મિત્રો, સમન્વય વિષે તો આપ સહુ જાણો જ છો કે, સાહિત્ય અને બ્લોગ જગતમાં મારું પદાર્પણ ૨૩ ઑક્ટોબર ૨૦૦૬ના રોજ થયું,ત્યારે શ્રીજી અને સૂર સરગમ નામના બ્લોગ્સથી શરુઆત કરી.ત્યાર બાદ ૧૦ નવેમ્બર ૨૦૦૭ના રોજ અનોખુંબંધન નામનો બ્લોગ પણ લખવાનો શરુ કર્યો.. અને બસ .. વાંચક મિત્રો, શ્રોતા મિત્રો અને વૈષ્ણવ મિત્રોના સુંદર પ્રતિસાદ, પ્રોત્સાહન અને પ્રેરણા દ્વારા ૩ વરસ સુધી સફળતા પૂર્વક બ્લોગિંગ કર્યું, અને ૨૯ફેબૃઆરી ૨૦૦૯ મારા પૂજ્ય મમ્મીનાં જન્મદિને સમન્વય એક સ્વતંત્ર વેબસાઈટ તરીકે આપની સમક્ષ રજુ કરાઈ.. ત્યારથી સમન્વયની સફર અવિરત ચાલુ છે..! આ દરમ્યાન ઘણી તકનીકી અડચણો આવી, પરંતુ ઇશ્વરકૃપાએ ધીમે ધીમે અડચણો દૂર થતી જાય છે..હજુ સંપૂર્ણ પણે દૂર નથી થઈ, તેથી પોસ્ટ મુક્વામાં વિલંબ થતો રહે છે.. ! કહે છે ને કે, સારા કામમાં સો વિઘ્નો આવે અંતે સારું જ થાય ..!
તો મિત્રો આજે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છું, મારી લખેલી પહેલી ગઝલ..! આ ગઝલ લખવા છંદ-જ્ઞાન આપવા બદલ મિત્ર શ્રીદિલીપ ભાઈ ગજ્જરની ખૂબ જ આભારી છું. એમના પ્રોત્સાહનથી જ આ ગઝલ લખાઈ છે.
આમ તો મને પદ્ય કરતાં ગદ્ય સરળ લાગે, બાકી તો પ્રાસ મેળવીને ‘મુકતક’ સુધી જ પહોંચી હતી..! છંદ અલંકાર તો દૂર હતાં ઃ) ..મિત્ર શ્રી દક્ષેશ ભાઈ ‘ચાતક’ને પણ કેમ ભૂલાય? એમણે પણ મુકતક વાંચી ખૂબ જ પ્રોત્સાહન આપેલું કે ગઝલની નજીક જ પહોંચી ગયાં છો, થોડી મહેનત કરો..! ઃ)
પરંતુ આ લ-ગા-લ..(લઘુ-ગુરુ) સ્વર, વ્યંજન, છંદ સાથે જ સંગીતના સા-રે-ગ-મ,અલંકાર અને આ કોમ્પ્યુટરની ભાષા HTML વિગેરે..! એવું લાગે જાણેકે બોર્ડની પરીક્ષા આપવા બેઠા અને પેપર કોરું મુકવું પડશે.! પરંતુ, મિત્રો જ બધા ગુરુજી જેવા મળ્યા છે. ધર્મ, સંગીત, સાહિત્ય કે કોમ્પ્યુટર દરેક્માં મને શિષ્યા તરીકે ગુરુજી સમાન મિત્રો પાસેથી જ્ઞાન મળતું રહે છે.. !! ઃ) તો ચલો અત્રે આ ગઝલ પ્રસ્તુત છે.!! આશા છે આપને ગમશે.
પળેપળની મેં તારી યાદ, ધડકનમાં ભરેલી છે,
શ્વસ્યો છે જ્યારથી, તારી કવિતા મેં રચેલી છે ..!
હૃદય હરદમ તને પૂજે, સજન મારા, સખા મારા
ઝબોળી મેં પ્રણયમાં, લાગણી ભીની ધરેલી છે
જીવન સંગીત તું મારૂ, સૂરીલું ગીત તું પ્યારું
સજાવી પ્રીત સૂરે, વેણૂનાં નાદે સરેલી છે
તરંગો ઉદ્ભવે ઉરમાં, ઋણાનુબંધે બાંધેલી
જનમજન્મોની ચાહત, ભાવ ના સાગર તરેલી છે
પ્રથા મિલન-જુદાઈની, રચેલી ઈશની કિન્તુ ,
ભવોભવથી બની તારી, સજન ‘ચેતુ’ વરેલી છે ..!!
પળેપળની મેં યાદ તારી, ધડકનમાં ભરેલી છે,
શ્વસ્યો છે જ્યારથી, તારી કવિતા મેં રચેલી છે ..!
***