વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈ
આ પુષ્ટિ-માર્ગીય માહિતીનાં વિસ્તૃત આલેખન બદલ, અમેરિકા સ્થિત શ્રીપુર્વીબેનને ખૂબ ખૂબ અભિનંદન સહ, સમન્વય પર સહુ પ્રથમ પ્રકાશિત કરવાની પરવાનગી આપી, આ લેખ મોક્લવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર ..!
પિછવાઈનો ઇતિહાસ
વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણના શ્રી હસ્તે થઈ હતી. પુષ્ટિ-માર્ગનાં સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કલાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ને કમલવનની ઉપમા મળેલી છે. ઇતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો શ્રીનાથજી બાવા સાથે રાજસ્થાન આવેલા. પિછવાઈ કલાકારોને રાજસ્થાનમાં રાજ્યાશ્રય મળતાં જ શ્રીજીબાવા અને શ્રી વલ્લભ કૂલના આશીર્વાદ સાથે પિછવાઈ કલા આસમાનમાં લહેરાવા લાગી. સુકી મરુ ભૂમિ હોવા છતાં રાજસ્થાનમાં જીવનનાં ઘણા બધા રંગો સમાયેલા છે. રાજસ્થાનનાં પિછવાઈ કલાકારો પોતાની પિછવાઈમાં રંગોનું મિશ્રણ નથી કરતાં બલ્કે વિવિધ રંગોનો સમન્વય કરી જગતને બનાવનાર જગદીશ્વરને પિછવાઈમાં પ્રગટ કરે છે. વ્રજની લોકકલા પિછવાઈએ રાજસ્થાનમાં રાજ્યાશ્રય લીધા બાદ અનેક પ્રકારની શૈલીનો વિકાસ કર્યો તેમાં નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બૂંદી શૈલી, કોટા શૈલી, કિશન ગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જયપુર શૈલી, મુખ્ય છે. પિછવાઈકલાનાં ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, નીલા, લીલા જેવા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હલ્દી, સિંદૂર, ગેરૂ, પારિજાતનાં ફૂલો, વૃક્ષોનાં છાલ અને પાંદડાંઓ, કંદમૂળોમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, મોતી, હીરા, માણેક, નીલમ, પન્ના, મિનરલ પાણી, માટી, અને રત્નો, જડતર, રેશમી દોરા આ ઉપરાંત લાખ, કાજળ અને સફેદો જેવા પદાર્થો વગેરેનો ઉપયોગ નાનામોટા પ્રમાણમાં થાય છે. વ્રજ ઇતિહાસમાં જણાવ્યાં પ્રમાણે આજથી ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલા વૃક્ષોમાંથી બનતા કાગળ અને ભોજ પત્રો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોઇ સૂતર તેમજ રેશમી કપડાંઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનો ઉપયોગ આજ પર્યંત પરંપરાગત રીતે થાય છે.પિછવાઈકલા એ વૈષ્ણવ સંપ્રદાયની વિશિષ્ટ અને આસ્થાપૂર્ણ ચિત્રશૈલી મનાય છે.
પિછવાઈનું આધ્યાત્મિક ઝાંખી સ્વરૂપ
હવેલીઓમાં પ્રત્યેક દર્શન ને માટે અને ભક્તોના મનમાં એક વિશિષ્ટ ભાવ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે શ્રી ઠાકુરજીનાં વિવિધ સ્વરૂપોની પિછવાઈ બનાવવામાં આવે છે, દા.ત બાલકૃષ્ણની સાથે વાત્સલ્યભાવમાં પૂર્ણ રીતે રંગાયેલા માતા યશોદા, ગ્વાલબાલ સખાઓ સાથે ખેલી રહેલા નંદનંદન, કૃષ્ણ અને રાગરાગિણી, ગીત ગોવિંદ, ષષ્ઠ ઋતુ મનોરથ, ગોપીઓ સાથે બંસુરી બજાવીને વૃંદાવનને મંત્રમુગ્ધ કરી રહેલા મુરલી મનોહર, રાસલીલામાં રાધારાણી સાથે રમી રહેલા રાસબિહારીજી, ઝુલામાં ઝુલતાં ઝુલેલાલજી જોઈને પુષ્ટી અને મર્યાદા માર્ગિય વૈષ્ણવોના મન પિછવાઈ પર ઉપસાવેલા પ્રત્યેક ચિત્રોના ભાવોમાં જીવંત બની જાય છે. આ પિછવાઈઓ મુખ્યત્: શ્રી ઠાકુરજી પ્રત્યે પોતાની ભક્તિ અભિવ્યક્ત કરવાનું મુખ્ય માધ્યમ છે.
પિછવાઈનું આધિદૈવીક ઝાંખી સ્વરૂપ
શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણ જણાવે છે કે પુષ્ટિમાર્ગમાં દ્વાપરયુગમાં પ્રગટ થયેલા શ્રીકૃષ્ણાવતારમાં વ્રજભૂમિમાં પ્રગટ થયેલ શ્રીનંદબાબા, માતા યશોદાજી, વ્રજવાસીઓ, વ્રજવનસ્પતિ, ગાય માંકડા આદી વ્રજજીવો, વૃક્ષો, શ્રી ગિરિરાજજી સહિત સર્વ પરિકર તથા પનઘટ અને કુંડો, આભૂષણ અને વસ્ત્ર સેવા, સિંહાસન, ખંડપાટ, પિછવાઈ, નિજમંદિર, ધ્વજાજી, સામગ્રી, નિત્ય થતો સેવાપ્રકાર, વર્ષાન્દિક ઉત્સવો, શયન પાટ, હિંડોળા, ઝારી, બંટાજી આદી સર્વ લીલા સામગ્રી પદાર્થ અલૌકિક અને સ્વરૂપાત્મક છે. પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી પિછવાઈઓ પ્રતિદિનના દર્શન, પર્વો તેમજ ઋતુઓ અનુસાર બદલાતી હોય છે. શ્રીનાથદ્વારાની પિછવાઈમાં શ્રીનાથજી બાવા સ્વયં, શ્રી કૃષ્ણ, શ્રીકૃષ્ણ લીલા, શ્રીકૃષ્ણ અને માતા યશોદા તથા બાલ સખાઓ, ગોચારણ લીલા, છાક લીલા, અસુર સંહાર, ગોપ અને ગોપીઓ સાથેની વિભિન્ન ખેલ ક્રીડાઓ, શ્રી ગિરિરાજજી અને ગિરિરાજ્જીની લીલાઓ, માખણ ચૂરૈયા બાલ કનૈયા, રાસલીલા, પનઘટ લીલા, નૌકા વિહાર, હોળીત્સવ, શ્રીકૃષ્ણ અને ષષ્ઠ ઋતુઓ, શ્રીજીબાવા અને અષ્ટયામનાં દર્શન, શાકઘર, પાનઘર, કૃષ્ણ ભંડાર, ફૂલઘર, દૂધઘર, નગારખાના (જયાંથી રોજ શરણાઈ અને નગારા વાગે છે તે જગ્યા) શ્રી કૃષ્ણ અને રાગ રાગિણીઓ, શ્રી કૃષ્ણ અને દ્વારિકાલીલા, શ્રી કૃષ્ણનો ગોવર્ધન યાગ(અન્નકૂટ મહોત્સવ) વગેરેને મહત્વ અપાય છે.
હવેલીઓમાં, ઘરોમાં શ્રી કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે. દા.ત નવવિલાસ અને શરદપૂર્ણિમા દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાં આવે છે. રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય છે. શ્રીમદ્ ભાગવત માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવતનાં હ્લદય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે, કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતિક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે જે લોકો આ વાત સમજી નથી શકતા તેમના માટે પિછવાઇ એ શ્રી કૃષ્ણલીલાનું અંગ છે. તે જ રીતે દાન લીલાના દિવસો દરમ્યાન દાણની પિછવાઈ લગાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી દાણ માંગી રહ્યા છે એટલે કે શ્રી ઠાકોરજી ગોપીઓ પાસેથી પ્રેમ અને ભાવ માંગી રહ્યા છે દાણ દ્વારા શ્રી ઠાકોરજી કહે છે કે જો સખી હું સામે ચાલીને તારી પાસે આવ્યો છું, તો મારી ઉપર તારો સમસ્ત પ્રેમ ભાવ ન્યોછાવર કરી દે. જીવની ભગવદરૂપમાં પ્રિતી થાય તે હેતુથી શ્રી ઠાકુરજી સામે ચાલીને પોતાના દાણનાં રૂપમાં દહીંના દાન માંગે છે અને દહીંના દાણ માંગ્યા છે તેના બે મુખ્ય કારણ છે પહેલું કારણ એ છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે અને બીજું કારણ એ છે કે વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દહીં સાથે સરખાવવામાં આવી છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રીઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. માખણ ચોરીની લીલાની પિછવાઇમાં બતાવે છે કે શ્રી ઠાકુરજી માખણની સાથે સાથે ગોપીઓના સરળ મન અને ચિત્તની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજભક્તો ઉપર કૃપા કરે છે. નંદોત્સવની પિછવાઇ દર્શાવે છે કે ભાવ અને ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે અને આ બન્ને માંગવાથી નથી મળતો પણ તેને તો પ્રેમભાવે લુંટવો પડે છેં આ સમયમાં વૈષ્ણવોનાં તન મન પોતાનાં બાલપ્રભુનાં જન્મોત્સવમાં આનંદિત થઈ લાલ, કેસરી ,પીળા, ગુલાબી વગેરે રંગોથી નિખરી જાય છે, વસંતોત્સવ દરમ્યાન હોરી ખેલની પિછવાઈ લગાવવામાં આવે છે. કામદેવનાં પણ કામદેવ એવા શ્રીઠાકુરજીએ આ ઉત્સવના અધિદેવતા છે, સફેદ પિછવાઈમાં કેસરનાં છાંટણા કરીને અબીલ ગુલાલથી છાપ પાડવામાં આવે છે અને દર્શાવે છે કે શ્રીઠાકુરજીનાં આવવાથી વૈષ્ણવોનું જીવન કેટ્લું રંગબેરંગી અને કલાત્મક થઇ જાય છે. હોળીના દિવસોમાં કુંજ-નિકુંજની પિછવાઈ લગાવવામાં આવે છે કારણ કે આ દિવસોમાં શ્રી ઠાકુરજી કુંજ-નિકુંજમાં હોળી ખેલ અને ધૂળેટીના રંગોથી સખાઓ અને સખીઓ સાથે રમે છે. કુંજોમાં છુપાવું અને અચાનક પ્રગટ થઈ સખા સખીઓની છેડછાડ કરવી એ પણ ખેલનો એક ભાગ બની જાય છે. કુંજ નિકુંજોની પિછવાઈમાં આ વાત સાંકેતિક રૂપથી બતાવવામાં આવે છે, કુંજ નિકુંજનો બીજો ભાવ એ છે કે આપણા ઘર રૂપી વ્રજની નિકુંજમાં શ્રીઠાકુરજી શ્રીવલ્લભની કાનીથી બિરાજે છે. દિવાળી અને ગોવર્ધન પૂજાના સમયે અન્નકૂટની પિછવાઈ લગાવવામાં આવે છે આ પિછવાઈમાં પ્રભુ બતાવે છે કે તું મને તારી ક્ષમતા મુજબ જે પણ રસ આપશે તેનો હું સહર્ષ સ્વીકાર કરીશ બસ મને તારી અંદર રહેલા તમામ ભાવો રૂપી રસો અર્પણ કરી દે. આજ રીતે પ્રબોધિનીમાં વિવાહ ખેલની પિછવાઈ ઉપયોગમાં લેવાય છે. જે જીવનું પોતાના પરમાત્મા સાથેનાં માધુર્ય ભાવનું પ્રતિક છે. આ ઉપરાંત પિછવાઇમાં આપણે હમેંશા ઘણા બધા પ્રતિકો રૂપી વિવિધ ડિઝાઇન જોઇએ છીએ જેવી કે ધ્વજ, મોર, પોપટ, ગાય, મૃગ, સુર્ય, ચંદ્ર, હંસ, સારસ, કાચબો, પાણી, માછલી, કમળ, ગુલાબ, પનિહારી, ભથવારીઓ, માખણ, મટુકી, ગોપી, ગોપ, શ્રી ગિરિરાજજી, ઝુલો અને હિંડોળો, અશોકવૃક્ષ, કદંબ-છોંકરનું વૃક્ષ, ચંપાનું વૃક્ષ, કદલી-કેળના વૃક્ષો આદી વિવિધ વૃક્ષો, ઘટાઓ અને કુંજ નિકુંજ, લતા પતાઓ, ખિલૌના વિધ-વિધ પ્રકારનાં ખિલૌના આદી જોવા મળે છે. આ સર્વે પ્રતિકોનાં પણ સાંકેતિક અર્થ પણ જોવા મળે છે.
આ પિછવાઈની આસપાસ જોશો તો ખ્યાલ આવશે કે તેમાં કૃષ્ણલીલામાં સાક્ષીભાવે વ્રજનાં પશુ-પક્ષીઓ અને ફૂલો, લત્તા પતાઑ છે. જેનાં વિષે મારા લેખમાં જણાવેલ છે કે ક્યાં જીવનો ક્યો ભાવ છે.
* ખિલૌના – પિછવાઈમાં ઉપસાવેલા ખિલૌના અને આપણે શ્રી ઠાકુરજીની સામે ખિલૌના (રમકડાં) મુકીયે છીએ તેનો અર્થ એ છે કે ખિલૌના જીવસ્વરૂપની ભાવના છે અને તે દ્વારા આપણે પ્રભુને કહીયે છીએ કે આપને ભક્તિ, મુક્તિ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, વિદ્યા, વૈરાગ્ય, વગેરે ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે તેથી આપ આમાંથી કોઇપણ ખિલોનાથી રમો અને જે ખિલૌનાથી ન રમવું હોય તે એમ જ પડયાં રહેવા દો આમ સખ્યભાવનાથી આપણે પણ આપણી જાતને એટલે કે જીવ રૂપી ખિલોનાનું રૂપ લઇ શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઇએ છીએ અને પ્રભુને કહિએ છીએ કે અમારામાં રહેલી સાત્વિક, રાજસી, તામસી, અને નિર્ગુણ વૃતિના ખિલૌના વડે પ્રભુ આપ રમો અને જે રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઇ જાય છે તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકુરજી સાથે થઇ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે.
* ઝુલો અને હિંડોળો – હિંડોળા, ઝૂલા એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર પરંતુ હિંડોળા અને ઝૂલા દ્વારા પ્રત્યેક વૈષ્ણવ પોતાના હ્લદયમાં માતૃત્વનો સંચાર કરી પ્રત્યેક ઘરનાં એકેએક યશોદા અને નંદને પોતાના લાડકવાયાને હૈયાની દોરીએ હિંચોળવાનો સંદેશો આપે છે અને પોતાના લાલનનું સામીપ્ય લેવાનો સુંદર અવસર આપે છે.
* ધ્વજ – શ્રી ઠાકુરજીનાં વિજયનું પ્રતિક હોવાથી વૈષ્ણવોને તેમનાં ( ઠાકુર ) સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, અને ધ્વજ દ્વારા પ્રભુ પોતાના ભક્તોને નિર્ભય કરે છે. પરંતુ આપણા પુષ્ટિપ્રેમ ભક્તિમાર્ગના અધિપતિ વ્રજની સખીઓ અને ગોપીજનો છે તેથી ગોપીઓને પુષ્ટિમાર્ગમાં ગોપી પ્રેમ કી ધ્વજા કહી સંબોધવામાં આવી છે.
* તુલસી – વૃંદાનો છોડ- તીર્થસ્વરૂપની ભાવનારૂપ છે .
* તુલસીપત્ર – ભાવપૂર્વક પ્રભુને અર્પણ કરેલી સામગ્રીનું મહત્વ પ્રભુને મન અતિવિશેષ હોય છે ભાવપૂર્વક આપેલી નાની અમથી વસ્તુની કિંમત બહુ મૂલ્ય સંપત્તિ કરતાં પણ ભગવાનને મન વિશેષ છે, તુલસી પત્રનો બીજો અર્થ એ છે કે તુલસીપત્ર એ શ્રીરાધાજીના શ્રી અંગની સુગંધ છે.
* અશોક વૃક્ષ – અશોક વૃક્ષનું ઊંચું મસ્તક એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના મસ્તકનું પ્રતિક છે મસ્તક ત્યારે જ ઊંચું હોય જ્યારે તેના રાજાને વિજયશ્રી મળે છે, અને શ્રીઠાકુરજી આપણાં રાજા છે. .
* કદંબ-છોંકરનું વૃક્ષ – આ વૃક્ષ વ્રજનું ધન કહેવાય છે અને જ્ઞાનનું પ્રતિક છે તે દર્શાવે છે કે જે ગ્રંથોમાં શ્રી વલ્લભના હસ્તાક્ષ્રર રહેલા છે સદાય તેનું શ્રવણ, મનન અને ચિંતન કરો.
* ચંપાનું વૃક્ષ – વ્રજમાં ચમ્પાનાં ફૂલને શ્રી રાધાજીનાં પિત્ત વર્ણ સાથે સરખાવવામાં આવે છે અને ચંપાના ફૂલોની મહેંક તે રાધાજીના શ્રી અંગની સુગંધ છે તેમ માનવામાં આવે છે જ્યારે લાલ વર્ણના ચંપાના પુષ્પો તે પ્રભુ ભક્તોની યાદ અપાવે છે.
* કેળ કદલીનાં વૃક્ષો – પાવન અને પવિત્ર ગણાય છે.
* પુષ્પો – જેમ ભગવાનના ચરણે ધરાતા પુષ્પો સુગંધી અને સુવાસિત હોય છે તેજ રીતે પુષ્પો ધરાવનારનું જીવન પણ તેના કર્મોથી સુવાસ ફેલાવતું હોવું જોઈએ.
* પાણી – પિછવાઈમાં દેખાતું પાણીનો અર્થ છે- શ્રી યમુનાજી
* ઝરણા – જે ભકતજનોના હૃદયમાંથી પ્રભુને માટે વહેતા મનોરથો છે.
* વાંસળી – વાંસળી એ પ્રભુની વાણી છે જે સૂર અને નાદનાં સ્વરૂપમાં નીકળે છે. પ્રભુ નાદસ્વર પોતાની ફૂંક વાટે કાઢે છે અને તે નાદસ્વર પવન સ્વરૂપે ભક્તજનોનાં હૃદયમાં બેસીને સ્થિર અને અચલ થઈ જાય છે.
* છાકલીલા – બાલ સખા સાથે છાક આરોગી રહેલા કૃષ્ણ સખ્ય ભાવ દર્શાવે છે.
( ક્રમશઃ )
પૂર્વી મોદી મલકાણના જયશ્રીકૃષ્ણ (USA)
***
Copyright – Purvi malakan
16 Responses to Pichhavaai… ( Part 1 )
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments