શ્રી મહાપ્રભુજીના 536 માં પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ
શ્રી વલ્લભાચાર્યજીની કર્મભૂમિ શ્રી ગોકુલ.
માનસી ગંગા – શ્રી ગોકુલ
(તસ્વીર : રેખા રાઠૉડ – દૂબઈ )
***
***
After Sri Caitanya Mahaprabhu’s arrival in Vraja, Sri Vallabhacarya sat on the bank of Yamuna at Govinda Ghat to read Srimad-Bhagavatam from beginning to end. Sri Vallabhacarya’s son, Sri Vitthalacarya, and his son Gokulanath also have their bhaitaks there. In fact, Sri Vitthalacarya leased this place in his own name after showing Aurangzeb a miracle.
***
( તસ્વીર – ગુગલ સર્ચ )
***
આ લેખ મોક્લવા બદલ પૂર્વીબેનનો ખૂબ ખૂબ આભાર
પુષ્ટિમાર્ગનાં અષ્ટસખાઓમાંનાં એક સખા શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ ગાયું છે કે ગોકુલ ગાંવ સુહાવનો……..સબ મિલી ગાવો…હોં. જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનાં સેવક ચાચા હરિવંશજી કહે છે કે જે ગોકુલનો મહિમા અનેક પુરાણો અને ઉપનિષદોએ ગાયેલો છે, જ્યાં અસંખ્ય ગાયોની ઘૂઘરીઓ રણઝણે છે, જ્યાં અસંખ્ય ગોપ ગોપીઓ રૂપી ભક્તજનો રસિક બનીને ખોવાઈ રહ્યાં છે તે ગોકુલ……શ્રી ગોકુલ…….ભગવાન શ્રી કૃષ્ણની સાથે શ્રી વલ્લભાચાર્યજીની પણ કર્મભૂમિ શ્રી ગોકુલ છે. વેદોએ ગોકુલ શબ્દનાં વિવિધ અર્થો બતાવ્યાં છે. વેદોમાં કહ્યું છે કે ગૌ અર્થાત્ ગાય અને કુલ અર્થાત્ સમૂહ જ્યાં ગાયોનો સમૂહ રહે છે તે જગ્યા, ગોકુલનો દ્વિતીય અર્થ બતાવતાં કહ્યું છે કે ગોઉ અર્થાત્ ગ્વાલા અને કુલ અર્થાત વંશ નિવાસ જ્યાં ગ્વાલાઓનો વંશ નિવાસ કરી રહ્યો છે તે જગ્યા. વેદોએ ગોકુલ શબ્દનો ત્રીજો અર્થ બતાવતાં કહ્યું છે કે ગો એટ્લે ઇન્દ્રિયો અને કુલ એટ્લે નિવાસ. અર્થાત્ જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ નિવાસ કરી રહ્યો છે તે ગોકુલ, અર્થાત્ જ્યાં ગૌ, ગોપ, ગોપીઓ, ગ્વાલાઓરૂપી સતત ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરી રહેલી ઇન્દ્રિયોનો સમૂહ તે ગોકુલ. વેદોએ કહેલ આ વિવિધ અર્થ ને અન્ય રીતે જોઈએ તો જ્યાં અસંખ્ય ભક્તજનો કૃષ્ણપ્રેમમાં, કૃષ્ણરસમાં અને કૃષ્ણનામમાં ખોવાઈને નિવાસ કરી રહ્યાં છે તે સ્થળ ગોકુલ કહેવાય છે.
શ્રી ગોકુલનો સૌ પ્રથમ ઉલ્લેખ વેદોમાં થયેલો છે. વેદોમાં કહ્યું છે કે દેવલોકમાં જે મહત્વ ભગવાન વિષ્ણુનાં વૈંકુંઠનું છે તેનાંથી સહસ્ત્રગણું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણનાં ગોલોકધામ સ્થિત શ્રીમદ્ ગોકુલનું છે. વેદો બાદ બીજો ઉલ્લેખ ઉપનિષદમાં અને ત્રીજો ઉલ્લેખ પુરાણોમાં થયેલો જોવા મળે છે. નારદપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત અને ભક્તિનો સંબંધ સીધોજ ભગવાન કૃષ્ણ સાથે છે તેવા જીવોએ ગોકુલમાં જઈને નિવાસ કરવો જોઈએ. આ ઉપરાંત ભગવાન કૃષ્ણનાં અને શ્રી વલ્લભાચાર્યજીની કર્મભૂમિ શ્રી ગોકુલનો ઉલ્લેખ ગર્ગપુરાણ, નારદ પુરાણ, પદ્મપુરાણ, હરીવંશ પુરાણ, બ્રહ્મપુરાણ, અગ્નિપુરાણ અને બ્રહ્મવૈવર્તક પુરાણ તેમજ તૈત્તરીય ઉપનિષદ અને થોડા ઘણાં અંશે શિવપુરાણ અને જૈન સાહિત્યમાં પણ જોવા મળે છે. વેદ, ઉપનિષદ અને પુરાણો બાદ ઇ.સ પૂર્વેનાં તામ્રયુગ અર્થાત્ દ્વાપરયુગમાં શ્રી ગોકુલનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ પાંચમી થી સાતમી સદીમાં સ્પષ્ટ રૂપે શ્રી ગોકુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇતિહાસમાં કહ્યું છે કે સારસ્વત યુગમાં જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાછા ગોલોક ધામ પધાર્યા તે જ દિવસથી કલિયુગે પોતાનો પ્રભાવ પાથરવાનો શરૂ કર્યો. જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ શૈવ, બોધ્ધિક ધર્મ, વૈદિક ધર્મનું મૂલ્ય વધતું ગયું જેને કારણે પુષ્ટિ ધર્મ અને પુષ્ટિ સંસ્કૃતિ ધરાવતાં ગામોનું મૂલ્ય ઓછું થતું ગયું. જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ કૃષ્ણનાં નામનો, કૃષ્ણનાં ગામનો, કૃષ્ણનાં જીવનનાં સારાંશનો વિલય થયો અને તેમનું અસ્તિત્વ સમયનાં ગાઢવનમાં ખોવાઈને ઝાખું થઈ ગયું. સમયાંતરે (૫૩૫ વર્ષ પૂર્વે) ઝારખંડથી વ્રજમંડલમાં પધારેલા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જ્યારે શ્રી યમુનાજી તટ્ટ પર વિચરણ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ઠાકુરાણી ઘાટ (આ સમયે વ્રજ સંસ્કૃતિ અને શ્રી ઠાકુરજીનાં લીલાત્મક સ્થળો, કુંડો, ઘાટો, વનો, સરોવરો વગેરે સમયનાં અબાબીડ ઘનઘોર વૃક્ષોમાં અને રજમાં ખોવાઈ ગયેલાં હતાં.) ઉપર આવ્યાં. ત્યારે તેઓ ગોવિંદ ઘાટ અને ઠાકુરાણી ઘાટ વગેરેને ઓળખવામાં અસમર્થ બન્યાં, ત્યારે શ્રી યમુના મહારાણીજીએ સ્વયં ત્યાં પધારીને શ્રી વલ્લભને ગોવિંદ ઘાટ અને ઠાકુરાણી ઘાટ વચ્ચેનો ભેદ બતાવી તેમનું માર્ગદર્શન કર્યુ, અને સાથે સાથે પ્રાચીનતમ શ્રી ગોકુલનું સ્થાન પણ બતાવ્યું. શ્રી યમુનાજીનાં માર્ગદર્શન બાદ શ્રી વલ્લભે ૮ શ્લોકોનું શ્રી યમુનાષ્ટક સ્તોત્ર રચીને શ્રી યમુનાજીને અર્પણ કર્યું અને કૃષ્ણ નામનો, કૃષ્ણનાં ગામનો, કૃષ્ણનાં જીવનનાં સારાંશને પુનઃપ્રગટ કર્યું. આમ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ઇતિહાસનાં ગર્ભમાં ખોવાયેલ પુષ્ટિસૃષ્ટિને ફરી પ્રકાશિત કરી. શ્રી વલ્લભ દ્વારા શ્રી ગોકુલનાં અને પુષ્ટિમાર્ગનાં પુનઃપ્રાગટ્ય બાદ શ્રી ગોકુલનો વધુ પ્રચાર થયો, પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી ગુંસાઈજી પ્રભુચરણ ગોકુલમાં સ્થાયી થયા બાદ શ્રી ગોકુલનો મહત્તમ વિકાસ થયો હતો તેમ વ્રજઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે. તે વિકાસ બાદ અન્ય શ્રી વલ્લભકુલ બાલકો, વૈષ્ણવ ધર્મને માનતા અન્ય આચાર્યો, ભક્તો અને ભગવદીયો દ્વારા આધ્યાત્મિક વેગ વધુ મળ્યો જેને કારણે શ્રી ગોકુલનો આધિ દૈવીક અને આધ્યાત્મિક વૈભવ વધતો ગયો.
વ્રજ ઇતિહાસનાં સાહિત્ય પ્રમાણમાં પાંચ ગોકુલ ગાંવનો ઉલ્લેખ થયેલો છે. જ્યાં બાલકૃષ્ણને લઈને વાસુદેવજી આવેલા તે ગોકુલ ગાવ સૌ પ્રથમ ક્રમમાં આવે છે. આ ગોકુલમાં સૌ પ્રથમ શકટાસૂર આવ્યો અને ત્યાર બાદ પૂતના રાક્ષસી આવી તેથી માતા યશોદાનું મન આ સ્થળમાંથી ઉઠી ગયું તેથી તેમણે નંદબાબાને કહ્યું કે યમુનાની પેલે પાર મથુરા છે અને આ પાર ગોકુલ છે. આ બંને ગામ એવા છે જેને યમુનાનાં કિનારા પરથી જોઈ શકાય છે. વળી મથુરાથી ગોકુલ આવવું ખૂબ સરળ છે તેથી જ અહીં મથુરાથી વારંવાર રાક્ષસો આવે છે ત્યારે મને મારા લલ્લાની ચિંતા થાય છે, માટે આપણે આ ગોકુલ છોડીને વૃંદાવનના અંદરના ભાગમાં જતાં રહીએ એનું કારણ એ છે કે વૃંદાવનની અંદરનો ભાગ વટવૃક્ષથી ઘેરાયેલો છે તેથી કંસ કે તેના રાક્ષસો ત્યાં સુધી નહીં આવી શકે અને આપણે પણ સુરક્ષિત રહી શકીશું. પૂતના દ્વારા અચાનક થયેલા પ્રહારને કારણે અવાચક બનેલા નંદબાબાને પણ માતા યશોદાની આ વાતમાં તથ્ય લાગ્યું. ત્યારે તેમણે આ પ્રસ્તાવ અન્ય ગોપો પાસે મૂક્યો જેને ગ્રામવાસીઓએ વધાવી લીધો અને તેઓ વૃંદાવનનાં વૃક્ષોથી આચ્છાદિત ભાગમાં રહેવા ચાલ્યાં ગયા. જે સ્થળમાં નંદબાબા અને ગોપસખાઓ રહેવા લાગ્યાં તે દ્વિતીય ગોકુલ કહેવાયું. સમયાંતરે ત્યાં પણ રાક્ષસોનાં ઉપદ્રવ થવા લાગ્યો આથી નંદબાબા એ વિવિધ સ્થળોએ ગોપસખાઓ સાથે વસ્યા. જ્યાં જ્યાં નંદબાબા વસતાં તે તમામ જગ્યાઓ ગોકુલ તરીકે જ ઓળખાઇ. આ રીતે કરતાં કરતાં પાંચ ગોકુલ ગામ અસ્તિત્વમાં આવ્યાં. છેલ્લું ગોકુલ તે બરસાના ગામની નજીક વસ્યું કારણ કે વારંવાર થતાં અનિષ્ટને કારણે વૃષભાનુજીએ નંદબાબાને પોતાના ગામની નજીક વસવાનો આગ્રહ કર્યો જેથી વારંવાર થતાં અનિષ્ટોનો સામનો ગોવાળિયાઑ મળીને કરી શકે. આજે આપણે જે ગોકુલ જોઈએ છીએ તે નવું ગોકુલ છે. જેનો વિકાસ આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીનાં હસ્તે થયેલો છે.
શ્રી વલ્લભનંદન વિઠ્ઠલનાથ પ્રભુચરણ દ્વારા ગોકુલનો પુનઃથ્થાન થયાં બાદ તે સમયનાં અનેક રાજવીઑએ શ્રીમદ્ ગોકુલમાં આવીને શ્રી વલ્લભકુલ આચાર્યચરણનાં આર્શિવાદ સાથે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ લીધો. આજ શ્રી ગોકુલમાં નટવર ગઢનાં રાજા આશકરણજી પુષ્ટિભક્તિમાં તલ્લીન થઈ ફરતાં હતાં. ગુર્જર ઇતિહાસ કહે છે કે ગુજરાતનાં રાજા ભીમસેનજીને એકવાર પોતાનાં પૂર્વજન્મ વિષે જાણવાની ઈચ્છા થઈ ત્યારે તેઓ તે સમયનાં દરેક સંતોને પૂછતાં ભારતવર્ષમાં ફરી રહ્યાં હતાં, તે સમયે ક્યાંયથી તેમને સંતોષકારક ઉત્તર ન મળ્યો. એક સમયે તેઓ ફરતાં ફરતાં વ્રજ તરફ આવ્યાં. તે સમયે ગોકુલમાં ઠાકુરાણી ઘાટ પર બિરાજી રહેલાં આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીએ તેને તેનાં પૂર્વજન્મનું પ્રતિબિંબ યમુનાનદીમાં વહેતાં જળમાં બતાવ્યુ. ગુજરાતનો ઇતિહાસ એ વાતની પૂર્તિ આપે છે કે યમુનાજીનાં જળમાં પોતાનાં પૂર્વજન્મનુ પ્રતિબિંબ જોયા બાદ રાજા ભીમસેન આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીનાં શરણે આવ્યાં અને પુષ્ટિમાર્ગની દિક્ષા લીધી.
દ્વારિકાનાં ઇતિહાસમાં એક પ્રસંગ છે કે એક સમયે દ્વારિકામાં જાંબૂવતીજીએ માતા રોહિણીને પૂછ્યું કે મા આપને દ્વારિકા વધુ રુચે કે ગોકુલ વધુ રુચે? ત્યારે રોહિણીજી કહે કે આર્યનારીને જ્યાં પોતાનાં પતિ હોય તે સ્થળ વધુ રુચે પરંતુ મને મારા પતિની દ્વારિકા કરતાં શ્રી ગોકુલ વધુ રુચે છે. કારણ કે ગોકુલની સરખામણીમાં આ સોનાની દ્વારિકાનું તો કોઈ જ મૂલ્ય નથી, ત્યારે માતા રોહિણીની વાતમાં ભગવાન શ્રી દ્વારિકાધીશજીએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું, આથી સર્વે રાણીઓએ શ્રી ગોકુલને જોવાની ઈચ્છા વ્યકત કરી હતી. તે સમયે શ્રી દ્વારિકાધીશજીએ કહ્યું કે એક સમય એવો આવશે ત્યારે આપ સહુ શ્રી ગોકુલનાં દર્શન કરી શકશો. સમયાંતરે જ્યારે મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયાં બાદ એક સમયે દ્વારિકાધીશજીએ સર્વે રાણીઓને શ્રી ગોકુલ સમેત વ્રજભૂમિનાં દર્શન સર્વે રાણીઓને કરાવ્યાં હતાં તેવું સાહિત્ય પ્રમાણ જોવા મળે છે. શ્રી નારદ પુરાણમાં શ્રી ગોકુલનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે સ્વર્ગ લોકમાં રહેલો દેવોનો તમામ વૈભવ એ પૃથ્વી પર શ્રી ગોકુલનાં સ્વરૂપમાં આવ્યો ત્યારે આજ વૈભવનો આનંદ લેવા માટે દેવી દેવતાઓને શ્રી ગોકુલમાં જન્મ ધારણ કરવો પડ્યો. મનુ સ્મૃતિમાં કહ્યું છે કે આતિથ્ય ધર્મ કેવો હોય તે સમજાવવા માટે શ્રી ગોકુલ ભૂતલ ઉપર પ્રગટ થયું છે, તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવીકનાં માપદંડ જેને લાગુ નથી પડતું તેવું ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું શ્રી ગોકુલ સદા, સર્વ કાળે આધિ દૈવીક જ છે. આ સ્થળનું માહાત્મ્ય અને મહિમા સર્વ જીવોને માટે પૂર્ણ પુરુષોત્તમની નજીક લઈ જનારું છે. વ્રજ ઇતિહાસમાં કહ્યું છે કે કલિયુગમાં આચાર્યચરણ કેવા હોય તે સંસારને શીખવવા માટે શ્રી ગોકુલનું પુનઃ પ્રાકટ્ય થયું છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજીચરણે ભાવપ્રકાશમાં કહ્યું છે કે શ્રી ગોકુલનંદન (શ્રી કૃષ્ણ), શ્રી ગોકુલેશજી(શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકો), જ્યાં સદાયે બિરાજીને પોતાનાં ભક્તજનોને પોતાનું શરણ કેવી રીતે આપી રહ્યાં છે અને શરણે આવેલા જીવોને ભક્તિનો આનંદ કેવી આપવો તે સમજાવવા હેતુ શ્રી ગોકુલનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે. શ્રી ગોકુલનો મહિમા જેટલો વિષ્ણુદાસ છિપા સહિત અષ્ટસખાઓએ (કુંભનદાસજી, ગોવિંદસ્વામી, સૂરદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી, કૃષ્ણદાસ અધિકારીજી, પરમાનંદદાસજી, છીત્ત સ્વામીજી) ગાયો છે તેટલો જ મહિમા મધ્યકાલીન યુગથી લઈ અર્વાચીન યુગમાં માધવદાસ, પીરજાદી, અલી પઠાણ, ધોંધી, જીવણદાસ ચતુરવિહારી, યાદવેન્દ્રદાસ, મીરાબાઈ, રૈદાસજી, રસખાનજી, તાનસેનજી, પ્રેમાનંદ, દયારામજી, રત્નાકરજી, નરસિંહ મહેતા, ગિરધરજી, બ્રેહદેવ વગેરે કવિઓએ પણ ગાયો છે. શ્રી ગોકુલનાં મહિમાને પૂર્ણ રીતે જાણતા શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ આથી જ ગાયું હશે કે જે ગોકુલ ગાવની અવર્ણનીય શોભામાં શ્રીકૃષ્ણની અસંખ્ય બાલલીલાની પરછાઇ છુપાઈને રહી છે, જે શ્રી ગોકુલની ગલીઓમાં શ્રી વલ્લભકુલ આચાર્યચરણના પગલાંની છાપ સમાયેલી છે તેવાં ગોકુલ ગાવનો મહિમા અતિ સુહાવનો……છે.
– પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com.
***
3 Responses to Shri Gokul…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments