મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ લિખિત આ લેખ એકદમ હ્રદયસ્પર્શી અને વાસ્તવિક્તા-પૂર્ણ છે, આપ સહુને પણ જરુર ગમશે ..!!
***
કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે
નફા ને ખોટનો ખ્યાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર,
કેમ કે તું નથી તારી મિલકત, દોસ્ત તારામાં ગોલમાલ ન કર.
– અદમ ટંકારવી
જિંદગી દરરોજ માણસને સવાલો કરતી રહે છે. કેટલાક સવાલો સરળ હોય છે અને કેટલાક અઘરા. સૌથી પહેલો સવાલ એ કે જિંદગી શું છે? દસ માણસોને આ સવાલ પૂછીએ તો કદાચ બધા પાસેથી અલગ અલગ જવાબ મળે. તમને કોઈ પૂછે કે જિંદગી શું છે? તો તમે શું જવાબ આપો? જિંદગી વ્યાખ્યા કરવાની વસ્તુ નથી. જિંદગી વ્યાખ્યા મુજબ ચાલતી પણ નથી. જિંદગી તો જીવવાની એક ઘટના છે. જિંદગીમાં અઢળક ખૂબી છે. ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયા મારી છે અને ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયામાં મારું કોઈ નથી. આ દુનિયામાં આપણા અસ્તિત્વનો મતલબ શું છે? જિંદગીની ઘણી ફિલસૂફી આજકાલ એસએમએસ અને ઇ-મેલમાં ફરતી રહે છે. રોજ સવારે બે-ચાર મેસેજ મોબાઇલ પર મળી જાય છે જેમાં દોસ્તી, સંબંધ અને પ્રેમથી માંડી જિંદગીની ફિલોસોફીની વાતો હોય છે. ઈ-મેલની મોટિવેશનનાં પડીકાં આવતાં રહે છે અને ફરતાં રહે છે. પાવર પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ પરત દર પરત ઊઘડતી રહે છે. ઘણા મેસેજ અને ઈ-મેલ ખરેખર દિલને સ્પર્શી જાય એવા હોય છે. પણ તમે ક્યારેય આ સંદેશાઓને સવાલો કર્યા છે? તમને જે વાત કહેવામાં આવી છે એ વાત સાચી છે કે ખોટી એનો તમે વિચાર કરો છો? આપણે મોટા ભાગે કોઈની વાત શા માટે માની લેતાં હોઈએ છીએ? હમણાં એક ઈ-મેલ આવ્યો. હું કોણ છું? એ પછી ઈ-મેલ ઉઘડતો ગયો.આવડું મોટું વિશ્વ, તેમાં પણ અનેક ગ્રહો, તેમાં એક ગ્રહ એટલે આપણી ધરતી. ધરતીના પણ અનેક ખંડો, એક-એક ખંડમાં અનેક દેશ, એક ખંડમાં આપણો દેશ. આપણો દેશ પણ પાછો કેવડો મોટો! કેટલાં બધાં રાજ્યો! એમાં એક આપણું રાજ્ય. આ રાજ્યમાં આપણું એક શહેર. આપણા શહેરમાં પાછા અનેક વિસ્તારો. તેમાં એક આપણો વિસ્તાર,આ વિસ્તારમાં અનેક ગલી, ફળિયાં કે સોસાયટી. એમાં એક આપણું ઘર. આપણા ઘરમાં બે-ચાર કે પાંચ-દસ લોકો. એમાં એક આપણે. માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એવું આપણું અસ્તિત્વ. સરવાળે એવું કે તમે કંઈ જ નથી! તમારા પહેલાં અબજો લોકો આવી ગયા છે અને તમારા પછી પણ આ દુનિયા અટકવાની નથી. રાઇટ. તો પછી સવાલ એ થાય કે ખરેખર આપણી જિંદગીનું કોઈ જ મહત્ત્વ નથી? ના સાવ એવું નથી. તમે દૂરબીન જોયું છે ને? દૂરબીન તમને દૂર હોય એને સાવ નજીક દેખાડે છે. પણ એ જ દૂરબીનને જો ઊંધું કરી દઈએ તો જે નજીક હોય એ પણ દૂર લાગે છે. જિંદગીનું પણ એવું જ છે. તમે જિંદગીને કઈ બાજુથી અને કેવી રીતે જુઓ છો એ મહત્ત્વનું છે. જિંદગીમાં તમારું મહત્ત્વ છે, તમે છો તો જ આખી દુનિયા છે.
આપણે કહીએ છીએ કે કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે. દુનિયામાં કંઈ જ તુચ્છ નથી. બધું જ ભવ્ય છે. બધાંનો મતલબ છે. તમારો પણ કંઈક ઉદ્દેશ, કંઈક અર્થ અને કંઈક મર્મ છે. સૌથી યાદ રાખવા જેવી કોઈ વાત હોય તો એ એક જ છે કે તમે ભલે દુનિયાના એક નાનકડા અંશમાત્ર હોય પણ તમે કોઈની આખી દુનિયા છો.
તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું એક ન હોવ તો કોને ફેર પડે છે? ઘણાંને ફેર પડતો હોય છે, કારણ કે તમે કોઈની આખી દુનિયા છો. એને ફેર પડે છે જે તમને ફોન કરીને પૂછે છે કે તું જમ્યો? તું કેમ છે? તારે જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો? તું ક્યારે આવીશ? તારા વગર મને ગમતું નથી! તું જલદી આવી જા ને! જે તમારી રાહ જુએ છે એને ફેર પડે છે. તમે દૂર હોવ ત્યારે કોને અધૂરું લાગે છે? તમે એના માટે આખું અસ્તિત્વ છો. તમને કોઈએ ક્યારેય એવું કહ્યું છે કે તું મારી દુનિયા છો? કોઈ જાય ત્યારે તમને એવું લાગે છે કે જાણે આખી દુનિયા હાથમાંથી સરકી ગઈ? હા, એવું થતું હોય છે. ઘણી વખત કોઈનો અવાજ ન સાંભળીએ તો પણ સન્નાટા જેવું લાગે છે. પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિનું સૌંદર્ય તો જ માણવા જેવું લાગે છે જો કોઈ આપણી સાથે હોય. એક વ્યક્તિની ગેરહાજરીથી બધું જ વ્યર્થ લાગે છે. કંઈ જ સૂઝતું નથી. બધું જ ધૂંધળું અને બિહામણું ભાસે છે. વિરહને તમે ધ્યાનથી નિરખજો, એની બીજી બાજુ છલોછલ પ્રેમ ભર્યો હોય છે. વિરહનો મતલબ તો જ છે જો પ્રેમ હોય! પ્રેમ વગરનો વિરહ ન હોય. વિરહ તો જ આકરો લાગે જો પ્રેમ તીવ્ર હોય.
આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, અહાંગળો. કોઈ એક વ્યક્તિ વગર માણસ ઓગળી જાય છે. પોતાની વ્યક્તિને ગમતું કંઈ નજરે પડે તો આંખો ભીની થઈ જાય છે. જમતી વખતી વિચાર આવી જાય છે કે એ જમ્યો હશે? કે એ જમી હશે? માત્ર પ્રેમીઓ કે પતિ-પત્નીની જ આ વાત થઈ. કોઈ પણ સંબંધમાં આવું થઈ શકે છે. સાસરે ગયેલી દીકરી હોય કે દૂર ભણવા કે નોકરીએ ગયેલો દીકરો હોય! કે પછી એક મિત્ર હોય!
ઘણી વખત સાત મિત્રો હોય પણ એક મિત્રની ગેરહાજરીથી પાર્ટી અધૂરી લાગે છે. બધાં મળીએ ત્યારે એ જ વાત થાય કે એ નથી, એ હોય તો જલસો પડી જાય. આવા સમયે મિત્રને ફોન કરીને કહીએ છીએ કે યાર બધાં છે પણ તું નથી. વી મિસ યુ લાઇક એનિથિંગ. દૂર રહેલા મિત્રને પણ દોડીને કે ઊડીને ત્યાં પહોંચી જવાનું મન થાય છે પણ જઈ શકાતું નથી. આંખના કોરાણે કંઈક ભેજ જેવું લાગે છે. બસ આ તમારી દુનિયા છે અને તમે એની દુનિયા છો. કોઈ પણ એવો પ્રેમી કે પ્રેમિકા નહીં હોય જે વિરહની ઘડીમાં પોતાની વ્યક્તિને યાદ કરી એટલિસ્ટ એક વાર રડી નહીં હોય! મારે કંઈ નથી જોઈતું, બસ તું આવી જા! તું હોય તો એવું લાગે છે જાણે બધું જ મળી ગયું! હા, તમે એક ન હોવ તો ઘણાને ફેર પડે છે.
તમે બસ આટલું કરો કે તમારાથી જેને ફેર પડે છે એને તમે જતનપૂર્વક સાચવી રાખો, અઢળક પ્રેમ કરો, કારણ કે તમો એની દુનિયા છો, અને એ જ તમારી દુનિયા છે…!
છેલ્લો સીન –
આપણે બધા પ્રેમ કરવા માટે જ જન્મ્યા છીએ. આ જ અસ્તિત્વનો સિદ્ધાંત છે અને એકમાત્ર અંત છે.
– શ્રી કૃષ્ણકાંત ઉનડકટ
14 Responses to તમે ન હો તો કોને ફેર પડે છે?…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments