Woman’s day Spacial…
***
કોયલનો ટહુકાર થયો ને જાહ્નવીએ આંખો ખોલી … બાપ રે … બહુ જ મોડું થઇ ગયું છે …. હું પણ ના જાણે કેવી રીતે તંદ્રામાં પડી હતી ..!! બપોર નમવા આવી હતી, શાર્પ ૪:૩૦ ને કોયલ નો ટહુકાર .. આ રોજનું હતું ..”મમતા” બાલાશ્રમની સંચાલિકા જાહ્નવીના ટેબલ પર સ્પેશીયલ મસાલા ટી આવી જ ગઈ હોય .. બાલાશ્રમના પ્રાંગણમાં જ આંબાનું વૃક્ષ હતું..ત્યાં કાયમ બપોરે કોયલ ટહુકે…સવારે પ્રાર્થનામાં બધા બાળકો પ્રાંગણમાં જ એકત્રિત થયા હોય, ત્યારે એ દરેક બાળકને પ્રેમથી મળતી.. પછી જ ઑફિસમાં પ્રવેશી બાળકોના લિસ્ટ પ્રમાણે એક એક બાળકની જરુરિયાતની નોંધ વિગેરેની ફાઈલ ચેક કરવામાં અને અન્ય સામાજીક કામોમાં વ્યસ્ત થઈ જાતી… દરરોજ બપોરે કોયલના ટહુકારે ઑફિસમાં ટી-બ્રેક હોય..!! પરંતુ આજે કોયલ નો ટહુકો થયો છતાં પણ ચા કેમ ના આવી ? તરત બેલ મારી પ્યુનને બોલાવી ચા માટે પૂછ્યું ..તો કહે કે મેડમ હું અંદર આવ્યો હતો પણ આપ નિંદ્રાધીન હતા ..!!! ..ઓહ.. જાહ્નવીને મનમાં હસવું પણ આવ્યું કે, આ પ્યુન મારી તંદ્રા ને નિંદ્રા કહે છે .. ! જો કે ગુસ્સો પણ આવ્યો કે ઓફીસમાં હું આવી રીતે તંદ્રામાં સરી પડું એ સારું ના કહેવાય .. આટલી બધી ડીસીપ્લીન ઘડીને સ્ટાફને તેમાં રહેવા ફરજ પાડું છું અને હું જ ..!! .. પરંતુ એ જાણતી હતી કે આજે ના છુટકે તંદ્રામાં જ સરી પડાય એવું હતું … બહાર થી એકદમ ગંભીર દેખાતી જાહ્નવીએ જીવનમાં ઘણું જ સહ્યું હતું .. પરંતુ એ બધું જ એક તિજોરીમાં બંધ કરીને એક નવું આવરણ પહેરીને નવા શહેરમાં તદન અલગ જ રીતે જીવન જીવવાનું નક્કી કરીને આવી ગઈ હતી .. બધું જ ભૂલી જવા માંગતી હતી .. પરંતુ .. આજે અચાનક જ પાંચ વર્ષ પછી .. તેણીની ભીતર એક ઉલ્કાપાત રચાયો …
હા… આજે પુરા પાંચ વર્ષ પછી મોબાઈલ પર એક મેસેજ આવ્યો .. એ જ જાણીતો નંબર .. જેને પોતે જ અજાણ્યો કરી નાખ્યો હતો .. પણ તેને મારો આ નંબર કેવી રીતે મળ્યો હશે ..? .. તેને એકવાર મળવા વિનંતી કરતો આ મેસેજ જાહ્નવીના ફેંસલા ને ક્ષણ ભર હલાવી ગયો … પરંતુ.. ના..!. જે ગલીમાં જાવું જ નથી ત્યાં પાછુ ફરીને જોવાનો જ શું મતલબ ..? હવે તો આ બાલાશ્રમના બાળકો જોડે અતુટ-અનોખાં બંધને બંધાઈ ચુકી હતી.. હજુ તો આગળ કંઈ વિચારે ત્યાં ફરી દરવાજા પર નોક થયું .. પ્યુન મસાલા ટી લઇ ને આવી ગયો.. સાથે જ ઘણી બધી પોસ્ટ અને કાર્ડ્સ .. આ બધું ચેક કરતા કરતા ચાઈ નો આનંદ લેવા ની ટ્રાય કરતી હતી પણ આ શું ? આજે આ મસાલા ટી કેમ ફિક્કી લાગે છે ? એક પછી એક પોસ્ટ ચેક કરી ને કાર્ડ્સ પણ જોયા … હમમમ .. ”હેપ્પી વુમનસ ડે” ના કાર્ડ્સ ..!! કેવી ખોખલી વાતો આપણાં ભારતીય સમાજમાં ઘર કરી ગઈ છે ? જ્યાં કોઈ ” સ્ત્રીને” સમજી જ નથી શકતું ત્યાં આવા દિવસો ઉજવાઈ રહ્યા છે ..! અને યાદ આવ્યું કે આજે તો રાતે નારી કલ્યાણ કેન્દ્ર માં ” સ્ત્રી સ્વાતંત્ર્ય ” વિષે સ્પીચ આપવા જવાનું છે … પરંતુ ના જાણે કેમ આજે મન નથી થતું ત્યાં જવાનું … શું અર્થ છે આ બધી સ્પીચ અને આવી બધી વાતો નો ..? સમાજ માં દરેક વસ્તુ, દરેક વાતો કે દરેક વિચાર, જેમ છે તેમ યથાવત છે .. કશો જ ફર્ક નથી પડતો .. ! .. આવી સ્પીચ થી કઈ નારીનું કલ્યાણ થયું છે કે થશે ..? …ત્યાં તો મોબાઈલ રણક્યો .. જોયું તો એ જ નંબર ..!!! જાહ્નવી એ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો .. થોડીવારમાં ઇન્ટરકોમ રણક્યો .. મેમ, નારી કલ્યાણ કેન્દ્રમાંથી આપના માટે કોલ છે .. જાહ્નવી એ ના છુટકે માધુરી બેન જોડે વાત કરવી પડી .. પરંતુ તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું બનાવી સ્પીચ કેન્સલ કરાવી … અને સ્ટાફમાં, બાળકોની સંભાળ ના અમુક સૂચનો કરી.. ઑફીસની બહાર નીકળી ગઈ ..
સુરજનાં કિરણો ઢળી રહ્યા હતા અને જુહુના દરિયા કિનારે સહેલાણીઓનો શોરબકોર દરિયાના મોજાઓમાં ભળી જતો હતો … જાહ્નવી પણ ત્યાં આવી … લોકોના ટોળાથી દુર જ્યાં બહુ ચહલ પહલ નહોતી એવી એક જગ્યા શોધી એ દરિયા તરફ મીટ માંડી ને બેઠી .. દરિયામાં આવતા ભરતી અને ઓટના મોજાઓને નિહાળતી રહી … પોતાના જીવનમાં પણ આવી જ રીતે મોજાઓ આવીને અફળાયા રાખે છે .. !!
….કેવો હતો એ દિવસ ..? જીવનમાં વસંતના પગરણ મંડાયા હતા જાણે કે ..! કલ્પના પણ નહોતી કે કોઈ તેને બેફામ ચાહી રહ્યું છે .. કોલેજના છેલ્લા દિવસે, કેન્ટીનમાં જ્યારે સમીર પોતાના પ્યારનો એકરાર કરવા આવ્યો ત્યારે એ તો બે ઘડી અવાચક થઇ ગઈ હતી .. કારણકે મિત્ર વર્તુળમાં સમીર ખૂબ જ ઓછું બોલતો .. પરંતુ જ્યારે તેણે એકરાર કર્યો ત્યારે જાહ્નવીને પણ ના સમજાયું કે શું ઉત્તર આપવો .. ! પછી તો ધીમે ધીમે બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો … જાહ્નવી પોતાને એકદમ ખુશનસીબ સમજવા લાગી …ને શુભ ચોઘડિયે બન્નેનાં લગ્ન લેવાયા .. શરૂઆતનાં દિવસો તો સ્વર્ગમાં વિહર્યા .. ધીમે ધીમે રૂટીન લાઈફમાં આવી ગયા ..એક તો સંયુક્ત કુટુંબ, અને શરુ થયા નાના નાના ખાટા-મીઠા ઝગડાઓ .. તે પણ બન્ને પોત પોતાના સ્નેહથી સોલ્વ કરી લેતા … પરંતુ બે વર્ષના લગ્નજીવન દરમ્યાન ઘણા મત-મતાંતરો થતા રહેતા, એવામાં ઘરમાં વાતો થવા લાગી કે, હવે તો બાળકની કિલકારીઓની જરૂર છે… કારણકે સમીરના મોટાભાઈના બાળકો મોટા થઇ ગયા હતા …પરંતુ જાહ્નવી કે સમીર આ બાબત મૌન જ રહેતા હોવાથી ઘરમાં બધા અકળાયા, છેવટે જાહ્નવીનું મેડીકલ ચેક અપ કરાવવાનું નક્કી થયું .. ત્યારે ડોકટરે જ કહ્યું કે બન્નેનું ચેક અપ જરૂરી છે … ત્યાર બાદ એક સપ્તાહ બધા ખૂબ જ ટેન્શનમાં રહ્યાં .. અંતે બન્નેનો રીપોર્ટ નોર્મલ આવ્યો .. બધાને શાંતિ થઇ .. આ વાતને પણ વર્ષ થઇ ગયું .. હવે બધાની ધીરજ ખૂટી .. સમીર પણ બિઝ્નેસ ટૅન્શન અને આ બધા કારણે, વાત વાતમાં જાહ્નવી પર ગુસ્સે થવા લાગ્યો .. જાહ્નવીને સમજાયું નહીં કે, આમાં મારો શું દોષ છે ? ઘરના લોકોનું માનસિક ટોર્ચરીંગ ચાલુ જ રહ્યું સાથે જ સમીરનું વિચિત્ર વર્તન ..!!! જાહ્નવી અકળાવા લાગી … એકવાર તેને કહ્યું પણ ખરું કે, આપણા નસીબમાં કદાચ આપણા બાળકનું સુખ નહીં હોય , તેથી પોતે બાળકને અડોપ્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી, તો સમીર ગુસ્સે થઈ ગયો કે રીપોર્ટ નોર્મલ છે તો એવી શી જરૂર છે ? .. અને ઘરમાં ફરી બીજા કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાહ્નવી પર દબાણ થવા લાગ્યું .. એ અકળાઈ ઉઠી … શા માટે ? શા માટે બધા મારા પર જ શક કરે છે ? મને જ ચેક અપ કરાવવાની ફરજ પાડે છે ? તેણે સમીરને પણ ફરી ચેક અપ કરાવવા કહ્યું … બસ… એ સાંભળીને સમીર નો ”મેન ઈગો” હર્ટ થયો.. પોતે જાણે કે સર્વગુણ સંપન્ન હોય એવી રીતે જાહ્નવીના ગાલ પર … સ… ટા …ક.. એક થપ્પડ ..ને ઉપરથી શબ્દોના પ્રહાર કરતો રહ્યો .. અને તેમાં પણ ઘરની લેડીઝ – માતા – ભાભી અને બહેનના વિચારો જ પ્રગટ થતા હતા .. જે જાહ્નવી સમજી ગઈ કે અત્યારે ઘરના સ્ત્રી પાત્રો જ સમીરના મગજ પર હાવી થઈને બેઠા છે .. એટલે દુ:ખ એ જ થયું કે સ્ત્રી જ સ્ત્રી ને સમજી શક્તી નથી ..અને જેણે મને એટલો સાચો પ્રેમ કર્યો હતો એ જ મને સમજી ના શક્યો ..!!! શું તેને પિતા બનવાના અરમાન છે તો મને માતૃત્વની ઝંખના નહીં હોય ..? મેં તેને અનહદ ચાહ્યો છે, એ મારી ચાહતને સમજવાની બદલે કાચા કાનનો બની ઘરના બીજા બધાની વાતોને સમર્થન આપે છે ..!! મારી સંવેદનાઓને – મારા સાચા પ્રેમને પણ માન નથી આપી શકતો ..!! મેં સમીર માટે શું શું નથી સહ્યું .. કૌટુંબિક ઘર્ષણની અમુક વાતો પણ પોતે ક્યારેય સમીર સમક્ષ વ્યક્ત નહતી કરતી, કારણકે સમીરને પોતાના કુટુંબ વિરુદ્ધ કશુજ સાંભળવું ગમતું નહીં ..સચ્ચાઈ ખબર હોવા છતાં …!! અને સાસરીમાં પોતે સમીરના પ્રેમ ખાતર જ તો બધું સહ્યું હતું … અને સમીરને પણ થોડી ઘણી ખબર તો હતી જ ને છતાં એણે જાહ્નવીને, ઘરમાં બધાનું સહન કરવા ફરજ પાડી હતી …!! …પરંતુ, સમીરે આજે આવા વર્તનથી જાહ્નવીનું દિલ તોડ્યું હતું …!! … કહેવત છે ને કે ”કાંકરીના માર્યા કદી ના મરીએ, મ્હેણાં ના માર્યા મરીએ ” અને સમીરના આ શાબ્દિક પ્રહારોથી ઘવાયેલી જાહ્નવી એ ત્વરિત એક નિર્ણય લઇ લીધો .. એક દિવસ વહેલી પરોઢે બધા ઊંઘતા હતા ત્યારે જેવો સમીર બિઝનેસ ટ્રીપ પર ગયો કે, તે પણ મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગઈ … અલબત એક ચબરખી છોડતી ગઈ કે મને શોધવાની વ્યર્થ કોશિશ ના કરશો … હું મારી સ્વેચ્છાએ આ ઘર છોડીને જઈ રહી છું ..! … મુંબઈ આવીને માસીને ત્યાં રહી જોબ શોધી ..જો કે ત્યારે પણ એના માથે ”બિચારી” ”બાપડી”ના લેબલ લાગ્યા જ કરતા હતા .. કારણ કે પરિણિત હોવા છતાં ”એક્લી” રહેતી હતી …!! આવા છે આપણા સમાજના નબળા વિચારો ..!!!!
… જોત જોતામાં પોતે ”મમતા બાલાશ્રમ” ની સંચાલિકા બનીને બાળકોમાં તન્મય બની ગઈ ..!! જાણે કે જિંદગીમાં કશું જ બન્યું નથી .. આ જ તેનું જીવન છે બસ ..!! ..
પરંતુ આજે અચાનક મોબાઈલની એક રીંગ અને મેસેજને લીધે તેણીના હૈયામાં ઉલ્કાપાત રચાઈ ગયો…!! રાત થઇ ચુકી હતી .. એટલે એ ત્યાંથી ઉભી થઇ … પરંતુ જેવી ઉભી થઇ કે સામે સમીર ..!!!! સમીરને પોતાની ભૂલ સમજાઈ હતી .. કેટલા સમયથી એ જાહ્નવીની શોધમાં હતો, અચાનક એક દિવસ ન્યુઝ્પેપરમાં આ બાલાશ્રમ વિશે જાહ્નવીનો ઈન્ટર્વ્યુ વાંચ્યો ને તરત મુંબઈ પહોંચી ગયો પણ ઑફિસમાં જવાની હિંમત ના ચાલી…જેવી જાહ્નવી બહાર નીકળી કે તે પણ તેની પાછળ અહીં સુધી આવી પહોંચ્યો.. તેને જોઇને જાહ્નવી જડવત બનીને ઉભી રહી .. પરંતુ તરત મક્કમ નિર્ણય લઇ ને આગળ ચાલવા લાગી.. સમીરે તેને બોલાવવા ઘણી વ્યર્થ કોશિશ કરી, પરંતુ.. જાહ્નવી જાણે કે કશું સાંભળતી જ નહોતી અને ટેક્ષીમાં બેસી ગઈ..!! સમીર, જાહ્નવીના નામની બુમો પાડતો ટેક્ષી પાછળ ખૂબ દોડ્યો .. પરંતુ … પહેલાં જેનું આગમન પોતાના જીવનને મહેકાવી રહ્યું હતું, આજે તેનું – તેના પ્રેમનું ગમન વિવશ થઇ અશ્રુભરી આંખોએ જોઈ રહ્યો ..!!
ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ .. વો ફિર નહીં આતે ..વો ફિર નહીં આતે .. ફૂલ ખીલતે હૈ.. લોગ મિલતે હૈ, મગર
પતઝડ મેં જો ફૂલ મૂરઝા જાતે હૈ વો બહારો કે આને સે ખીલતે નહીં .. કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ, વો કભી મિલતે નહીં .. કલ તડપના પડે યાદ મે જિનકી …રોક્લો રુઠ કર ઉનકો જાને ન દો …બાદમેં પ્યાર કે ચાહે ભેજો હઝારો સલામ .. વો ફિર નહીં આતે …ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉસકા નામ .. વો ફિર નહીં આતે ..!!
જ્યારે માનવીના જીવનમાં કોઈ એવું પાત્ર હોય છે… જેને લીધે પોતાનું જીવન મહેકતું લાગે છે પરંતુ ક્યારેક કોઈક ઈગો કે કોઈ પણ સંજોગવશાત એ તેને જ અવગણવા લાગે છે ત્યારે ખુદને ખબર નથી હોતી કે પોતે શું ગુમાવે છે !
માટે આ વાત ધ્યાનમાં લેવા જેવી છે –
”Respect the feelings of people who touched ur heart Bcoz, u will never know when they will just walk out of ur life and never come back”
કેટલું મર્મસ્પર્શી અને વાસ્તવિક છે !!
***
35 Responses to ગમન…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments