Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્રી કૃષ્ણના ચરણાર્વિંદની રજ થકી શોભી રહ્યાં
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)
માં, સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યાં
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યાં
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)
શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (3)
અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)
શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)
અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ, માં, આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)
શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત, મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)
હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)
***
શ્રી યમુનાજી ની સ્તુતિ કરતી વખતે હૃદય અને મન શાંત થઈ જાય છે.