રાજકોટ સ્થિત સખી હેમલ દવેના જીવનની અવિસ્મરણીય યાદ એમના જ શબ્દોમાં –
3 જી એપ્રિલ ૨૦૦૯ ને સાંજે મને એક ફોન આવ્યો કે “તમને જેની વાત કરી હતી તે પાર્સલ આવી ગયું છે ..આવી ને લઇ જાઓ ” અને હું, મારી હીર અને મારા દેવને લઇને પહોચી એરોડ્રામ પર ..અને નાનકડું એ પાર્સલ ઉતર્યું ..તાળું ખોલ્યું..બેંગ્લોરથી સફર કરતુ આવતું હતું તો પગ છૂટો કરવા બહાર નીકળ્યું…એ પાર્સલ એટલે ..૪૦ દિવસનું લાબ્રાડોર પપી . એ પાર્સલને આજની રાત પુરતું કોઈને સુપ્રત કરીને અમે ઘેર આવી ગયા.
..૪થી એપ્રિલ એ.મારી મીઠડી મારી મિત્સુનો જન્મદિવસ. આથી સવારથી થોડી નારાજ હતી. હર જન્મદિવસની માફક જોઈતી હતી કૈક અનોખી ભેટ.અને કોઈ કંઈ જ બોલતું ન હતું.સવારે ૧૦ માં ધોરણના એના વેકેશનને કારણે બધા મિત્રો હાજર હતા, મિત્સુબેન થોડા ઉદાસ હતા ..રોજની જેમ હું પણ ઓફીસ જવા નીકળી ગઈ અને તેણીની રહી સહી આશા પર જાણે પાણી…….?!!!!!!!.
ત્યાંજ ઓફિસે મને ફોન આવે છે મેડમ તમારું પાર્સલ રેડી છે આપી જાવું ? ઓહ.. આ ફોન ની તો રાહ જોતી હતી..મારી મીઠડીનું ઉદાસ મોઢું જોઇને નીકળી હતી.ઓફિસેથી આપણે તો બંદા સીધા ઘેર…મિત્સુની મૂક ફરિયાદ તો એની પાણીદાર આંખો માં હતી જ..પણ હું તો મનોમન મલક મલક થતી હતી.એના ડેડીની સુચના મુજબ વિડીઓ કેમેરા તૈયાર રાખ્યો..અને થોડીવારમાં જ મારા દરવાજે કાંઉ કાંઉ સંભળાયું..અને મારી મિત્સી તો જંપ મારીને બહાર. એ હતી એના જન્મદિવસની આજ સુધીની એના મત મુજબ સર્વોતમ ભેટ. મારી અને મારી મીઠડીની ખુશી તો વાત જ શું કરવી…..! હજુ પણ વિશ્વાસ ન આવતો હોય તેમ જોયા જ કરે..ઘડીક તેની સામે અને મારી સામે..
રાત્રે એની બર્થ ડે પાર્ટી માટે પણ બાસ્કેટ માં એ પપીભાઈ તેયાર. બહાર હોટેલ માં રાખેલી પાર્ટીમાં સ્પેશિયલ ગેસ્ટ હતા, જેના નામકરણ વિધિની તેયારી ચાલતી હતી,જેથી સાથે સાથે કેક કાપી શકાય. અને અંતે નામ પડ્યું “બૃનો”. હવે તો બેનબા ખુશ ખુશ, આખો દિવસ લઈને ફર્યા કરે. બૃનો ધીરે ધીરે મોટો થતો ગયો. પણ જે એક્ટીવનેસ હોવી જોઈએ તે તેનામાં જણાતી ના હતી.પછી વેટરનરી ડોકટરના ચક્કર શરુ થયા.
ખરેખર આ એક બાળઉછેર જેવું જ કામ રહે છે. ઘેર આવતા જતા લોકોની , સ્નેહીજનોની સલાહ રહેતી કે જોબ સાથે આ નવું શું કર્યું ? પણ શું થાય ? દિકરીની ઈચ્છા પૂરી તો કરી પણ ઘણી જ તકલીફ પડતી હતી.અને ધીરે ધીરે એ નાનકડા બૃનોની માયા લાગતી જતી હતી.
સવારે જયારે નાહીને સૌ પ્રથમ મંદિરમાં દીવો કરીને જ કામ કરવું એ મારો નિયમ હતો . અને મંદિરની ઘંટડી સાંભળીને ગમે ત્યાંથી દોડી આવીને ઝીણા ઝીણા અવાજ કરવાનો નિયમ બ્રુનો નો હતો.ક્યારેય કોઈને ન ભસતો ..એનો અવાજ જયારે ઘંટડી વગાડે ત્યારેજ સંભળાતો.ઓફીસ જવા માટે પર્સ લાવું કે બૃનો આગળ પાછળ ફર્યા કરે ..અને મારા ગયા પછી ક્યાંય સુધી દરવાજા પરથી ઉભો જ ન થાય. જુલાઈ મહિનામાં કંપનીમાંથી મારે દુબઈ જવાનું હતું ..હું નીકળી અને…….
પાછળથી બૃનો સખત માંદો પડ્યો.૧ વીક પછી જયારે પાછી આવી અને એની માંદગી વધી ગઈ ..કેટ કેટલા વેટરનરી ડોક્ટરને બતાડ્યું પણ..૨૨ જુલાઈ તબિયત એકદમ ખરાબ થઇ, હું અને મિત્સુ આખી રાત તેની પાછળ જાગતા રહેતા..બૃનોના ને અમારા કમનસીબે એક હોશિયાર ડોક્ટર મળ્યા પણ હવે કંઈ જ થઇ શકે એમ નહોતું. હકીકતમાં બૄનોને બ્લડ જ બનતું નહોતું. પણ આગળના કોઈ ડોક્ટર આ જાણી જ ન શકયા. અમારી એના પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઇને ડોકટરે અમને એ અઘરો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે એ જણાવી નહોતા શકતા.અને ૨૩ તારિખની રાત્રે બૄનો ખુબ જ પીડાતો હતો ..અંતે એને જોઇને એક ખુબ જ ”અઘરો નિર્ણય” લેવો જ પડ્યો. એને ડોક્ટર પાસે લઇ ગયા પહેલા છેલ્લીવાર એને ભગવાનનાં મંદિર આગળ લઇ ગયા, દીવો પ્રગટાવ્યો અને એને ગમતી ઘંટડી વગાડી..બિલકુલ અવાજ કરી નહોતો શકતો પણ એ સમયે એજ અવાજ સંભળાયો .. એ “પાર્સલ”ને અમારા સુધી પહોચાડનાર પણ આવી ગયા..કે “લાવો હું મારી ઘેર લઇ જઉં” પણ હવે તો એ અમારો હતો. ભારે હૃદય સાથે હું તેને મારા ખોળામાં લઈને ગઈ. ડોકટરે મને બહાર બેસવા કહ્યું પણ..હું એને મારા હાથમાં છેલ્લી ઘડી સુધી રાખવા માગતી હતી.એ મારી સામે જોતો જ રહ્યો ને ૨ થી ૩ સેકન્ડમાં ખાલી ખોળીયુ બની ગયો. .
૨૪જુલાઈ, મારા જીવનમાં આવેલ કરુણ દિવસ, તે ક્યારેય નહિ આવે..સ્વજનને ગુમાવ્યાની લાગણી તો બધાએ અનુભવવી પડે છે ..એમાં ભાગીદાર બનવા સૌનો સાથ પણ રહે છે પણ પ્રાણીમાં ? સામે સવાલો આવે છે આવું તે કેવું દુખ છે? પણ સાચું કહું ..મને મારા સંતાન ને ગુમાવી દીધું હોય એવી વેદના ત્યારેય થતી હતી.હજુ પણ થાય છે. અને ઘણાને આ વાંચીને સવાલો ઉભા થશે. પરંતુ આ પણ એક ઋણાનુબંધન છે. ક્યાંક બાકી રહી ગયેલી લેણાદેણી પૂરી કરવા એ ૩ મહિના અમારા ઘેર આવ્યો..મંદિરની ઘંટડીનો અવાજ સાથે એ આરતી થાય ત્યાંરે ગમે ત્યાંથી દોડી આવતો..ખુબ જ પ્રેમ ઉભરાય એને જોતાજ ..બાકી એ મારી દીકરીની પસંદગી હતો મારા હ્રદયમાં તો ક્યારે આટલી લાગણી નહોતી આવી. એનો અહેસાસ એ હતો તેના કરતા પણ ગયો ત્યારે વધારે થયો.આવું દુઃખ? આટલી વેદના?
રડી-રડીને હું અને મિત્સુ અડધા થઈ ગયા અને મારી નાની હીર અવાક ….આ શું હતું ..? અમારો પ્રેમ ?કોઈ પૂર્વજન્મનું લેણું? એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે ..એના ગયા પછી એજ “ભૂલ” જાણી જોઇને અમે કરી, અને એ તોફાની રમતિયાળ બૃની આજે અમારી સાથે જ છે ..પણ બૃનોની યાદ મારી દીકરીના બેડની બાજુના ખાનામાં ..એના રમકડા ..એની વાટકી ..દવાની બોટલ અને નાનું મોટું કેટલું બનીને સચવાયેલી પડી છે.૨૪ જુલાઈ એ એને જ્યાં દફન કરવામાં આવ્યો એ સ્થળે જવાનું એનાથી ચૂકાતું નથી..રોજ ઉઠીને એની ફોટોફ્રેમ જોયા વગર રહેવાતું નથી … બૃનોની યાદ સચવાયેલી જ રહેશે.
ઘણા લોકોને કદાચ આ વાત અચંબા ભરી લાગશે પણ જેને ઘેર પાલતું પ્રાણી હશે એ આ વાત સુપેરે અનુભવી શકશે.આ દુનિયામાં કદાચ આજ સંબંધ એવો છે કે જે તમને તમારા માગ્યા વગર જ પ્રેમ આપે છે ,તમારા ધુત્કાર સામે પણ પ્રેમની નજર માત્ર થઈ ખેંચાય આવે છે.વફાદારી એના લોહીમાં હોય છે અને આપણે માનવીઓ આપણામાં હોય તેને પણ નઝર અંદાઝ કરીએ છીએ.
– હેમલ દવે
11 Responses to મુંગી લાગણી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments