મિત્રો, થોડા સમય પહેલાં જ માનનીય દેવિકાબેન ધૃવનો પરિચય અને એમની રચનાઓ આપે માણી …
આજે ફરી એમની એક રચના –
”હજી આજે પણ ઘણાંને મનમાં સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ? આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી” તો આવી જ એક કલ્પનાને આધારે રચાયેલા બે ગીત સવાલ-જવાબ રૂપે એક બનાવી આપની સમક્ષ સહર્ષ….
પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?
પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!
પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તુ હોળી ?
પૂછે કાં રાધા, આમ, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સરજીને ખેલત, હું માખણની મટકી !
પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?
પૂછે કાં રાધા, આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?
પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પિત્તરંગ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?
અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી,રાખત હું શિર પર !!
પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું ફરીથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!
***
One Response to પૂછે છે રાધા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments