આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે
નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.
નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે.
સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે.
શ્રુતિ : ‘ શ્રયતે ઈતિ શ્રુતિ ‘ એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિ એ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.