અનોખુંબંધન પર આ ઉપહાર મોક્લવા બદલ મિત્ર શ્રીજયભાઇ ભટ્ટ ( બંસીનાદ ) નો ખૂબ ખૂબ આભાર..
*
બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ? મૈત્રી, સ્નેહ અને લાગણીના પણ બંધનો હોઈ શકે ? અનોખી મૈત્રી હોઈ શકે ? અનોખી લાગણી હોઈ શકે કે દુનિયાભરના લોકો ને આવરી લેતો સ્નેહ હોઈ શકે ? એમાં બંધન કેવું ? કુદરતી રીતે જ એમને અનુભવવા અને માણવામાં મજા છે. એની મીઠાશ અનુભવતા અને માણતા જ આકસ્મિક રીતે વિશ્વાસના અનોખા બંધનમાં મૈત્રીની સુવાસ ચોતરફ ફેલાય છે, જીવન મધુરૂ બને છે. શ્રદ્ધા, વિશ્વાસ, ત્યાગ અને પ્રેમની મીઠાશ જ્યારે કોઈ પણ ‘બંધન’માં ભળે છે ત્યારે તે ‘અનોખું’ બની જાય છે, આનંદ આપનારું બની જાય છે. એમાં કોઈ ભાર લાગતો નથી. બધાં જ સંબંધો જ્યારે ભાર વગરના બની જાય છે ત્યારે એ અનોખા બની જાય છે, નિ:સ્વાર્થ બની જાય છે, અને બસ..પછી જીંદગીભર સ્નેહના અનુપમ મહાસાગરમાં માનવમન ભયમુકત બની આત્મિક આનંદના હિલોળા લેતું લેતું જીવનની દરેક ક્ષણને ચુસ્ત બંધનમાં રાખતું જણાય છે, અનોખા આનંદનો અનુભવ કરાવતું જાય છે. મૈત્રીના આવા બંધનમાં મુક્તિની અનુપમ મીઠાશ અંતરમાં ભાવભર્યા હિલોળા લેતી એ ક્ષણને અમર બનાવવાનો પ્રયત્ન કરતી જણાય છે.
જીવનમાં ઘણાં લોકો સાથ મુલાકાતો થાય છે, વાતો થાય છે, ઈ-મેલોની આપ-લે થાય છે, સાથે ચ્હા-નાસ્તો પણ થાય છે એ બધું સાચું પણ અમુક મિત્રો દિલમાં ખાસ વસી જાય છે, અને કોઈપણ અંગત વિષય પર એમની સાથે વાત પૂરેપૂરા વિશ્વાસ સાથે થઈ શકે છે. જયારે એ મિત્ર મળે ત્યારે બસ..પછી દિલ ખોલીને બધી વાતો કરી લઈએ. મૈત્રી, સરી જતી નદીની લહેરોની જેમ,જીવનની ક્ષણોની જેમ, સનાતન ગતિમાન છે. જેવી રીતે નદીમાં પત્થરોરૂપી કે આપણા જીવનમાં મુશ્કેલીઓરૂપી અવરોધો આવે છે તેવી રીતે આ સનાતન મૈત્રી પામવાની દિશા તરફ પણ ઘણી વાર અંતરાયો આવતાં હોય છે પણ શાશ્વત શ્રદ્ધા,વિશ્વાસ, સમર્પણ, સહકાર, પૂજા અને એકનિષ્ઠ પ્રેમ વડે એ બધાં અંતરાયો આપોઆપ દૂર થઈ જાય છે. મૈત્રીનો અમૃતમય સ્વાદ કાયમ માટે રહી જાય છે. એ સ્વાદ કે એની મીઠાશ કદી ભૂલાતાં નથી. સુંદર મૈત્રી માનવમનની કોમળતાને સ્પર્શી જઈ દિવ્યાનંદનો અનુભવ કરાવે છે. બંધનમાંથી અલૌકિક મુક્તિ તરફ લઈ જઈ રાધા-કૃષ્ણ કે પછી કૃષ્ણ-સુદામા જેવી નિર્મળ મૈત્રીની મધુરાશ હૈયામાં કોતરાઈ જાય છે. દિલ ખોલીને વાતો કરીએ છીએ પણ કોઇ વાર અચાનક એ મિત્રતા સમયના અવકાશમાં ઓગળી જાય છે ત્યારે મૌનના મહાસાગર માં જન્મ લે છે વિચારોનું અસ્તિત્વ. અને એ માંથી ઉદ્ભવે છે ઘોંઘાટ, મૈત્રી ગુમાવ્યાનો. ‘મૈત્રી’ શોધીએ છીએ, સમયના ઊંડાણમાં, પાછી મળે છે ત્યારે આનંદના દરિયામાં એ કિલ્લોલ કરે છે. અનોખી મૈત્રી અનંત બની રહે છે. કોઈ વાર ખોવાઇ જાય છે વિશ્વસનીય મન, લાગણીની લહાણી કરવા ઇચ્છતું મન એને પોતાનાથી અલગ થવા દેતું નથી.
ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે, જીવનનાં બે અમૂલ્ય રસાયણો હોય તો એ પ્રેમ અને પ્રવૃત્તિ છે. પ્રેમ તો તમે નસીબદાર હો તો મળે છે, પણ પ્રથમ શરત એ છે કે તમે પ્રેમાળ બનો. મારા જીવનમાં મેં આ વાત સતત યાદ રાખી છે. મનમાં ધિક્કાર રાખવા કરતાં ક્ષમાશીલ બનીને બીજા પ્રત્યે પ્રેમાળ બનો, વેરભાવ ન રાખો. ગુસ્તાવ ફલોબર્ટ નામના ફ્રેન્ચ લેખકે કહ્યું હતું કે કોઈ પણ કાર્યમાં સતત ડૂબેલા રહો તો તમને કદી જ જીવનમાંં અસંતોષ નહીં લાગે. સતત પ્રવૃત્તિ આપણા આત્માને મોજમાં રાખે છે. Constant work produce an opium that numbs the soul.
આગળ વાંચોઃ કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ / મુખ્ય વેબ સાઈટઃ ફીલિંગ્સ
માનવ પણ પોતાનુ સંકુચિતપણું છોડી મનની વિશાળતાને વધારી મૈત્રીભાવને વિસ્તારી વૈશ્વિક બનાવે, તો કદાચ ‘વેર, ઝેર, રાગ, અને દ્વેશ’ જેવાં શબ્દો કાયમ માટે શબ્દકોશમાંથી નીકળી જાય. જરૂર છે ‘વૈશ્વિક મૈત્રીભાવ’ ની અને મૈત્રીભાવથી બંધાયેલું અનોખું આંતરમન જગાડવાની ..
13 Responses to ઉપહાર…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments