મિત્રો આજે પ્રસ્તુત છે, મારી અતિપ્રિય એવી અને એક્દમ ” હ્ટકે ” કહી શકાય એવી નવિનતા ભરી આ રચનાઓ .. જેનાં રચયિતા છે, બ્લોગજગતના માનનીય કવિયત્રી શ્રીમતિ દેવિકાબહેન ધૃવ. જેમની દરેક રચનાઓમાં નાવિન્ય ભરેલુ હોય છે.. એમના બ્લોગ ”શબ્દોને પાલવડે” ને પાંચ વર્ષ પૂરાં થયા એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ..!
એમની ”શબ્દારંભે અક્ષર એક” શ્રેણીમાંની દરેક રચનાઓ ઉત્તમ છે.. અત્રે પ્રસ્તુત છે, મને પ્રિય એવી આ રચનાઓ … આશા છે આપને પણ ગમશે જ ..
……………………
ઝરુખેથી ઝુકી ઝરણા ઝુમે,
ઝુમક ઝુમક ઝાંઝર ઝુમે;
ઝરમર ઝરમર,ઝીણી ઝીણી,
ઝંખના ઝાકળભીની ઝમકે.
ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝુલે,
ઝુલ્ફ ઝળુંબી ઝાંપે ઝુલે,
ઝાંખી ઝલક ઝાંઝવાની ઝીલી,
ઝબકી,ઝટકી ઝીલ-શી ઝળકે.
………….
ગોરીના ગીતે ગગન ગૂંજ્યું,
ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું,
ગૂંથેલ ગજરે,ગર્વીલી ગાથા,
ગરબે ગવાતા,ગાંધર્વોને ગમ્યું.
ગૌરવર્ણાએ ગોવૃંદનું ગોતતા,
ગોપાલ ગોવરધનને ગમ્યું.
ગોતી ગોતીને ગોરસનું ગાતાં,
ગઝલમાં ગુલતાન ગવૈયાને ગમ્યું.
ગગનાંગનાની ગર્વિષ્ઠ ગ્રીવા,
ગજગામિની ગોપીઓને ગમ્યું.
ગુસ્સામાં ગાગરને ગોઠવીને ગાતાં,
ગુમાનધારી ગજેન્દ્રને ગમ્યું.
ગોરીની ગિરા ગલીએ ગવાતા,
ગુણવાન ગુરુજનોને ગમ્યું.
…..
પહેરી પાયલ પનઘટ પર,
પનિહારી પલકે પાંપણ પલપલ,
પાથરી પાનેતરનો પાલવ,
પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ…
પહેરી પટકૂળ પીળું પીતામ્બર,
પવન પગલે પૃથ્વી પથ પર,
પળમાં પહોંચે પ્રભુજી પાદર,
પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ…
પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર,
પનિહારી પામે પૈગામ પટપટ,
પહોંચી પામે પ્રીત પરબ પર…
પહેરી પાયલ પનઘટ પર,
પામે પાવન પ્રસાદ પલપલ,
પાડે પડઘા પરવત પરવત
પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ….
**************** **************** ****************
પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.
……
નાની બહેન સંગીતાને ઉપહાર રૂપે..
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે,
સાંવરી,સલોની,સુહાની સંગીતા,
સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..
સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,
સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,
સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,
સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.
સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,
સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે.
……
‘ળ‘ ન હોત તો ગોળ ગળ્યો ન હોત,
ને સઘળું સળવળતુ ન હોત;
‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત;
‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,
ને મેળે મેળાવડો ન હોત;
‘ળ‘ ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,
ને વાંસળી થી વ્યાકુળ ન હોત;
‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;
‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,
ને જળ ખળભળ ન હોત.
……….
ચાંદનો ચિરાગ ચમક્યો,
ચિતારાનો ચહેરો ચમક્યો;
ચાંદનીમાં ચાલતા ચિત્રમાં,
ચિત્તડાનો ચોર ચમક્યો..
ચોરેલી ચિનગારી ચિત્તચોરે ચાંપી,
ચોરે,ચૌટે ચર્ચાઓ ચાલી;
ચોમેર ચાંદનીમાં ચાલતાં ચાલતાં,
ચકોર ચૌલા ચક્ચૂર ચાલી..
ચંદનપુરની ચોળી ને ચુંદડી,
ચણક ચણોઠીશી ચૂડી;
ચીવટથી ચીંથરે ચીટકેલી ચીઠ્ઠીમાં,
ચકમકતી ચાહતની ચાંદી.
ચાહના ચકરાવે ચાતક ચોમાસે,
ચડ્યાં ચક્ડોળે ચકો ને ચકી;
ચોમેર ચોતરે ચૂવા-ચંદન,
ચોપાસ ચિક્કાર ચંપો-ચમેલી.
*************************************************************
એક ચિત્રકાર ચાંદનીમાં ચાલવા નીકળે છે.એના ચિત્તમાં ચાહતના કેટકેટલાં ચિત્રો ઉપસે છે ? એકસાથે તેને ચિત્તચોર,ચૌલા નામની નારી,ચાતક,ચકલો ને ચક્લી,ચૂવાચંદનની સુગંધ,ચંપો ચમેલી વગેરે ઘણાં ઘણાં ચિત્રો મન:પટ પર આવે છે. તેનો આ ચિતાર છે.
*****
21 Responses to ઉપહાર…( શબ્દારંભે અક્ષર એક )
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments