( જલારામ જ્યોત, એપ્રિલ 2012 – કથાબિજ : શ્રી નાનાભાઈ જેબલીયાની કૃતિ – ઉસ્માન ભગત રામાયણી )
***
( આ પોસ્ટ સમન્વય પર મુક્વાની પરવાનગી આપવા બદલ માનનીય શ્રીસુરેશભાઈ ગણાત્રાનો ખૂબ ખૂબ આભાર.)
***
રામલલ્લા જન્મદિનની હાર્દિક શુભ કામનાઓ ….
રામ ના બિસાર બંદે, રામ ના બિસાર …
થોડા વર્ષો પહેલા વઢવાણ ગામમાં ઘટેલી આ એક સત્ય ઘટના છે…
ઉસ્માન બારૈયા …. જન્મે મુસલમાન અને ધર્મ એટલે પ્રેમ અને સત્યની ઊપાસના એવું માનનાર, મસ્જિદ અને દરગાહમાં પડ્યો પાથર્યો રહેનાર જીવ ….
ઉસ્માન ભગત જ્યારે મોટા પીરની દરગાહમાં બેસીને રામાયણની ચોપાઈઓ ગાતા હોય, રામાયણ-કુરાનનાં છુપાં રહસ્યો પ્રગટ કરતા હોય ત્યારે સાથે બેસીને કથા સાંભળતા હિન્દુ મુસ્લિમ શ્રોતાઓની આંખોમાંથી આંસુ વહેતા હોય…!
ફકત અડતાલીશ વરસની ઉમરે જ્યારે ઉપરવાળાને તેની જરુર લાગી ત્યારે આ ફાની દુનિયા છોડીને એ બંદો ખુદાની ખિદમતમાં પહોંચી ગયો.
ઉસ્માન ભગતતો અલ્લાહ કે ઈશ્વરના દરબારમાં જતાં રહ્યાં પરંતુ એણે વાવેલાં માનવતાનાં બીજ વટવૃક્ષ બનીને વઢવાણ પંથકને આજ પર્યંત કોમી એકતાની શીળી છાયા આપતા રહ્ય છે….
દિવંગત ઉસ્માન બારૈયાની યાદમાં રામપારાયણનું આયોજન કરવા વઢવાણના ચાર હીંદુ યુવાનો – સુરેશભાઈ, પ્રતાપસંગ, રાજુભાઈ અને દેવાતભાઈએ કમર કસી.
મોટા પીરની દરગાહમાં બેઠક રાખી. એજન્ડા હતો, વઢવાણ પંથકને કોમી એકતાની શીળી છાયા આપી જનાર ઉસ્માન ભગતનાં જીવતરને આપણે ઊજળું કરી દેખાડવું …
મિત્રોએ વિચાર્યું: ભગત જેવા પુણ્યશાળી આત્માની પાછળનું કોઈ પણ સત્કાર્ય કોઈ દિ’ નૈ અટકે… અને ખરેખર બન્યુ પણ એવું જ.
પ્રથમ કાર્ય, સુચારુ રીતે ‘રઘુનાથ ગાથા’ કરી આપે એવાં કથાકારને ગોતવાનુ હતું,
વલ્લભદાસ દૂધરેજીયા રામ કથાના સમર્થ વક્તા. વલ્લભદાસભાઈ પાસે આખી વાત મુકાણી અને જવાબ મળ્યો… દસ દિવસ નિ:સ્વાર્થ ભાવે રઘુનાથ ગાથા સૌને સંભળાવીશ… મારી ફરજ સમજીને સંભળાવીશ, કેમ કે ઉસ્માન ભગત રામ-રહિમના પ્યારા હતાં.’
‘સાંભળો મિત્રો!’ મંડપ સર્વિસવાળા એક ગૃહસ્થે આ ચારેયને બોલાવીને કહ્યું, ‘તમે ઉસ્માન ભગત પાછળ રઘુનાથગાથાનું આયોજન કરતાં હો તો હું મારો વિશાળ કથા મંડપ, દસ દિવસ કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર આપીશ…’
વાત આગળ ચાલી. કાગળવાળા ફકીર મોહમદભાઈએ અને પ્રેસવાળા ગૌતમભાઈએ મળીને રામપારાયણ માટેની પત્રિકાઓ સેવાભાવે વિના મુલ્યે છાપી આપી.
છોકરાઓ જે કોઈ મળે એને ‘રઘુનાથ ગાથા’ની પત્રિકા આપવાની સાથે વિનંતી પણ કરે: ‘વાંચજો અને બીજા બેને વંચાવજો. આમા અમારા ઉસ્માન ભગતની વાત છે.’
શહેરની ચારેક સંસ્થાઓ એ સાથે મળીને કથાસ્થળે વિપુલ પ્રમાણમાં માઈક, લાઈટ અને પાણીની વ્યવસ્થા કરી આપી…
ફરીદભાઈ અને હાજીભાઈ જેવાં મુસ્લિમ બિરાદરોએ ધંધા નોકરીમાં દસ દિવસની રજા મૂકીને કથા સ્થળે ખડા પડે શ્રોતાઓની સેવા કરવાની ભક્તિ દેખાડી…
અરૂણભાઈ ગોહિલ નામનાં યુવાને દસે દસ દિવસ માટે ઘરનું પેટ્રોલ પુરાવીને કથાના કોઈ પણ કાર્ય માટે પોતાની રિક્ષા સાથે પોતે ખડેપગે હાજર રહ્યા…
હિન્દુ મિત્રોએ દરખાસ્ત મુકી, કથાના મુખ્ય યજમાન તરીકે મોટા પીરદાદાનાં પ્રતીક સમો હાથનો પંજો કથાના મંચ પાસે પધરાવીએ. સાથે ચાંદ તારાનો લીલો નેજો.’
મુસ્લિમ મિત્રોએ વાતને વધાવી અને પછી એ ઉદારતાનો વટક વાળ્યો: ‘વ્યાસપીઠ ઉપર, પંજા પાસે ગણપતિ અને લક્ષ્મીજીને પણ પધરાવીએ.’
હિન્દુ મુસ્લિમ બિરાદરોએ નક્કી કર્યું : ‘કથા મંડપને થાંભલે થાંભલે લીલી ધજાઓ અને સાથે સાથે ભગવી ધજાઓ હોવી જોઈએ…’
કથાના મુખ્ય પ્રવેશદ્વાર સામે મોટા અક્ષરે બોર્ડ મુકાવ્યું : ‘યા ગોશ ખિદમત કમિટી, મોટા પીરદાદા વઢવાણ – આપનું સ્વાગત કરે છે…’ અને કથા સ્થળનું નામ ‘અંજની ધામ’ રખાયું.
હિન્દુ અને મુસ્લિમ મિત્રોની એ સંયુકત બેઠકમાં આનંદપૂર્વક સર્વ સંમતિ સધાઈ ગઈ.
અહીં રામ રહીમે બક્ષેલી આ જિંદગીને, માણસ તરીકે જન્મ્યાં છીએ તો માણસ તરીકે રૂડી રીતે જીવી જવાની એક અનોખી તમન્ના હતી…
કથાકાર વલ્લભદાસ દૂધરેજીયાએ હૃદયમાં ઝબોળેલાં કંઠેથી એક મુસ્લિમ બેટાની ધર્મ સમાનતાને, એના ધરતી સાથેના સાચા નેહને, માનવતાની એની પૂજા અને બંદગીને એવાં તો રજૂ કર્યા કે સાંભળનાર બધા લોકોના જાતિ પાંતીનાં ભેદો ભૂલાઈ ગયા…!
કથા મંડપમાં એક સાથે લહેરાતાં ભગવા અને લીલા રંગે કોમી એકતાના નામે અત્યાર સુધી થયેલા ફટકિયા રંગના લપેડા ધોવાઈને ઊખડી ગયાં…!
કથા દરમ્યાન કથા મંડપમાં એક વાત સતત ગૂંજતી મહેસુસ થતી હતી કે જાણે ઉસ્માન ભગત પોતે સંદેશો આપી રહ્યા છે –
‘મંદિર કો તોડ, મસ્જિદ કો તોડ, તો ન કોઈ મુઝાઈ કા હૈ;
મગર કિસીકા દિલ મત તોડ બંદે! યહ ઘર પ્યારા ખુદાકા હૈ’
આવો, આજના રામનવમીના, આ સપરમા દિવશે, આપણે, રામ-રહીમના પ્યારા એ દિવંગત આત્માને હ્રદયપૂર્વકની શ્રધ્ધાંજલી અર્પણ કરીને રામલલ્લાના જન્મને વધાવીએ ….
અસ્તુ … … … … … … … … … … … સુરેશ ગણાત્રા
***
મિત્રો, આ પ્રસંગ આપણા સહુ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે .. હૈયામાં જો માનવતાની -એક્તાની જ્યોત પ્રગટે તો કોઈ બુઝાવી ના શકે …! ઉસ્માનજીને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાંજલી ..
***
11 Responses to રામ ના બિસાર…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments