અનોખુંબંધન માટે સહુ પ્રથમ લખેલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલીસબ-રસ વાર્તા હરિફાઇ માં પ્રથમ પારિતોષિક વિજેતા કૃતિ..
હરિફાઇ આયોજક શ્રી અશોકભાઇ તથા સર્વે નિર્ણાયકો નો ખૂબ ખૂબ આભાર…!
ગુલાબી સંધ્યાનો પાલવ ઓઢી ને પવનની એક લહેરખી આવી ને વહેતાં ઝરણાંનાં નીરની સાથે ભળી અને એની શિતળ બુંદોની છાલક, ત્યાં ખડક પર બેઠેલાં તીર્થ ને સહેજ ભીંજવી ગઇ… એ સાથે જ તીર્થની નજર સમક્ષ આવી જ એક ગુલાબી સંધ્યા આવી ગઈ … ત્યારે પણ તે અને વૃષ્ટિ આ જ ઝરણાં પાસે બેઠાં હતાં… આવીજ રીતે ગુલાબી સાંજ ઢળી રહી હતી અને બન્ને એ જીવનભર એકબીજાનો સાથ નીભાવવાના કૉલ આપ્યાં હતાં… કેવી હતી એ સ્વપ્નો તણી દુનિયા..??..
જાણે જન્મો જન્મથી એકબીજાની તલાશ કરતા હતાં ને આ જન્મે મળી ગયા ..!!.. પ્રણયની અનુભૂતિ કરીને બન્ને જાણે કે ધન્ય બની ગયા હતાં..વૃષ્ટિની તો સૃષ્ટિ જ બદલાઇ ગઈ…! એક્દમ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતી વૃષ્ટિ, તીર્થને પોતાનો ભગવાન માનતી હતી ….!…તીર્થ પ્રત્યેનાં પોતાના પ્રણયને એ પૂજા માનતી હતી…! તીર્થને જરાપણ કંઈ થાય તો પળવારમાં ચિંતિત થઈ જતી…!!..એની અસર પોતાની તબિયત પર પણ થતી…સામે તીર્થ પણ વૃષ્ટિ માટે બધુંજ કરી છૂટતો…વૃષ્ટિ બોલે એટલી જ વાર હોય..! આમ જ બન્ને એકબીજા પર પ્રેમની વૃષ્ટિ વરસાવતા.!
……થોડાં દિવસો તો બન્ને સ્વર્ગમાં વિહર્યા …. !…………….પરંતુ………..નસીબ ની બલિહારી કે … સંજોગોની એક જ થપાટે બન્ને દૂર થઈ ગયાં…અચાનક જ તીર્થે વૃષ્ટિને મળવાનું બંધ કરી દીધું… વૃષ્ટિએ એને મળવાના દરેક મરણીયા પ્રયાસો કરી જોયાં પણ બધુંજ વ્યર્થ…!! તીર્થે વૃષ્ટિની સતત અવગણના કરી…! ..
આમ જ એક દિવસ તીર્થ ભારત છોડી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો… અને આ તરફ વૃષ્ટિ પર તો જાણે કે પહાડ તૂટી પડ્યો… આસમાનમાંથી એકાએક જમીન પર પછડાઈ ગઈ હોય એવી અનુભૂતિ થઈ…રડી રડીને દિવસો વિતાવ્યાં … તબિયત પણ બગડી …! હોસ્પિટલમાં દાખલ કરવી પડી… ત્યાં ડૉકટર પૂજનની સારવાર હેઠળ તબિયત જરા સુધરી… સમય જતાં ડૉ. પૂજન અને વૃષ્ટિ સારા મિત્રો બની ગયાં… પણ વૃષ્ટિએ તીર્થનું નામ હૈયામાં જ દબાવી રાખ્યું…એક દિવસ પૂજને વૃષ્ટિ અને તેના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો… પરિવારમાં તો બધાએ સહર્ષ સ્વીકારી લીધો..પણ વૃષ્ટિ વિમાસણમાં પડી ગઈ..!.. એક તરફ માતા પિતા અને પૂજન જેવો મિત્ર હતો તો બીજી તરફ પોતાનો પ્રણય અને તેમાં મળેલું દર્દ ..!!… પણ પોતાના દર્દને લીધે ક્યાં સુધી એ બીજા બધાને પણ દુ:ખ આપશે…??… અંતે તેણે બધાની વાતને માન આપ્યું અને પૂજન ને પરણી એ સાસરે આવી..
સમય ને વિતતા ક્યાં સમય લાગે છે..??.. વરસ આમ જ પસાર થઈ ગયું …વૃષ્ટિએ સાસરે આવીને ઘર અને પરિવાર તરફની જવાબદારી પૂર્ણપણે નિભાવી …પણ હૈયાનાં એક ખૂણે તીર્થની યાદ ધરબાયેલી પડી હતી…રહી રહી ને એક જ સવાલ ઉઠતો હતો કે આખરે તીર્થે મારી સાથે આવુ કેમ કર્યું ?? એવી તે એની શું મજબૂરી હશે..?? શું અમારી લેણ-દેણ પૂરી થઇ ગઇ હશે..?? એના તરફનાં મારા પ્રેમ અને ભક્તિમાં ક્યાં કચાશ રહી ગઇ ?? ..ક્યારેક ભગવાનની પ્રતિમા સામે જઇને આંસુ સારી લેતી…અને આ બધી જ વાત તીર્થ જાણતો હતો કે વૃષ્ટિને ખૂબ દુ:ખ થશે, પણ વૃષ્ટિનાં જીવનમાંથી દૂર ચાલ્યા જવા માટે જ તો એ ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો..!!.. આજે વરસ પછી એ આ મિલન સ્થળે આવ્યો હતો..!!.. અને એ દરેક પળો ને યાદ કરી રહ્યો હતો, જે એણે પોતાના પ્રેમ સાથે-વૃષ્ટિ સાથે વિતાવેલી હતી…! તીર્થનાં નયનોમાંથી આંસુઓની બુંદો ટપકી ને આ ઝરણામાં પડી ને એના વહેણ સાથે વહી ગઈ..! અને ભારે હૈયે એ ઘર તરફ વળ્યો …
પણ ઘરે જતાં જ એ ચોંકી ગયો..સામે વૃષ્ટિ બેઠી હતી…!!! તીર્થ ત્યાં જ થંભી ગયો …વૃષ્ટિએ અશ્રુભરી આંખોથી એની સામે જોયુ ને એ નજર ને પોતે જીરવીના શક્યો અને ત્યાંથી ચાલ્યા જવા જેવુ પગલું ભર્યું કે વૃષ્ટિ બોલી…,
” તીર્થ …!! …આખરે મારી ભૂલ શું હતી..?.. એ જ ને કે મેં તને મારો આત્મા માન્યો.? મારો ભગવાન માન્યો..? તને ચાહવાની મને આ સજા મળશે એ મને નહોતી ખબર…! અરે એકવાર તો તે મને સાચી વાત કહી હોત..! એક વાર તો મને મારો પ્રેમ સાબિત કરવાની તક આપી હોત…! હું જેવી આટલો સમય તારા વિના દર્દ સહી ને રહી છું એવી રીતે નહીં, પણ ખુમારીથી તારા વિના પણ તારી સ્નેહભરી યાદનાં સહારે જીવન વિતાવી લેત ..! પણ એક નારીનાં હૈયાને, એમાં રહેલી લાગણીને તું શું સમજે..?..તું મને સમજી શક્યો નહીં પણ મારાં પતિ મારાં દર્દને સમજતાં હતાં ..તેઓ જ મને અહીં લાવ્યાં છે…” અને તીર્થે પાછળ ફરી ને જોયું તો પૂજન પણ ત્યાં જ હતો …તીર્થ કશુંજ બોલી શક્યો નહીં… એની નજર સમક્ષ એ દિવસ આવી ગયો … જ્યારે તેણે પૂજન પાસેથી-પોતાના અંગત મિત્ર પાસેથી આ વચન લીધું હતું… કે તે વૃષ્ટિનો જીવનસાથી બને અને વૃષ્ટિ એક લાગણીશીલ, સુશીલ અને સમજુ યુવતી છે…નામ એવા જ ગુણ છે ..તે પૂજનનું જીવન સુખની વૃષ્ટિ કરીને ભરી દેશે ..!!..
અને તેણે પૂજનને વચનથી બાંધી લીધો કે પોતાની આ બિમારી વિષે વૃષ્ટિને એ ક્યારેય ના જણાવે… પૂજને અત્યાર સુધી વૃષ્ટિ પાસે તીર્થનાં નામ નો ઉલ્લેખ પણ નહોતો કર્યો અને વૃષ્ટિએ પણ પોતાનું દર્દ હૈયામાં છૂપાવી રાખ્યું હતું..એ જ વિચારીને કે તીર્થે મને આપેલાં દર્દની વાત પૂજનને કહીને પોતે એને શા માટે દુ:ખી કરવો જોઈએ..? આમાં પૂજનનો શો વાંક ?.. નાહક અમારા સંબંધમાં મુશ્કેલી આવી જાશે..અને એ ચુપ રહી…! પણ પૂજન ઘણી વખત વૃષ્ટિનાં દર્દને મહેસુસ કરી શક્તો હતો…ભલે આટલાં સમયમાં વૃષ્ટિએ પત્ની તરીકેની દરેક ફરજ પ્રમાણીકતાથી નિભાવી તો પણ એ સમજી ગયો હતો કે વૃષ્ટિનાં હૈયામાં હજુય તીર્થ છે …!
પરંતુ તીર્થ ને આપેલાં વચનને લીધે એ પણ ચુપ રહ્યો…! એને તો બમણું દુ:ખ થાતું હતું.. એક તરફ તીર્થની જીવલેણ બિમારી તો બીજી તરફ વૃષ્ટિની વ્યથા..!!..
પણ એક દિવસ બન્યું એવુ કે પૂજનની બહેન ગ્રિષ્મા કોલેજથી આવીને વૃષ્ટિને વળગીને રડી પડી કે, ભાભી, શિશીર મને છોડીને અમેરિકા ચાલ્યો ગયો..મને મોટા મોટા વાયદાઓ આપ્યા ને ત્યાં જઇ લગ્ન કરી લીધાં..!!!!….
આ સાંભળીને વૃષ્ટિ પણ ચોંકી ગઇ…કારણકે શિશીરનાં કુટુંબ સાથે એમને વરસો જૂનાં સંબંધો હતાં..શિશીર અને ગ્રિષ્મા વચ્ચે આટલાં વરસોની મૈત્રી હતી અને છેલ્લાં ત્રણ વરસથી તો બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો હતો …અને અચાનક જ શિશીરે આ પગલું લીધું તેથી વૃષ્ટિને વાગેલો ઘા તાજો થયો, તીર્થે પણ આમ જ મારી સાથે બેવફાઇ કરી.. અને એની આંખો છલકાઇ ગઈ .. ગુસ્સાથી પુરુષ વિરોધી વાક્યો બોલવા લાગી…!
વૃષ્ટિનું આ રૂપ બધાએ પહેલી વાર જોયું ને અવાચક બનીને સાંભળી રહ્યાં… આટલા સમયથી દબાયેલ દર્દની લાગણીએ ગુસ્સારૂપી જવળામુખીનું સ્થાન લઈ લીધું અને તીર્થ પ્રત્યેનો પ્રણય, જે દર્દ બનીને હૈયે ધરબાયેલો હતો એ જ્વાળામુખી બનીને બહાર આવ્યો કે, આ દુનિયામાં નારીનું એક યા બીજી રીતે માનસિક શોષણ જ કરે છે આ પુરુષ ..! પોતાને જ્યારે પ્રેમની જરૂર હોય છે ત્યારે નારી પાસે એવો અભિનય કરે છે કે નારી એને પોતનો ભગવાન માની એની પૂજા કરે છે.. પણ જેવો પોતાનો સ્વાર્થ પુરો, પોતાને જે માનસિક આધાર, જે સમયે જોઇતો હતો એ સમયે મળી ગયો અને જેવી એ જરૂરત પૂરી થઈ કે, કોણ તું અને કોણ હું..? જાણે કે ઓળખતો જ નથી..!!…
આ બધું સાંભળીને પૂજન સમસમી ગયો – ” વૃષ્ટિ પ્લીઝ, ભગવાનને ખાતર, તું આ બધું બોલવાનું બંધ કર…!.. હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે.. ” અને તે વૃષ્ટિને તીર્થનાં ઘરે લઇ ગયો…!!! રસ્તામાં તેણે બધી જ વાત કહી .. પણ એ સાંભળીને વૃષ્ટિની આંખો વરસી પડી..!!..દુ:ખ એ જ વાતનું હતું કે જેને પોતે અંતરનાં ઉંડાણથી ચાહ્યો એ જ મને સમજી ના શક્યો… અને જેણે મને આટલો સમય સંભાળી એના પ્રત્યે મેં ફરજ તો નિભાવી પણ આટલાં ઉંડાણપૂર્વક ચાહી ના શકી..!!..
ત્યારે પૂજને કહ્યું કે, આ તો અંતરમાં ઉદભવતી કુદરતી લાગણી ..!! આ લાગણીને ઉત્પન્ન કરવી એ માનવીનાં હાથમાં નથી…હું પહેલેથીજ જાણતો હતો કે તારા હૈયામાં જે સ્થાન તીર્થનું છે એ હું ક્યારેય લઇ નહીં શકું..ભલે એના તારી સાથેનાં આ વર્તનથી તું દુ:ખી કેમ ના હોય..?.. ચાહે એણે તારું દિલ તોડ્યું કેમ ના હોય..?? એણે ભલે તારી અવગણના કરી હોય અને તને દુ:ખ પહોચાડ્યું હોય પણ…. પ્રણય પોતાનું સ્થાન ક્યારેય છોડતો નથી..!! તમારી વચ્ચે બાહ્ય રીતે ભલે કોઈ જ બંધન ન હોય પણ આંતરીક બંધન છે એ અનોખું છે..જે કુદરતી જ છે એ હું સમજી શકું છું…કારણકે જેવી લાગણી તને તીર્થ માટે હતી એવીજ લાગણી મને તારા માટે છે..!
વૃષ્ટિ, પૂજનની આ સમજ, લાગણી અને ખેલદિલીને મનોમન વંદી રહી..!!..પરંતુ સાથે-સાથે તીર્થની હાલત વિષે જાણીને હૈયું કલ્પાંત કરવા લાગ્યું..! અફસોસ એ જ હતો કે કાશ, તીર્થે એને મોકો આપ્યો હોત તો જીવનભર એની પૂજા કરીને એની સેવા કરી શકી હોત…!.. પણ ..!! ..નસીબ પાસે ક્યાં કોઈનું યે ચાલ્યું છે..??..
આ તરફ તીર્થ પણ વ્યથિત હતો, આંસુઓને ખાળી ના શક્યો… તેણે પણ વૃષ્ટિની જેમ જ “પ્રણય”ની પૂજા કરી હતી..બન્નેનાં અનોખાંબંધનને ખૂબ માન આપ્યું હતું…!! પણ સંજોગોને લીધે તેણે વૃષ્ટિ સાથે આવો વહેવાર કરવો પડ્યો એ પણ વૃષ્ટિનાં સુખ માટે જ તો..!!!.. વૃષ્ટિની આ બધી વાતો સાંભળીને એ વ્યથિત થઈ ગયો પણ પરિસ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સફાઇ આપવી ઉચિત ના સમજી… અને બીજે દિવસે અચાનક જ એક નિર્ણય લઇ લીધો …..!
એરપોર્ટ જતાં પહેલાં તીર્થે, પૂજન અને વૃષ્ટિને પત્ર લખ્યો કે, જીવનની જે ક્ષણો બચી છે એ વિતાવવા ફરી ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો છું .. પહેલાં પણ વૃષ્ટિને સુખી રાખવા મેં આ પગલું ભર્યું હતુ…! મારા ગયા પછી એ એકલી ના પડી જાય અને એને સુખ આપી શકે એવો એક માત્ર પૂજન તું જ હતો ..તેથી હું તમારા બન્નેની જિંદગીથી દૂર જતો રહ્યો હતો…બની શકે તો મને માફ કરી દેશો..!..બચેલી ક્ષણોની હર સંધ્યા મારે, અમારા મિલનસ્થળ પર પેલાં ઝરણાં પાસે વિતાવવી હતી એટલે હું અહીં આવ્યો હતો ..પણ હવે મેં વિચાર બદલ્યો છે અને જઇ રહ્યો છું.. તમારાં બન્નેની જિંદગીથી દૂર …. આ વખત હું મારા નવા ઘરનું સરનામુ કે ફોન નંબર નહીં આપુ..!!.. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા કોઈ જ સમાચાર તમારા જીવન પર અસર કરે …! તમે બન્ને સુખી રહો એવી પ્રભુને પ્રાર્થના..!
હૈયામાં પોતાના પ્રણય-પૂજાની સામગ્રી રૂપી ઝાકળભીનાં સ્પંદનો લઇ ને તીર્થ ચાલી નીકળ્યો … તેની કાર એરપોર્ટ તરફ રવાના થઈ, ત્યારે રેડિયો પર આ ગીત ગુંજી રહ્યું હતું…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,
યે પ્રિતમ કા ઘર હૈ…
હર ધડ્કન હૈ આરતી બંધન, આંખ જો મીંચી હો ગયે દર્શન …
મૌત મિટાદે ચાહે હસ્તી, યાદ તો અમર હૈ..!!!
હમ યાદોં કે ફૂલ ચઢાયે ઔર આંસુ કે દીપ જલાયે ,
સાંસો કા હર તાર પુકારે યે પ્રેમ નગર હૈ…
દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,
યે પ્રિતમ કા ઘર હૈ…!
35 Responses to પ્રણય…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments