***
માનનીય મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટના લેખો હમેશ પ્રેરણા દાયક હોય છે … એમના વિશે વધુ લખવા કરતા આ લેખ દ્વારા જ એમના પોઝિટીવ વિચારબિંદુ અને લેખનશૈલીનો પરિચય થઇ જશે … આ લેખ આપણને સહુને લાગુ પડે છે ..!! કારણ કે માનવ સહજ સ્વભાવને અનુરૂપ લખાણ છે ..!!
***
ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ( તંત્રીશ્રી – અભિયાન મેગેઝીન )
સુખ શોધશો તો મળી જશે.
વિચારું છું કદી મારા વિશે તો એમ લાગે છે,
હું મારા જ પોતાનાથીય ક્યાં પૂરો પરિચિત છું -નઝીર
સુખનો સ્વભાવ સરકણો છે. સુખનો થોડોક અહેસાસ થાય ત્યાં કંઇક એવું બને છે કે સુખ સરકી જાય છે. સુખ માણસને ડરાવે છે. સુખ હોય ત્યારે માણસ સતત ડરતો રહે છે કે આ સુખ ચાલ્યું જશે તો? આવો વિચાર આવે કે તરત જ સુખ સરકીને ચાલ્યું જાય છે અને માણસ દુ:ખના ડરમાં ડૂબી જાય છે. વિચારો સૌથી વધુ દુ:ખ આપે છે, કરુણતા પણ એ જ છે કે માણસ સૌથી વધુ વિચારો પણ સુખના નહીં, દુ:ખના કરે છે. માણસને એવું થયા રાખે છે કે સુખ એક રસ્તે આવે છે અને હજાર રસ્તે ભાગી જાય છે. દુ:ખ હજાર રસ્તે આવે છે અને જવા માટે માત્ર એકાદ રસ્તો જ હોય છે. માણસના સુખ અને દુ:ખનો આધાર એના ઉપર છે કે એ કયા રસ્તા ખુલ્લા રાખે છે અને કયા રસ્તા બંધ રાખે છે.
એક વ્યક્તિ એક સાથે એક જ વસ્તુને બાથ ભીડી શકે છે, કાં તો સુખને અને કાં તો દુ:ખને. તમારે સુખને વળગાડવું હશે તો દુ:ખને ઝાટકો મારીને ખંખેરવું પડશે. સુખ માટે જગ્યા તો કરવી પડે ને? ખાલી થયા વગર ભરાઇ શકાતું નથી.
દરરોજ આપણાં જીવનમાં જે કંઇ બને છે એ સુખ કે દુ:ખ નથી હોતું, એ ઘટનાઓ હોય છે. આપણે એ ઘટનાઓને સુખ કે દુ:ખના ચોકઠામાં ફિટ કરીને સુખી અથવા દુ:ખી થઇએ છીએ. ઘટનાઓ અને પ્રસંગોને આપણા ઉપર હાવી થવા દઇએ છીએ અને પછી આ ઘટનાઓ આપણા પર સવાર થઇ જાય છે, અને આપણે તેનો ભાર વેંઢારતાં રહીએ છીએ.
સુખી રહેવા માટે એક વાત હંમેશાં યાદ રાખવાની હોય છે કે, દરેક વખતે આપણે ધારીએ કે આપણે ઇચ્છીએ એવું બનવાનું નથી. બીજી વાત એ યાદ રાખવાની છે કે, બધું જ કંઇ ખરાબ બનવાનું નથી, એટલે કોઇ ઘટનાથી ડગી કે ડરી જવું નહીં.
ગમે એવા દુ:ખી હોઇએ ત્યારે પણ સુખ માટે થોડીક જગ્યા તો હોય જ છે. આપણે સુખની એ જગ્યા આપણા ડરથી ભરી દઇએ છીએ, આવો ડર માત્ર કાલ્પનિક હોય છે. સુખ અને દુ:ખની એક નાનકડી વાર્તા માણવા જેવી અને કાયમી યાદ રાખવા જેવી છે.
એક શિક્ષક ક્લાસમાં કાચની બરણી લઇને આવ્યા. વિદ્યાર્થીઓને પૂછ્યું તો જવાબ મળ્યો કે બરણી ખાલી છે. ટીચરે થોડાક ટેનિસ બોલ બરણીમાં નાખ્યા. બરણી ભરાઇ ગઇ. વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે એકેય બોલ બરણીમાં સમાય તેમ નથી.
ટીચરે નાના નાના પથ્થરો લીધા અને બરણીમાં નાખ્યા. બોલની વચ્ચે જગ્યા હતી ત્યાં પથ્થરો સમાઇ ગયા. બરણી પાછી ભરાઇ ગઇ. શિક્ષકે પછી રેતી લીધી અને બરણીમાં ઠાલવી. પથ્થરો વચ્ચેની જગ્યામાં રેતી સમાઇ ગઇ.
વિદ્યાર્થીઓએ કહ્યું કે, હવે તો આ બરણીમાં કંઇ જ આવી શકે તેમ નથી. ટીચરે પાણીનો ગ્લાસ લીધો અને બરણીમાં પાણી રેડ્યું. પાણીનો આખો ગ્લાસ બરણીમાં સમાઇ ગયો.
ટીચરે કહ્યું કે, જિંદગી આ બરણી જેવી છે. દરેક વખતે આપણને એવું લાગે છે કે, બરણી ભરાઇ ગઇ છે, હવે જરાયે જગ્યા નથી. દુ:ખનું પણ એવું જ છે. દુ:ખ આવે ત્યારે આપણને એવું લાગે છે કે સુખ માટે જરા પણ જગ્યા બચી નથી પણ સુખ માટે જગ્યા હોય જ છે. આપણે મનથી જ એવું માની લઇએ કે બધું ખતમ થઇ ગયું છે, સુખ જેવું કંઇ નથી તો આપણને સુખ માટેની ખાલી જગ્યા દેખાતી જ નથી.
સવાલ સુખ તરફ નજર માંડવાનો હોય છે. માણસ દુ:ખ અને ચિંતામાં હોય ત્યારે એની એ જ વાતો મનમાં ઘૂંટ્યા રાખે છે. બીજી કોઇ વાત એને સૂઝતી જ નથી. ડિસ્ટર્બ હોય ત્યારે કેટલાં લોકો એવું વિચારે છે કે, ચાલો કંઇક ગમે અને મજા આવે એવું કરીએ? જો આવું વિચારો તો કંઇક ગમતું અને મજા આવે એવું મળી જ આવશે. પરંતુ મોટાભાગે માણસ ડિસ્ટર્બ હોય ત્યારે એવું જ વિચારે છે કે, કંઇ મજા આવતી નથી, ક્યાંય ગમતું નથી. સાચી વાત એ હોય છે કે આપણે મનથી જ નક્કી કરી લઇએ છીએ કે ક્યાંય મજા નહીં આવે. આપણે આપણી માનસિક સ્થિતિએ એવી જડ કરી દઇએ છીએ કે પછી તેને કંઇ અસર જ નથી કરતું. ડિસ્ટર્બ હો ત્યારે કંઇક ગમતું કરી જોજો, મજા આવશે. અલબત્ત, મજાને તમારામાં આવવા દેવા મન અને મગજના દરવાજા ખુલ્લા રાખજો. કોઇ દુ:ખ એટલું મોટ઼ું નથી હોતું કે નાના નાના સુખને અવકાશ જ ન હોય.
મોટું કે નાનું, સુખ આપણી આજુબાજુમાં જ હોય છે, બસ તેને શોધી લ્યો, દુ:ખ હશે તો પણ એ આકરું નહીં લાગે. સુખની થોડીક રાહ તો જુઓ, અને એ વાતની ખાતરી રાખો કે સુખ તો આવવાનું જ છે!
***
આ લેખ વાંચતા જ પેલું ગીત યાદ આવી જાય.. તારા દુઃખને ખંખેરી નાખ … !
***
24 Responses to સુખ – દુઃખ
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments