મિત્રો, આજે રાધાષ્ટમીના દિને સહુને શ્રીરાધાજીનાં જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ..!
***
શ્રી ભાગવતજીમાં રાધાજીનું નામ શા માટે નથી?
આપણે ત્યાં રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમના પ્રતિક રૂપે પૂજવામાં આવે છે. જેમ મહાભારતમાંથી કૃષ્ણ કાઢી નાખો બાકીનું બધુંયે અને બધાં જ પાત્રોની આપમેળે બાદબાકી થઈ જાય તેમ કૃષ્ણ અને વ્રજભૂમિમાંથી શ્રી રાધાજીની બાદબાકી કરો તો વ્રજભૂમિ અને કૃષ્ણ બંને અપૂર્ણ અને અધૂરા થઈ જાય છે. આપણાં ઈતિહાસે કૃષ્ણપ્રિયા શ્રી રાધાજીનાં અનેક ગુણગાન ગાયા છે, કૃષ્ણ કનૈયાની સખી અને પ્રાણપ્રિયા શ્રી રાધા છે તેથી જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ હોય, જ્યાં કૃષ્ણ કનૈયા હોય ત્યાં ત્યાં શ્રી રાધાજીનું અસ્તિત્વ હોવું જ જોઈએ પણ તેમ છતાંયે કૃષ્ણની અદ્ભુત લીલાઓ ગાતાં શ્રી ભાગવતજીમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ શા માટે નથી થયો તે પ્રશ્ન આપણને થાય છે.
શ્રી ભાગવતજીમાં શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ થયો નથી એનું મુખ્ય કારણ એ છે કે ભાગવતજીની કથાના વક્તા શ્રી શુકદેવજી છે અને શ્રોતા તે રાજા પરિક્ષિત છે. શ્રી રાધાજી તે શ્રી શુકદેવજીના ગુરુ છે અને શ્રી શુકદેવજીને માટે શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ થવો એટ્લે ગુરુચરણોને યાદ કરવા. પરંતુ રાજા પરિક્ષિતને આ ભાગવતની કથા પૂર્ણ રીતે સાત દિવસમાં સંભળાવવાની હતી તેવામાં જો ગુરુચરણની યાદ આવતાં જો શુકદેવજીને સમાધિ આવી જાય તો કથા વિસરાઈ જાય તેથી શ્રી શુકદેવજીએ શ્રી ભાગવતજીની કથામાં શ્રી રાધાજીનો ઉલ્લેખ કર્યો નથી. બીજી કથા અનુસાર જ્યારે શ્રી શુકદેવજીના પિતા મહર્ષિ વેદવ્યાસજીએ શ્રી ભાગવતજીની રચના કરી રહ્યાં હતાં ત્યારે ભગવાન કૃષ્ણના રસમાં મગ્ન થયેલા મહર્ષિ વેદવ્યાસજીથી શ્રી રાધાજીનું ચરિત્ર લખવાનું ભુલાઈ ગયું હતું તેથી શ્રી રાધાજીનો પ્રત્યક્ષ ઉલ્લેખ શ્રી ભાગવતજીમાં થયો નથી, પરંતુ પરોક્ષ રૂપે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પરોક્ષ રૂપમાં કહે છે કે
अनया आराधितो नूनं भगवान् हरिरीश्वरः।
यन्नो विहाय गोविन्दः प्रीतोयामनयद्रहः ।।
આ વાક્યનાં સંદર્ભમાં શ્રી શુકદેવજી સમજાવે છે કે ગોપીઓ કહે છે કે આપણાંમાંથી કોઈ સખી શ્રીઠાકુરજીની આરાધિકા હશે જેને શ્રી ઠાકુરજી એકાંતમાં લઈ ગયાં છે અને આપણને અહીં રોતા વિલપતા છોડી દીધાં છે. જ્યાં શુકદેવજી એ “આરાધિકા” નો ઉલ્લેખ “શ્રી રાધાજી” તરીકે કર્યો ત્યાં પુષ્ટિમાર્ગીય શાસ્ત્રોમાં આ સખીનાં નામનો ઉલ્લેખ શ્રી રાધા સહચરીજી તરીકે થયો છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે શ્રી રાધાજી અને શ્રી રાધાસહચરીજી એ બંને અલગ અલગ છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રચિત શ્રી ભાગવતજીનાં ટીકા સ્વરૂપ શ્રી સુબોધિનિજીમાં પણ શ્રી વલ્લભાચાર્યજીએ રાધાજીનાં નામનો ઉલ્લેખ કર્યો નથી તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્વયં શ્રી રાધા સ્વરૂપ છે, શ્રી સ્વામીનિજી સ્વરૂપ છે આથી પોતે પોતાની કથા શી રીતે કહે? તેથી શ્રી સુબોધિનિજીમાં શ્રી રાધાજીનું નામ શ્રી વલ્લભાચાર્યજીએ ગૌપ્ય રાખ્યું છે.
શ્રી રાધાજીનું નામ શ્રી ભાગવતજીમાં ભલે ગુપ્ત ગંગા બનીને વહેતું હોય પણ દરેક કૃષ્ણ પ્રેમી અને વ્રજની સચરાચર આદ્યશક્તિ રૂપે શ્રી રાધાજી, શ્રી રાધેરાણી, શ્રી કૃષ્ણપ્રિયા દરેકે દરેક વૈષ્ણવોનાં અને ભક્તોનાં હૃદયમાં મુખ્ય સ્વામીનિજી તરીકે બિરાજી રહ્યાં છે.
-પૂર્વી મોદી મલકાણ- યુ એસ એ.
5 Responses to Shri Radhaji…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments