ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥
*
આચાર્યશ્રી વ્રજેશકુમારજીનાં લાલન, ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીનાં અનુપમ આશીર્વાદ .
પરમ ભગવદીય ચેતનાબેન,
તમને, તમારા પૂરા પરિવારને તથા તમારી વેબસાઈટ પર વિઝીટ કરતા બધાજ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ…! વૈષ્ણવ કોને કહેવાય કે, જે સદા બધાને પ્રભુ – સ્મરણ કરાવતા રહે..! અને એ અનુભૂતિ તમારામાં, તમારા કાર્યો દ્વારા થઇ રહી છે. આ કલિ-કાલમાં ભગવદ નામ લેવું અને લેવડાવવું, બન્ને દુર્લભ છે, જેને તમે તમારી વેબસાઈટ દ્વારા સુલભ કર્યું છે. પુષ્ટિમાર્ગના વિવધ વિષયો ઉપર તમારા દ્વારા અપાતી માહિતીઓનો, ઘણા વૈષ્ણવોએ લાભ લીધો છે. તમારી અંદર રહેલી, કંઈક ઉત્તમ – કંઈક નવું આપવાની વૃતિથી જ આપની વેબસાઈટે ખુબ લોકચાહના મેળવી છે. પ્રભુને એ જ વિનંતી કરીએ છીએ કે આપને ખુબ જ સામર્થ્ય આપી, આવી જ નામ સેવા આગળ પણ કરાવતા રહે.. એવા આશીર્વાદ.
With blessings – Yadunathji.
આજના ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે, મારા તથા સમગ્ર વૈષ્ણવો વતી આપને પંચાંગ – દંડવત પ્રણામ જેજે ..!! આજે શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા “સમન્વય” તથા સમન્વયના દરેક મહેમાનો પર વરસી છે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે ..? આપશ્રીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવીએ છીએ…
નવેમ્બર – ૨૦૦૫માં જ્યારે ચંપારણ્યની પાવન ભૂમિમાં આપશ્રી ની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવત સાંભળવાનો લાભ મળ્યો, ત્યારે કોઈ અલૌકિક અનુભૂતિ થઇ … મારું ચંપારણ્ય આવવાનું પણ અચાનક જ નક્કી થયું… તે દિવસે સવારે જ આપશ્રીએ વૈષ્ણવોને કહેલું કે શ્રીઠાકોરજીની અને શ્રી વલ્લભની કૃપા હોય, એ જ અહીંની પાવન ભૂમિ પર ભાગવત સપ્તાહ સાંભળવા ભાગ્યવાન હોય, નહિ તો અહીં આવેલા લોકોને પણ સંજોગોવશાત અહીં થી દુર જવું પડે છે … ! શ્રીજી બોલાવે તો જ આવી શકાય… અને ખરેજ એવું થયેલું …
આપશ્રીની અમૃત વાણીમાં એ શક્તિ છે, કે યશોદાજીની મમતા, ગોપીઓનો વિરહ તાપ જે રીતે ગોપી ગીતમાં વર્ણવી, શ્રોતાઓના હૈયાને હચમચાવી દે છે કે અશ્રુધારા વહે છે .. તો શ્રીઠાકોરજી નાં અનુપમ સૌંદર્યનું વર્ણન, ભક્તિમાં ભાવ વિભોર બનાવી અંતરાત્માને પુલકિત બનાવી દે છે .. !
બાદમાં ત્યાં આપશ્રી સાથે ચંપારણ્યની પદયાત્રા-પરિક્રમા કરવાનો લાભ મળ્યો .. એ પાવન ભૂમિના સ્પર્શ, આપશ્રીના સત્સંગ અને એ પવિત્ર વાતાવરણનાં અલૌકિક વાઈબ્રેશન ને લીધે જ મારા વિચારો ( જે ત્યાં આવ્યા પહેલાના આઠ વર્ષ થી મનમાં થતું હતું કે, કઇક એવું કરું કે જેથી ગુજરાતી અને સંસ્કૃત ન જાણતા લોકો પુષ્ટિમાર્ગના નિત્ય નિયમના પાઠ અંગ્રેજીમાં શીખી શકે.. પણ દિશા સુઝતી નહોતી ) ને એક નવી દિશા મળી અને એ “શ્રીજી બ્લોગ” માં પરિણમી… !
સ્કંધપુરાણમાં લખ્યું છે કે ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર .. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.. અને ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે. આપશ્રી પણ અમારા પથદર્શક બની રહો અને ભક્તિનો સાચો માર્ગ બતાવો… આપશ્રીના દિવ્ય તેજની અનુભૂતિ તો અમને થઇ જ છે અને આગળ પણ થતી રહે …બસ આમ જ શ્રીઠાકોરજી – શ્રીયમુનામાં, શ્રીવલ્લભ તથા આપશ્રીની કૃપા સદાય વરસતી રહે એવી પ્રાર્થના…!
***
આપ સહુને જયશ્રીકૃષ્ણ