મિકી માઉસનું ડિઝનીવર્લ્ડ બની શકે તો શ્રીકૃષ્ણનું સંસ્કાર વર્લ્ડ કેમ ન બની શકે ? જાણે-અજાણે નાનાં બાળકો વિદેશી સંસ્કૃતિમાં ઊછરી રહ્યાં છે ત્યારે ટેક્નૉલૉજીના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને શ્રીકૃષ્ણ-સંસ્કૃતિ તરફ તેઓ પાછાં વળે એ માટે વૈષ્ણવ સમાજના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રીવ્રજરાજકુમારજીએ બીડું ઝડપ્યું છે : સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં ગોંડલ–વીરપુર રોડ પર આવેલા ચોરડી ગામે પંચાવન વીઘા જમીનમાં વલ્લભ યુથ ઑર્ગેનાઇઝેશન દ્વારા અંદાજે ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આકાર પામશે.
તમે બાંસુરીની રોલર કોસ્ટર જોઈ છે ?
તમે ગોવર્ધન પર્વત પર બેઠા હો, અને ભગવાન શ્રીકૃષ્ણ પર્વત ઉપર ઉઠાવે અને જગતનાં દર્શન કરાવે તો ?
તમને નાગદમનની રાઇડમાં બેસવા મળે તો ?
ટ્રેનમાં બેસીને મિની વ્રજમાં ફરવા મળે તો ?
આવું વાંચીને રોમાંચ થઈ ગયોને ? તો જરા વિચારો, જ્યારે આવી રાઇડમાં બેસી રોમાંચ માણતાં માણતાં ટેક્નૉલૉજીના માધ્યમથી, શ્રીકૃષ્ણ ભગવાનની સંસ્કૃતિને જાણવાનો લહાવો મળે, ત્યારે તમને કેવી આધ્યાત્મિક અનુભૂતિ થશે ?
આપણે ત્યાં જાણે અજાણે, નાનાં બાળકો મિકી માઉસની સંસ્કૃતિમાં ઊછરી રહ્યાં છે. ત્યારે ટેક્નૉલૉજીના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય. અને તેઓ શ્રીકૃષ્ણ સંસ્કૃતિ તરફ પાછા વળે. એ માટે વૈષ્ણવ સમાજના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી એ બીડું ઝડપ્યું છે.
શ્રીવ્રજરાજકુમારજીએ મીડિયાને કહ્યું, ‘વૈષ્ણવ સંપ્રદાયનું ઇન્ટરનૅશનલ હેડક્વૉર્ટર બનાવવું હતું. જેમાં બાળકો રહે, શિબિરો થાય. પણ આ બનાવવું ક્યાં એ સ્પષ્ટ થતું નહોતું. આ દરમ્યાન મારે સૌરાષ્ટ્ર આવવાનું થયું. ત્યાંની ભૂમિનું આકર્ષણ થયું. આખા વિશ્વમાં વૈષ્ણવો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્ર એક હબ છે, નક્ષત્રભૂમિ છે. શ્રીકૃષ્ણ ભગવાને અહીં સમય વ્યતીત કર્યો છે. મેં ચિંતન કર્યું કે આજનાં બાળકોનો ઉછેર ઉંદરડા, બિલાડી, બૅટમૅનમાં થઈ રહ્યો છે. એનાથી શું શીખવાનાં ? શું સંસ્કાર પડવાના ? આ બધાં પાત્રો બાળકોમાં પ્રિય થઈ ગયાં છે. તેઓ મિકી માઉસને ઓળખે છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનને નથી ઓળખતા. ખરેખર આ બધાં પાત્રો સુપરહીરો કે સાચાં પાત્રો નથી, આ કાલ્પનિક પાત્રો છે. પરંતુ શ્રીકૃષ્ણ ભગવાન રિયલ હીરો છે, સુપર ગૉડ છે અને આ સત્ય છે. ભગવાન શ્રીકૃષ્ણનો પરિચય થાય એ માટે વિચાર આવ્યો કે ઉંદરડાનું – મિકીડાનું ડિઝનીવર્લ્ડ બની શકે તો શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ કેમ ન બની શકે? બસ, પછી શ્રીકૃષ્ણ-કલ્ચર વિશ્વમાં એસ્ટૅબ્લિશ થાય એ માટે કામ કરવાનું શરૂ કર્યું. બાળકનું હૃદય અને જીવન શ્રીકૃષ્ણમય બનવું જોઈએ અને કાટૂર્ન માધ્યમથી બાળકો શ્રીકૃષ્ણમય બને, બાળકોને ઠોસ જ્ઞાન મળે એવો ઉદ્દેશ છે. એ ઉપરાંત આ સંકુલના માધ્યમથી ભગવાન માટે પ્રેમ જાગૃત કરવામાં આવશે અને જેટલો પ્રેમ વધશે એટલાં બાળકોમાં વિવેક, પ્રેમ, ધૈર્ય આવશે. બાળકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે પૉઝિટિવિટીનો જન્મ થાય છે. ટેક્નૉલૉજીના માધ્યમથી બાળકોને ભક્તિમાં જોડવાં છે અને શ્રીકૃષ્ણ-સંસ્કૃતિ તરફ વાળવાનો ઉદ્દેશ છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં ગોંડલ–વીરપુર રોડ પર આવેલા ચોરડી ગામે પંચાવન વીઘા જમીનમાં વલ્લભ યુથ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અંદાજે ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આકાર પામશે.
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના મહામંત્રી દક્ષેશ શાહ મીડિયા ને કહે છે, ‘શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ દ્વારા બાળકોમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા-આસ્થા વધશે અને બાળકો ભુલાઈ ગયેલી સંસ્કૃતિમાં પાછાં વળશે. સમયની માગ સાથે આવડું મોટું સર્જન થતું હોય ત્યારે યુવાનો અને બાળકો સહિત સમગ્ર સમાજ એને વધાવી લેશે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સંસ્કૃતિને બાળકોની પ્રવૃત્તિને ટેકો આપશે.
શું હશે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં ?
શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીનાથજી, શ્રીમહાપ્રભુજીના જીવનચરિત્ર પર રોબોટિક શો થશે. આ ઉપરાંત ગોવર્ધનલીલા રાઇડ હશે જેમાં કૃષ્ણ ભગવાન આખો પર્વત ઊંચકશે. નાગદમન રાઇડ, કૃષ્ણલીલા રાઇડ, ચક્ર, શંખ, મોરપીંછ રાઇડ બનશે તેમ જ બાંસુરીનું રોલરકોસ્ટર બનાવવામાં આવશે. ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રાઇડના માધ્યમથી કૃષ્ણ-ફીલિંગ આવે એવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. મિની વ્રજ બનશે, જેમાં ટ્રેનમાં બેસીને તમને વ્રજ જોવા મળશે. આ સ્થળે પુષ્ટિમાર્ગની સાત સ્વરૂપ હવેલી એક જ જગ્યાએ હોય એવો આ પહેલો પ્રસંગ બનશે. આ ઉપરાંત ગુરુકુળ, પાઠશાળા, અતિથિભુવન બનશે. વલ્લભ યુથ ઑર્ગેનાઇઝેશન દ્વારા કૃષ્ણ વર્લ્ડનું નિર્માણ થશે અને આગામી મે મહિનામાં પહેલા ફેઝ માટે ખાતમુહૂર્ત થશે.
કૃષ્ણ વર્લ્ડ રન ગેમ લૉન્ચ થઈ
હમણાં કૃષ્ણ વર્લ્ડ રન ગેમ લૉન્ચ કરી છે જેમાં ગોવાળ ભાગે, કાઉને સેવ કરે, માખણ ખાય તો બૂસ્ટર આવે, બાંસુરીથી મૅગ્નેટ આવે, મોરપીંછથી ઇન્વિઝિબલ થઈ જાય અને શ્રીકૃષ્ણને ટચ કરે તો તેને કોઈ મારી ન શકે. બાળકોમાં શ્રીકૃષ્ણની ભાવના જાગૃત થાય એ માટે આ ગેમ બનાવી અને બીજી બનાવવામાં આવશે.
તો તૈયાર થઈ જાવ …!!.
🌿|| વૈષ્ણવના જય શ્રી ક્રુષ્ણ ||🌿