.” પિતાજીનું આ વચન અમે પાળ્યું છે , અમે જાતિએ પટેલ છીએ છતાં પિતાજીની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી છે. તેઓએ સરકાર પાસે થી ત્યાં ગીતા આશ્રમ બનાવવા માટે ચાર એકર જમીન મેળવી હતી.
આજે આ જગ્યામાં હનુમાનજીનું મંદિર છે, પિતાજીની સમાધિ છે. તેઓ ત્યાં દર વર્ષે , ગીતાજયંતી -માગસર સુદ ૧૧ ના ઉપવાસ કરી ‘ગીતાયજ્ઞ’ કરતા, અમને ત્યાં બેસાડતા અને કહેતા – તમને આજે નહિ સમજાય પણ મોટા થશો ત્યારે આની આસ પાસ રહેશો, જીવનમાં પ્રેરણા અને પ્રકાશ મળશે” તેઓનો જન્મ ગુરુપૂર્ણિમા ને દિવસે અને તેમની તિથી ગીતાજયંતી ને જ દિવસે જ આવે છે. ત્યારે એમના સ્મરણાર્થે, કુટુંબીઓ ભેગા થઈને ગીતાયજ્ઞ અને ગીતા સ્વાધ્યાય ભજન કરીએ છીએ. આ અમારી તીર્થભૂમિ બની છે.અને હનુમાનજીના જુના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું શરુ કર્યું છે. હજુમાન જયંતિ વખતે બટુકભોજન કરાવીએ છીએ. અમારી આ તીર્થભૂમિ ને લોકો ‘ગીતાઆશ્રમ’ તરીકે ઓળખે છે.
હાલમાં મારા નાના બે ભાઈઓ અને મારા બંને પુત્રો સુરત છે, ત્યાં પાવર લુમ્સ, ફાસ્ટફૂડ -કોલ્ડ ડ્રીન્કસ ની દુકાન અને સ્ટીલના કુકરનો એ વેપાર કરે છે, મારા માતુશ્રી તેઓની સાથે સુરત રહે છે. હાલ તબિયતને હિસાબે મેં સર્વિસ માં રાજીનામું આપી દીધેલ છે. હવે કોટડા-સુરત બંને જગ્યાએ થોડો થોડો સમય રહીશ અને શેષ જીવન સારી રીતે પસાર કરવા પ્રભુને પ્રાર્થના કરતો રહીશ ..સહુને પ્રભુના આશીર્વાદ મળે એવી શુભકામના..
– ધીરજલાલ ભૂતના સ્નેહ સ્મરણ અને હરી ૐ તત્ સત્ .
***
માણસના મનને પણ છાંયડાની જરૂર પડે છે. આપના લેખ દ્વારા મારા મનને શીતળ છાંયો પ્રાપ્ત થયો છે એવું કહેતા આનંદ થાય છે.આજના ભાગમભાગીના આ જમાનામાં
વર્ષો પછી પોતાના ગુરુને આપ મળ્યાં! જે ઘટનાની માત્ર કલ્પના કરવાનું પણ ભાગ્યેજ કોઈને સૂજે એ ઘટનાનો આપે અનુભવ કર્યો અને જે આનંદ થયો એ આનંદની વહેંચણી પણ કરી આ બધું જ આપના લાગણીસભર વ્યક્તિત્વના કારણે જ બની શકે. ખૂબ ખૂબ ધન્યવાદ.
જેના જીવન મા હિમાલય સમા ગુરુ નુ યોગદાન હોય, તેનુ જીવન હિમાલય પુત્રી ગંગા જેવુજ હોય,તેમા કોઇ બે મત નથી.તમારો સ્વભાવ અને સદગુણો જોતા જ ખ્યાલ આવે કે ઘડતર મા યોગ્ય માવજતે ભાગ ભજવ્યો છે.આપના ગુરુજી વિષે ‘સમન્વય’ મા અગાઉ પણ ઘણી વખત વાંચ્યુ છે.પરંતુ આવખતે સ્વયંમ તેમણે લખેલા પત્ર દ્વારા વધુ અંગત જાણવા મળ્યુ.
ગુરુપુર્ણિમા નિમિત્તે વિષય સુઝ થકી આ પત્ર મુકવા બદલ ધન્યવાદ.
આજે તમે અમારા પણ શાળાના શિક્ષક ની યાદ અપાવી દીધી.
Guru Brahma Gurur Vishnu
Guru Devo Maheshwaraha
Guru Saakshat Para Brahma
Tasmai Sree Gurave Namaha
Guru is verily the representative of Brahma, Vishnu and Shiva. He creates, sustains knowledge and destroys the weeds of ignorance. I salute such a Guru.
આજે તમે અમારા શાળાના શિક્ષકની યાદ અપાવી દીધી.
Guru Brahma Gurur Vishnu
Guru Devo Maheshwaraha
Guru Saakshat Para Brahma
Tasmai Sree Gurave Namaha
Guru is verily the representative of Brahma, Vishnu and Shiva. He creates, sustains knowledge and destroys the weeds of ignorance. I salute such a Guru.
અખા ભગતજી એ કહ્યું છે એમ મેં પોતાના મનને ગુરૂ બનાવ્યો, પણ જીવનમાં કેટલાક નિર્ણયો ફક્ત દિલનું સાંભળીને અને કેટલાક નિર્ણયો ફક્ત દિમાગથી લેવા પડ્યા.
જ્યારે બંન્ને ને સાથે રાખીને નિર્ણયો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોઇ નિર્ણય જ લઈ ન શક્યો અને પરિસ્થિતીને ‘ભગવાન ભરોસે’ મૂકી દીધી પણ એની અસર મારા આજ પર હું પોતે જોઈ શકું છું.
ગુરુપુર્ણિમા નિમિત્તે આ સ્વાનુભવનો ઉલ્લેખ એટલા માટે કે જીવનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ “યોગ્ય માર્ગદર્શન” વિના ખરાખરીના સમયે જો કોઈ ખોટો નિર્ણય ભૂલ થી પણ લેશે તો તેની આડઅસર તેના જીવન પર કાયમની રહેશે.
એથી જ ‘ગુરૂ’ સમી કોઇ તમારી હિતેચ્છુ વ્યક્તિ આપણા જીવનમાં હોવી જરૂરી છે, જેના નિસ્વાર્થ નિર્ણય થકી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી ખરા પથદર્શક બની જ્ઞાનનો ઉજાસ પાથરી શકે.
“आचार्य देवो भवः “એટલે માતાપિતા પછી ‘ગુરૂ’ ને પણ દેવ નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુપુર્ણિમા નિમિત્તે શ્રી નિરજભાઈ સોનાવાલાએ કહ્યું છે એમ ‘હિમાલયપુત્રી ગંગા’ જેવા પવિત્ર મનના, મુઠી ઉંચેરા માનવી એવા મારી ‘ગુરૂ’ બેનાને કોટી કોટી વંદન.જય શ્રી કૃષ્ણ.
મનનીય ગુરુવંદના.
શ્રી પ્રકાશભાઈ, આપે તથા શ્રી નીરજભાઈએ જે લાગણીસભર શબ્દો લખ્યા છે એ વાંચી આંખો ભરાઈ આવી… પ્રત્યુતરમાં કશું લખવા કોઈ શબ્દો મળતા નથી.. ! શ્રી નીરજભાઇ સોનાવાલા પોતે શ્રી અખાજી ભગતનાં વંશજ અને સારા લેખક છે..
ચિ.બહેન ચેતના તથા સર્વે કુટુંબીજનો, કુશળ હશો – શુભાશીષ!
આજે તા.૭-૭-૦૯ ગુરુપુર્ણિમાના દિવસે ઇન્ટરનેટ પર મારા પ્રત્યે ની શ્રધ્ધા – લાગણી અને સદભાવના વાંચી, હું ખૂબજ ગૌરવ અને ધન્યતા અનુભવું છું.આપણી આસપાસના હજારો માનવીઓમાંથી કોઇ એક બે માનવીના જીવનમાં કઈંક એવુ આપી દેવાથી જો તેઓનું જીવન ધન્ય બને તો આપણું જીવન પણ ક્ર્રુતાર્થ બને. આજે અભ્યાસ દરમ્યાન એકસ્ટ્રા વિચારો અને ચિંતન વાલી તમારી નોટ લઈને બેઠો છું.પુત્રના પગ પારણામાં… ત્યારે મને વિચાર આવતો કે, ચેતના આગળ ઉપર કોઇ ને કોઇ ક્ષેત્રમા જરુર આગળ વધશે. આજે સહિત્ય, સંગીત, ભક્તિ અને વિશેષ કરીને કઈક પણ વાળી તમારી જીજ્ઞાસા વૃત્તિ તમને ખુબ આગળ લઈ ગઈ છે. જીવનમા ખૂબ આગળ વધો, તમારો જીવનરસ નો પ્રવાહ વધુ વેગવંતો અને સમૃદ્ધ બન્યો રહે અને સાથે સાથે તેજસ અને ચિરાગને તેમાથી પ્રેરણા મળે. સાચા જીવનરાહ પર તમે છો તેથી બાળકોના ફાધરને પણ ગૌરવ હશેજ. આજના દિવસે મારી શુભભાવના અને આશીર્વાદ છે. ખૂબ આગળ વધો અને બીજાના જીવન માં ઉપયોગી બનો.
પરન્તુ એ સર્વ બાબતોની સાથે રખે ચૂકવાનું નહિ-
Faith in God and Do right. God bless you.Try & try, again and again.
_ ધીરુભાઈભૂતના हरि ॐ तत्सत् – ‘ऋणानुबंध’
પૂજ્ય સર, આપ ખરા અર્થમાં ગુરુજી છો અને આપે આપેલ શિક્ષા અત્યારે કામ આવી છે ..આ બધું શ્રીજી કૃપા, ગુરુકૃપા, સહુ વડીલોનાં આશીર્વાદ અને સ્વજનોની શુભેચ્છાઓ ને લીધે શક્ય બન્યું છે… આપ આમ જ આપના આશીર્વાદ વરસાવતા રહો એવી અભ્યર્થના…!
અદભુત ગુરુ-શીષ્યા સંબંધ. એકવીસમી સદીમાં આ સંવેદનશીલતા અને ભાવાત્મકતા ..
મન પ્રસન્ન થઈ ગયું.
BEST OF LUCK
FROM PAPA AND GHIYA FAMILY UPLETA – JUNAGADH
ગુરુજીની ક્રુપા પ્રાપ્ત કરવાનુ બધાના નશીબમ નથી હોતુ, તમે બહેન, નશીબદાર છો….સસ્કાર ત્યાથી જ આશિર્વાદનારુપે મળતા હોય છે…આપને અભિનદન અને અમારા સુધી ક્રુપા લએએ આવવ બદલ આભાર….
બહુ જ સુંદર અને સાચે જ ગુરૂ-શિષ્યા વચ્ચેનો અનોખો સંબંધ.
આ સાથે ગોપાલ શાસ્ત્રી લિખિત ‘ચં. ચી. મારા ગુરૂ’ માં થી:
” પુસ્તકોનો થોકડો બગલથેલામાં મૂકી હું નીકળ્યો. સાયકલ પર ઘર તરફ આવતી વખતે ચં.ચી. દાદાનું ઉઘડતું જતું વિરાટ વ્યક્તિત્વ મનોચક્ષુ સમક્ષ સાકાર થએ રહ્યું. દેશભરના અનેક શહેરોમાં આ મહાન નાટ્યમહર્ષિની અવિરામ યાત્રા જોઈ હું ગજબનું આશ્ચ્રર્ય પામ્યો. બોંતેર વર્ષે કોઈ થાક નહિ! સતત પ્રફૂલ્લ, પ્રસન્ન.મહિનામાં માત્ર થોડાક જ દિવસ વડોદરા: બાકી મુંબઈ-દિલ્હી-અમદાવાદ-સુરત….યાદી ખૂબ લંબાવી શકાય. જ્યાં જાય ત્યાંથી પારસી સાહિત્ય, રંગભૂમિ કે અન્ય સંદર્ભે પુસ્તકો લેતા આવે. મને સહ્રદયપૂર્વક કહેવા દો કે અનેક શહેરોની અનેક લાયબ્રેરીઓ અને લાયબ્રેરિયનો સાથે સી. સી. દાદાનો ગજબ નો આત્મીય નાતો! પારસી રંગભૂમિ ના સંદર્ભે ચં. ચી. દાદાએ આ બધી જ લાયબ્રેરીઓમાં જઈ વાંચવાની કડક સૂચના આપી હતી. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધે જ એના ગ્રંથપાલમિત્ર લગભગ એક સૂરવાળું વાક્ય કહેતાં: ‘તમે ચં.ચી. ના વિદ્યાર્થી?’ હું ડોકું ધૂણાવી ‘હા’ કહેતો. ત્યારબાદ એકાદ કબાટ કે ઘોડા તરફ આંગળી ચીંધી કહેતા: ‘તમારે ત્યાં જે પુસ્તકો છે અ વાંચવાનું ચં.ચી. દાદા કહી ગયાં છે!’ આ વાક્ય સાંભળી મારા ચિત્તમાં ચં.ચી દાદા માટે જે અહોભાવ પગટતો તેનું વર્ણન કરવા આજે પણ હું મને નિર્બળ સમજું છું. કલ્પના નહોતી કરી કે દાદાની કૃપા મારા પર આષાઢી મેઘની જેમ વરસશે! નાટક અને રંગભૂમિ પ્રત્યેની તેમની અગાધ લગની ની મહેંક તેમન સાંનિધ્યમાં મેં સતત અનુભવી છે.”
એક નિષ્ઠાવાન ગુરૂ જ પુસ્તકાલયનું જીવન-ઘડતરમાં શું મહત્વ છે તે સમજાવી શકે છે.
ગોપાલ શાસ્ત્રી લિખિત ચં. ચી. મારા ગુરૂ માં થી સાભાર: વરસ્યા મેઘ આષાઢી…. પૃ. ૧૭-૧૮
Amazing! Not clear for me, how offen you updating your http://www.samnvay.net.
Thank you
ચેતનાજી ,
આપ ની સદ્દ ગુરુ પ્રત્યે ની અખૂટ ભાવના આપના શબ્દો માં જોવા મળી અને આંખ અશ્રુ ભીની થયી ગઈ …નિશાળ માં ભણતર વખતે તો સાવ નાના હતા પણ આપના શિક્ષકો પ્રત્યે નો આપનો ભાવ કેટલો અદભૂત હતો તેની યાદ આપ ના આ લેખ દ્વારા થઇ છે..ખુબ ખુબ ધન્યવાદ સાથે રામ કૃષ્ણ હારી..
ચેતુ દીદી , ગુરુપુર્ણિમા નિમિત્તે શત શત સાષ્ટાંગ પ્રણામ ! જયશ્રી કૃષ્ણ !!
આપને પણ … જયશ્રીકૃષ્ણ … 🙂
આપને તથા આપના સર્વે ગુરુજીને મારા સાદર પ્રણામ …..મનવંત .
તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ
શ્રી ચેતુબેન,
આપને જયશ્રી કૃષ્ણ અને ગુરુ વંદના , આપના ગુરુજીની વાતો અમારા સુધી લઈ આવવા બદલ આભાર…………………….
ગુરુવંદના અને ગુરુપત્ર વાંચી અહોભાવ
સાહજિક થયો.તમારા ,મારા ,આપણા
ગુરુજીને હૃદયની શ્રદ્ધાંજલિ સહિત
જય શ્રી કૃષ્ણ ….હરિ ઓમ, ગુરુભ્યો નમ: !
ચેતુ બહેન
આપના ગુરુવંદના શિષ્ય અને ગુરુ વચ્ચે ના અનોખા બંધન કે જે શબ્દો મા વર્ણવી નથી શકાતું વિષે હું પૂરું નથી વાંચી શક્યો કારણ કે આ વ્યથા ફક્ત પણ એક ગુરુના શિષ્ય જ અનુભવી શકે, મારી આંખ મા અત્યારે લખું છું ત્યારે પણ આશું વહી રહ્યા છે , પછી મન મજબુત કરી અને વાંચીશ, એટલું જરૂર કહીશ કે આપને આવા ગુરુ મળવા અને ગુરુ ને આપના જેવા શિષ્યા મલવા એ પણ એક ના વર્ણવી શકાય એવા પૂજનીય સબંધ છે કે જે ફક્ત અહેસાસ કરી શકાય ,આવા આપના ગુરુ ને જ્યાં હોય ત્યાં મારા નમન અને આપ જેવા તેમના શિષ્યા ને પણ મારા નમન , ચંદ્રકાન્ત જે. તન્ના
માનનીય શ્રી, આપના આ સુંદર પ્રતિભાવ વાંચીને પણ આંખો ભરાઈ આવી .. મારા આ ગુરુજી થોડા સમય પહેલા જ શ્રીજીચરણ પામ્યા ..!! પરંતુ એમના આશીર્વાદ હમેશ મારી સાથે જ રહ્યા છે ..!! એમને અર્પેલી શ્રદ્ધાંજલી આપ http://samnvay.net/shriji/?p=2677 પર જોઈ શકશો ..આભાર ..!
Wah ..mara darek gurujano ni yaad avi gai .abhinandan
Pingback: Govind Hari… ( શ્રદ્ધાંજલી ) | સમન્વય