***
સુબોધભાઈ અને સરિતાબહેન મધ્યમવર્ગીય દંપતિ.. એકમેકનાં સાથ સહકારથી જીવન વિતાવતા હતા.. એમની અનમોલ સંપત્તિમાં એક પુત્ર અને એક પુત્રી .. બંને બાળકોનો ખુબ સારી રીતે ઉછેર કરી, સારા સંસ્કારોનું સિંચન કરી ભણાવ્યા .. સમય ને વિતતા ક્યા “સમય” લાગે છે ..? પુત્રી જલ્પા ગ્રેજ્યુએટ થઇ ગઈ એટલે સાસરે વળાવી.. પુત્ર જીગર હજુ કોલેજમાં હતો, ત્યાં સુબોધભાઈ શ્રીજીચરણ પામ્યા … સરિતાબહેન પર તો આભ તૂટી પડ્યું ..સુબોધભાઈ વિનાનું જીવન કલ્પી પણ નહોતા શકતા, પરંતુ ઈશ્વર પાસે લાચાર હતા..આમ જ દિવસો પસાર થયા ને જીગર પણ ગ્રેજ્યુએટ થઇ ગયો અને સારી કંપનીમાં જોબ મળી ગઈ .. માતા – પુત્ર હવે એકમેક નો સહારો હતા… સમય જતા જીગરનાં લગ્નની વાત ચાલી ..અને સુબોધભાઈના જ મિત્ર રમણભાઈ ની પુત્રી વિદ્યા જોડે લગ્ન લેવાયા .. લગ્ન સમયે બધી શુભ વિધિ જીગરની બહેન જલ્પાનાં શુભ હસ્તે સંપન્ન થઇ.. રંગે સંગે જાન માંડવેથી પરત આવી … ઘર આંગણે વરઘોડીયાને સત્કારવા અને પોંખવાની શુભ ઘડી આવી .. અને બહેન જલ્પા કળશ લઇ ને આગળ આવી ત્યાં જ જીગરે તેણીને રોકી .. દીદી.. આ શુભ કાર્ય આપણા મમ્મીનાં હસ્તક થાય એવી મારી ઇચ્છા છે .. ત્યાં તો સમાજ નાં અગ્રણી વડીલો કહેવા લાગ્યા કે, ના.. ! જીગર , … આ કાર્ય તારા મમ્મી દ્વારા નાં થાય.. એક વિધવા આ શુભ કાર્ય કરી શકે નહિ …આ કાર્ય તો સોહાગણ જ કરે ..!!
જીગરથી આ સહન નાં થયું .. અને તેનાથી વડીલો ને કહેવાઈ ગયું કે આજે સવારથી હું આ જ બધું સાંભળી રહ્યો છું .. ચાલો મારી દીદીનાં હસ્તક બધા શુભ કાર્યો કરાવ્યા એ સારું જ છે પરંતુ, જયારે પણ હું કોઈ વડીલને પૂછું તો કહે કે, મમ્મીથી ના કરાય…”
પરંતુ, હું પૂછું છું ..કેમ..? શા માટે ..? કોઈ માં પોતાના બાળકનું અશુભ કદીય વિચારતી હશે..? શું તે આ શુભ કાર્ય કરશે તો, મારી જિંદગીમાં કોઈ અપશુકન થઇ જાવાનું છે ..? અરે, મને તો મારું આ જીવન જ મારી માં નું દીધેલ છે .. જેમણે મને નવ- નવ મહિના પોતાના ગર્ભમાં, દુ:ખ -દર્દ વેઠીને પણ સલામત રાખ્યો, એ મારું શું અશુભ કરી લેવાની છે..? માં તો હમેશ પોતાના બાળકનું હિત જ ઈચ્છે છે.. શુભ ઈચ્છે છે.. માં નાં આશીર્વાદ તો હંમેશ શુભ જ હોય છે …!
જુવો, મને મારી મમ્મી પોંખશે , તો જ હું ઘરની અંદર પગ મુકીશ .. અંતે જીગરની ઈચ્છાને માન આપી સરિતાબહેને જ વરઘોડીયાને પોખ્યા .. અને સમાજનાં અગ્રણી લોકો બે ચાર વાતો કરીને છુટા પડ્યા ..
અત્યારે તો જીગર એક સફળ બીઝનેસમેન તરીકે ઓળખાય છે .. જીગરનાં બંને સંતાનો પણ પ્રખ્યાત યુનિવર્સીટીમાં છે ..વિદ્યા અને સરિતાબહેને સોશિયલ ગૃપ બનાવ્યું છે, ને સમાજ સેવાના કાર્યો કરે છે… જીગર -વિદ્યાના લગ્નને ( પોંખવાની વાતને ) આટલા વરસો વીતી ગયા છે …અને સર્વ મંગલમ હી મંગલમ ..!!
***
……………………………………………………………………………………………………………………………………………………………..
***
મીતાને એક સંબંધીને ત્યાં વહુના સિમંત પ્રસંગે જવાનું થયું… ખૂબ સરસ વાતાવરણમાં બધા ખુશીથી છલકતા હતા .. મીતા અને તેણીની પિત્રાઈ ભાભી પ્રિયા ઘણા સમયે મળ્યા એટલે એક તરફ બેઠા હતા અને એ બન્ને વચ્ચે નણંદ -ભાભી કરતા તો મૈત્રીપૂર્ણ સંબંધો વધારે હતા ..{ પ્રિયાનાં પતિનું લગ્નના અમુક વર્ષો બાદ તરત જ મૃત્યુ થયેલ અને પ્રિયા તો ઉમરમાં પણ નાની હતી, પરંતુ પોતે ફરી લગ્ન કર્યા જ નહિ..! } પ્રિયા અને મીતા વચ્ચે ઘણી વખત કોઈ ને કોઈ વાતોની ચર્ચા ચાલતી જ હોય .. એવામાં મહેમાનો વચ્ચે કોઈ વાત થઇ રહી હતી ..સિમંત પ્રસંગે પહેરવાની સાડી, દીકરી એ પહેલેથી ના જોવાય…પ્રસંગ વખતે જ જોઈ શકે એવી બધી વાતો વહુના કાકી કરી રહ્યા હતા ત્યાં જ વહુના સસરાએ કહ્યું કે અમે તો બતાવી છે હો..! તમારી જેમ એ અમારી પણ દીકરી જ છે અને તેને ગમે એવી જ લેવાની હોય ને ..? તમે લોકોએ કહેલું કે , અમારા તરફથી તમે સાડી લઇ લેજો એટલે અમે તો વહુને લઇ ને જ ખરીદી કરવા ગયા હતા ….!!
ત્યાં તો આ બધા રિવાજોની વાત ચાલી .. મીતા બોલી કે, કેવું છે નહિ..? આ બધા રિવાજો આમ કરાય , તેમ નાં કરાય …પ્રિયા એ તરતજ કહ્યું , હા અમુક વાતો તો સમજાતી જ નથી.. મીતુબેન, અત્યારે જુવો તો મારાથી કોઈ જ શુભ કાર્યો ના થાય ..હું કરું તો અપશુકન થાય … પરંતુ જો હું પુન:લગ્ન કરું તો એ બધા જ કાર્યો કરી શકું …હું શુભ થઇ જાઉ ..!!
મીતા પણ આ વાતને લઈને વિચારતી રહી કે રાજા રામમોહનરાયે સતી-પ્રથા તો નાબુદ કરી.. તેમ છતાં આ વળી કેવું ..?? જનારા તો બિચારા જતા રહે છે પણ તેની વિધવા તરીકે એક સ્ત્રી અશુભ .. અને એ જ સ્ત્રી બીજાની પત્ની બને તો શુભ..? સ્ત્રી તો એ જ છે… તેની અંદર રહેલો આત્મા તો એ જ છે .. તો આવા નિ:ર્દોષ આત્માનો શું દોષ ..? પરંતુ આનો જવાબ ક્યાંથી મળે..?..રિવાજ-કુરિવાજ…શુભ-અશુભનાં ચક્કરમાં સ્ત્રી બિચારી યુગોથી સપડાયેલી છે…!!!
*
14 Responses to શુભ – અશુભ ?
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments