સુપ્રભાત..મિત્રો..આજે આ લેખ મને સ્પર્શી ગયો..!
સમન્વય પર મૂકવાની સંમતિ આપવા બદલ શ્રી સુરેશભાઈ ગણાત્રાનો ખૂબ આભાર ..!!
***
જીવન જેવું પરમાત્માએ આપ્યું છે તેવું જ સ્વીકારી લેજો….
હું હૃદયરોગનો ડોક્ટર છું. હું અને મારાં પત્ની એક કારની હડફેટે આવી ગયાં. મારી બે પાંસળીઓ ભાંગી. અમે બંને હોસ્પિટલમાંથી સારવાર લઈ પાછાં ફર્યા ત્યાં મને એક ફોન આવ્યો. અપંગશાળામાં વસતો એક બાળક હૃદયની બીમારીથી પીડાતો હતો.
હું અપંગશાળાના પ્રાંગણમાં પ્રવેશું તે પહેલાં કેટલાંક બાળકો રમત રમતાં હતાં તે તરફ મારું ધ્યાન ખેંચાયું.
હું થંભી ગયો. પગે, હાથે અપંગ એવાં બાળકો દોડવાની હરીફાઈ કરી રહ્યાં હતાં. ઘડીભર પેલા બીમાર બાળકને વીસરી હું રમત જોવામાં મશગૂલ બની ગયો.
સંપૂર્ણપણે પગ ગુમાવી બેઠેલો એક બાળક એક ટુકડીનો નેતા હતો, જેની પાસે બંને પગ ગુમાવેલા કે રાંટા પગવાળા પાંચ બાળકો હતાં તો બીજી બાજુ પણ બંને પગ ગુમાવેલા છોકરાના નેજા નીચે એવાં જ પાંચ બાળકો હતાં. બંને ટુકડીઓનાં બાળકોએ સામી દીવાલને અડી જવાનું હતું.
અપંગોની આ દોડવાની રેસ હતી. આ રમત નિહાળવા બીજા કેટલાયે અપંગ બાળકો આજુબાજુ ઊભાં હતાં. એમના મોંમાંથી નીકળતી હર્ષની કિલકારીઓ, રમતવીરોને પાનો ચડાવવાની થતી બુમરાણ, ખિલખિલાટ હાસ્ય, આનંદ અને ઉત્સાહની વચ્ચે આ હરીફાઈ શરૂ થઈ અને પૂરી થઈ.
દોડતી વખતે કોઈ પડ્યું હતું, એકબીજા જોડે અથડાયું હતું, ફરી ઊભા થઈ ઉત્સાહથી દોડતું હતું. કોઈના શરીરે ઉઝરડા થયેલા. પરંતુ કોઈને એ અંગે ફરિયાદ નહોતી. ઉત્સાહ અને આનંદથી સૌ ફરી એ બીજી રમતમાં જોડાવા તૈયાર થઈ જતાં હતાં.
બાળકોને પંગુતા હતી, એની જાણકારી પણ હતી; છતાંયે એ બધાં જીવન જીવતા હતા. જેવું મળ્યું હતું એવું જીવન એ માણી રહ્યા હતા. જીવન જીવવામાં એમનો આનંદ અનેરો હતો.
મને થયું, જિંદગી એટલે શું સાજા સમા હોઈએ ત્યારે જ કરાતો આનંદ? એ પ્રાપ્ત ન થાય ત્યારે થતાં દુ:ખ-ગ્લાનિ? ના, આ અપંગ બાળકોનો જીવવાનો આનંદ તો કંઈક અનોખું જ દર્શન કરાવતો હતો. જીવન જેવું મળ્યું છે, એનો ઉત્સવ મનાવી લો.
હોસ્પિટલના બિછાને પડ્યો હતો ત્યારે હું દુ:ખ, ગ્લાનિ અને પીડાને જુદી જ રીતે મૂલવતો હતો ! દુ:ખ અને પીડા આપવા બદલ પરમાત્માને કોસતો હતો. મને થયેલા એ દુ:ખની સામે આ બાળકોનો આનંદ તો જુઓ?
આ બાળકોએ મને ચીંધ્યું કે જીવનમાં તમને શું નથી મળ્યું એ અગત્યની બાબત નથી, પરંતુ તમને પરમાત્મા તરફથી શું મળ્યું છે એ જ અગત્યનું છે.
આ જીવન આપણે પરમાત્મા પાસે માગ્યું ન હતું, તે આપણને પરમાત્મા તરફથી પ્રસાદરૂપે મળેલું છે. જીવન જેવું પરમાત્માએ આપ્યું છે તેવું જ સ્વીકારી લેજો. સ્વીકારભાવમાં જ સુખ છે.
ઉપરની સત્ય ઘટનામાં આપણે જોયું કે અપંગશાળાના તે બાળકોને જેવું જીવન મળ્યું તેવું તેમણે સ્વીકારી લીધું અને પરિણામ સ્વરૂપ તેમનું જીવન ઉત્સવરૂપ બની રહ્યું.
સ્વર્ગના તમામ સુખો આપીને જ પરમાત્માએ આપણને આ અસ્તિત્વમાં મોકલ્યા છે; જો આપણી દ્રષ્ટિ જે આપણી પાસે નથી, તેના તરફ જ મંડાયેલી રહેશે તો આપણું જીવન નર્કથી પણ બદતર બની જાશે. માટે, પરમાત્માને કહેજો –
દુ:ખ ભલે હો મેરુ સરખું, રંજ એનો ન થાવા દેજે;
રજ સરખું દુ:ખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે…
અસ્તુ… … … … … … … … … – સુરેશ ગણાત્રા
(રીડર્સ ડાયજેસ્ટમાં છપાયેલ એક આર્ટિકલ પરથી સાભાર)
***
One Response to જીવન…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments