ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥
શ્રી ધીરજલાલ પોપટભાઈ ભૂત
જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮
વતન :- કોટડા-સાંગાણી, જી. રાજકોટ (ગુજરાત)
શૈક્ષણિક લાયકાત :- એમ. એ. બી.એડ.
કાયમી સરનામું :- પ્રો. ડી.પી.ભૂત
આંબલી શેરી, કોટડા-સાંગાણી ( પીન-૩૬૦૦૩૦ )
મોબાઈલ :- ૯૪૨૬૪૮૧૯૩૩
શૈક્ષણિક અનુભવ :- (૧) મુળવાજી હાઈસ્કુલ – શિક્ષક ૨ વર્ષ (૨) સુલતાનપુર હાઈસ્કુલ – શિક્ષક ૩ વર્ષ (૩) મહારાજા ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ – પ્રોફેસર – ૩૬ વર્ષ (૪) શેઠ ટી.જે. કન્યાવિદ્યાલય અને કોલેજ – ઉપલેટા – ૨ વર્ષ (૫) જુનાગઢ કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ (૬) જેતપુર કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૭) ધોરાજી કોલેજ – પાર્ટ ટાઈમ ૨ વર્ષ (૮) અમરેલી કોલેજ – પાર્ટ ટાઈમ ૧ વર્ષ (૯) રાજકોટ પી.જી. ટીચર્સ – ૧ વર્ષ
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પાવન પર્વ .આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આર્શીવાદ મેળવતા હોય છે. આજે હું પણ ગુરુવંદના કરી, મારા ગુરુજીનાં આશીર્વાદ મેળવું છું… લગ્ન સમયે એમણે મને આપેલી આશીર્વાદ રૂપ શ્રીભાગવત ગીતાજી આજે પણ મારા ઘર મંદિરમાં બિરાજમાન છે અને ઈશ્વર સહ ગીતાજી પૂજન થાય છે..!
ઈશ્વર અને માતા પિતા ની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે …ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે.. ગુરુદક્ષિણા – કે એમનું ઋણ તો કેવી રીતે ચૂકવી શકાય, પરંતુ આજે આપ સમક્ષ એમની જીવન ઝાંખી દર્શાવીને એક ગૌરવની અનુભૂતિ મહેસુસ કરવી છે કે, હું મારા આ ગુરુજીની વિદ્યાર્થીની છું..જેમણે હંમેશ પોતાના શિષ્યોને જીવનની સાચી રાહ બતાવી છે… એમણે બતાવેલ જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ, પુસ્તકમાં થી નહિ પરતું એમના જીવન દ્વારા શીખી શકાય છે…એમનું વ્યક્તિત્વ જ નિરાળું છે… સ્કુલ – કોલેજમાં એમના સદવિચારો અને સંસ્કારની મહેંક થી એમની આગવી ઓળખ છે ..
પહેલાની પોસ્ટ ” મુલાકાતો ની શ્રૃંખલા- એક યાદગાર સફર ” માં આપે વાંચ્યું જ હશે કે, હું કેટલા વર્ષો બાદ પૂજ્ય સર ને મળી.. કારણકે કોઈ યુવતી જયારે પરણી ને પરદેશ જતી રહે છે ત્યારે જુના સંપર્કો જલ્દીથી સાધી શકતા નથી… લગ્ન બાદ એક જ વાર પૂજ્ય સરને મળવાનું થયેલું.. પછી તો સંપર્ક જ નહિ.. તેઓ મને યાદ કરે અને હું તેમને .. પણ મળી જ ના શકાયું … અને બલિહારી કેવી કે સ્કુલમાં તપાસ કરી કોઈ પાસે થી સમાચાર જ નાં મળ્યા … બસ એટલી ખબર પડી કે તેઓ કોટડા સાંગાણી જતા રહ્યા છે .. કોઈ ને કોઈ શહેર કે ગામ ની કોઈ પણ વ્યક્તિ મળે, પણ આટલા વરસોમાં મને કોટડાસાંગાણી ગામની એક પણ વ્યક્તિ નાં મળી… બસ એ ગામ નું નામ જ માત્ર રહી ગયું મારા માટે … આમ ને આમ દિવસો ગયા… વરસો ગયા અને અચાનક એક દિવસે ” કોમ્પ્યુટર દેવ અને નેટ જગત ની કૃપા ” થી મને બ્લોગ પર વાંચક મિત્ર દુષ્યંતભાઈ મળ્યા… અને જેવી મને ખબર પડી કે તેઓ લંડન અભ્યાસ કરે છે અને કોટડા સાંગાણીનાં વાતની છે કે હું ચમકી… અને બીજું કશું બોલવાને બદલે સીધું જ પૂછી લીધું કે તમે શ્રીભૂતસર ને ઓળખો છો..? ત્યાં તો તેમણે કહ્યું કે, હા તેઓ તો મારા મોટા પપ્પા છે …… અને મારી આંખો તો વરસી પડી… જેમને મળવા માટે હું આટલા વરસ થી રાહ જોતી હતી અને આજે અચાનક જ …!!! તેઓએ કહ્યું કે આપની જોડેની વાતોમાં અને આપના બ્લોગ પર, મને મારા મોટાપપ્પા ના સંસ્કાર અને શિક્ષણ ની ઝલક દેખાઈ રહી હતી…અને સાચું જ પડ્યું ને કે, મારા મોટા પપ્પા આપના ગુરુજી છે ..! તરત એમની પાસે થી નંબર લઇ, બીજે દિવસે ઇન્ડીયા ફોન કરી સર ને મળી.. તેઓ પણ ખુબ જ અચરજથી મને સાંભળી રહ્યાં ને ભાભીએ ( સરનાં મિસિસ ) મને કહ્યું કે બહેન, તમારા સરની આંખોમાં થી તો હર્ષના આંસુ વહે છે …!!! .. એ પછી તો હું ઇન્ડીયા ગઈ ત્યારે ખાસ સરને ત્યાં ગયેલી અને ગુરુ શિષ્યાની એ મુલાકાત સહુની આંખો ભીંજવી ગઈ ..! બાદમાં જેવો મેં, એમણે મને લગ્ન સમયે લખેલ આશીર્વાદ રૂપ પત્ર બતાવ્યો કે તેઓએ ( અંતે તો મારા ગુરુજી ને? ) પણ મારી જૂની નોટબૂક બતાવી કે, સ્કુલમાં મારા વર્ગ દરમ્યાન, તું મેઈન પોઈન્ટસ લખતી ને? તારી એ જ નોટ પર થી, હું બધાને ભણાવું છું ..!! ( હાલ, થોડા સમય પહેલા જ નિવૃત્તિ લીધી ) ભાભીએ પણ કહ્યું કે, જ્યારે એમની વિદ્યાર્થીની યાદ આવે કે તેઓ આ નોટબૂક લઈને બેસી જાય એટલે હું સમજી જતી કે તમારી યાદ આવી છે.. !
અમારા મિત્રમંડળ માં સર પ્રત્યેનો પૂજ્ય ભાવ અનન્ય અને અનોખો જ છે… ! ત્યાર બાદ તો મારી સહેલીઓને પણ સર સાથે વાત કરવાની તક મળી .. કેમકે એક દુબઈ છે, એક મલેશિયા છે, એક અમેરિકા છે, એક મોરબી, એક મુંબઈ તો.. એક વડોદરા છે . પરંતુ અમને આટલા વરસે પૂજ્ય સરને મળવાનો લાભ મળ્યો એ જ ખુશી ની વાત છે…અમને ગૌરવ છે કે, આપશ્રી જેવા ગુરુજી મળ્યા ..!
ખરેખર, આ અનોખુંબંધન શબ્દોમાં વર્ણવી શકાતું નથી …!!
( મારી જેમ મારા બન્ને પુત્રો તેજસ-ચિરાગ પણ યોગ્ય ગુરુજી મેળવવા બદલ નસીબદાર છે.. મિસ્ટર ફૈઝલ – જેઓ ફીઝીક્સ અને એડીશ્નલમેથ્સ નાં ટીચર છે.. એમના વિષે ફરી ક્યારેક )
અત્રે પ્રસ્તુત છે પૂજ્ય સરની જીવન ઝાંખી એમના જ શબ્દોમાં …
*
Faith in God, do right & God bless you.
ચિ.બહેન ચેતના,
આપના જીવનમાં ઉપયોગી થાય એવું થોડું પણ ગ્રહણ કરીને હજુ પણ યાદ કરો છો…અને જુના સ્મરણો યાદ કરી આજે હું પણ કૃતાર્થ ભાવ અનુભવું છું. આપના માટે મેં જે ભાવ કલ્પ્યો છે એ વધુમાં વધુ સૌથી ઉચ્ચતમ છે.. પ્રફુલભાઈ-ભરતભાઈ જેટલો જ.
જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે…આપણે પણ સંપર્કમા નહોતા, છતા નજીક હતા. જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ઈશ્વર આપને અને આપના કુટુંબને ઉજ્જવળ, કીર્તિમાન અને દીર્ઘાયુષી બનાવે તેવી પ્રભુ પ્રાર્થના..
તમારા વર્ષો જુના શિષ્યત્વનાં સંબંધ અને ભાવને નાતે કહીશ કે, અત્યારે જે કાર્ય કરો છો એ જ મારી ગુરુદક્ષિણા. તમે લખતા રહો અને સંગીતસાધના, ભક્તિ અને સાહિત્યમાં આગળ વધો એવી શુભેચ્છાઓ… તમારા ભાવને ધ્યાન માં રાખી ને હું મારા કુટુંબ વિષે માહિતી મોકલું છું.
અમે ચાર ભાઈઓ – ૧ (હું) – મારા બે પુત્રો, હિમાંશુ – ડી.પ્લાસ્ટિક, મનીષ – બી.કોમ. કોમ્પ્યુટર (૨) રતિલાલ – બી.એસ.સી, બી.એડ. સાયન્સ ટીચર, તેના બે પુત્રો દુષ્યંત- લંડન, મિહિર -૧૨ સાયન્સ (૩) ભરત – બી.ઈ.સિવિલ -પુત્ર ગૌતમ – ફૂડ એન્જીનીયરીંગ- વિદ્યાનગર, પુત્રી ૧૨ સાયન્સ (૪) સનત – બી.એસ.સી., બી.એડ. – પુત્ર કશ્યપ ૧૨ સાયન્સ ,પુત્રી ધો. ૮ .
બહેનોમાં વિજયાબહેન – એમ.એ.,બી.એડ.-કમળાપુર હાઈસ્કુલ જસદણ., ભાનુબહેન -બી.એસ.સી, બી.એડ.-શેઠ હાઈસ્કુલ .રાજકોટ, ગીતાબહેન -એમ.એ.રાજકોટ, શોભનાબહેન બી.એસ.સી. અમદાવાદ.
આમ તો અમારું કુટુંબ શિક્ષક કુટુંબ તરીકે જાણીતું છે. મારા દાદા રાજાશાહી વખતે શિક્ષક હતા, મારા પિતાજી પણ શિક્ષક હતા અને હાલમાં અમે ૮ ભાંડરૂ ( ૪ ભાઈઓ-૪ બહેનો )માંથી બે ભાઈઓ અને બે બહેનો શિક્ષક જ છીએ. મારા પિતાજીનું જીવન આધ્યાત્મિક હતું .અમારું બાળપણ હતું ત્યારે અને પોતાની હયાતીમાં અમારી કોઈ પણ ભૂલ કે નબળી બાબતને મમતા કે વાત્સલ્યને કારણે ક્યારેય ચલાવી લીધી હોય એવું યાદ નથી. તેઓ સિદ્ધાન્તવાદી અને સત્યના આગ્રહી હતા..શિક્ષકની સર્વિસ પછીનો મળતો સમય ચિંતન -મનન અને સારા પુસ્તકોનાં વાંચન માં જ તેઓ પસાર કરતા. અમારા ગામમાં એક સાચા માણસ તરીકેની એમની છાપ હતી જ. જુના શિક્ષકોનો પગાર બહુ ટૂંકો હતો એમ છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવી અમોને તેમને ભણાવ્યા,અમે આઠે ભાંડરૂ ડબલ ગ્રેજ્યુએટ છીએ અને સંસ્થા કે સરકારી લોન મેળવીને અમને ભણાવ્યા છે. બીજી કોઈ જ આવક ના હોવા છતાં સિદ્ધાંત ને ખાતર શિક્ષક તરીકે રાજીનામું આપી દીધું પછી થોડો સમય પ્રાઈવેટ માં ગૃહપતિ તરીકે કામ કરી ત્યારબાદ નિવૃત થઇ ગામની બહાર જે હનુમાનજીનું મંદિર- જે અપૂજ હતું, ત્યાં કલાકો સુધી ચિંતન-મનન ગીતાસ્વધ્યાય અને શાસ્ત્ર વાંચન કરી સમય પસાર કરતા અને તે મંદિર માં હનુમાનજી ની પૂજા આરતી કરતા..
હવે કુટુંબ નિર્વાહ ની મુશ્કેલી થઇ.હું ત્યારે કોલેજ ના પ્રથમ વર્ષ માં હતો ત્યારે અન્ડરગ્રેજ્યુએટને શિક્ષક ની જોબ મળતી અને મેં સ્વીકારી લીધી બાદ સર્વિસ કરતા કરતા કોલેજ -પ્રોફેસરની જોબ સુધી પહોંચી ગયો- અન્ય ભાઈબહેનો ને ભણાવ્યા.
પિતાજીનું “ભાગવદગીતા” પર વિશેષ ચિંતન-મનન અને અભ્યાસ હતો, ખાસ કરીને ‘અરવિંદ ફિલોસોફી’ તરફ તેમનું વધારે રીડીંગ હતું. સમય જતા ઘર કરતા મંદિરે વધારે સમય આપતા અને અવાર અનવાર અમને બધા ને કહેતા – ” મારા મૃત્યુ બાદ મને અગ્નિસંસ્કાર આપશો નહિ પરંતુ ગાડું શણગારી,તેમાં બેસાડી ખોળામાં ‘ગીતા’ આપશો અને ગીતાના શ્લોકો બોલતા બોલતા હનુમાનજી મંદિરે, મૂર્તિની સામેના ભાગમાં મને સમાધિ આપજો.” પિતાજીનું આ વચન અમે પાળ્યું છે , અમે જાતિએ પટેલ છીએ છતાં પિતાજીની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી છે. તેઓએ સરકાર પાસે થી ત્યાં ગીતા આશ્રમ બનાવવા માટે ચાર એકર જમીન મેળવી હતી.
આજે આ જગ્યામાં હનુમાનજીનું મંદિર છે, પિતાજીની સમાધિ છે. તેઓ ત્યાં દર વર્ષે , ગીતાજયંતી -માગસર સુદ ૧૧ ના ઉપવાસ કરી ‘ગીતાયજ્ઞ’ કરતા, અમને ત્યાં બેસાડતા અને કહેતા – તમને આજે નહિ સમજાય પણ મોટા થશો ત્યારે આની આસ પાસ રહેશો, જીવનમાં પ્રેરણા અને પ્રકાશ મળશે” તેઓનો જન્મ ગુરુપૂર્ણિમા ને દિવસે અને તેમની તિથી ગીતાજયંતી ને જ દિવસે જ આવે છે. ત્યારે એમના સ્મરણાર્થે, કુટુંબીઓ ભેગા થઈને ગીતાયજ્ઞ અને ગીતા સ્વાધ્યાય ભજન કરીએ છીએ. આ અમારી તીર્થભૂમિ બની છે.અને હનુમાનજીના જુના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું શરુ કર્યું છે. હજુમાન જયંતિ વખતે બટુકભોજન કરાવીએ છીએ. અમારી આ તીર્થભૂમિ ને લોકો ‘ગીતાઆશ્રમ’ તરીકે ઓળખે છે.
હાલમાં મારા નાના બે ભાઈઓ અને મારા બંને પુત્રો સુરત છે, ત્યાં પાવર લુમ્સ, ફાસ્ટફૂડ -કોલ્ડ ડ્રીન્કસ ની દુકાન અને સ્ટીલના કુકરનો એ વેપાર કરે છે, મારા માતુશ્રી તેઓની સાથે સુરત રહે છે. હાલ તબિયતને હિસાબે મેં સર્વિસ માં રાજીનામું આપી દીધેલ છે. હવે કોટડા-સુરત બંને જગ્યાએ થોડો થોડો સમય રહીશ અને શેષ જીવન સારી રીતે પસાર કરવા પ્રભુને પ્રાર્થના કરતો રહીશ ..સહુને પ્રભુના આશીર્વાદ મળે એવી શુભકામના..
– ધીરજલાલ ભૂતના સ્નેહ સ્મરણ અને હરી ૐ તત્ સત્ .
***
27 Responses to ગુરુવંદના…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments