‘ અનોખુંબંધન ‘ માટે ખાસ મોક્લાવેલ આ ભેટ બદલ પ્રિય નીલમદીદી ( પરમ સમીપે ) નો ખૂબ ખૂબ આભાર…!..
..શબ્દોના સથવારે છલક્તું આ કેવું અનોખુ બંધન..!
ન જોયા, ન હળ્યા મળ્યા..તો યે કયાં રહ્યા અજાણ્યા ?
સ્નેહના બંધનથી જકડાયેલ,પ્રેમના વણાયા તાણાવાણા
ચેતુ, અમે સૌ તારા સ્નેહના અનોખા બંધનમાં બંધાણા.
નૂતન વરસે શરૂ થતાં વધુ એક નવા બ્લોગ..”અનોખુ બંધન” ને આવકારતા અનેક શુભેચ્છાઓ સાથે આનંદ. ગુજરાતી નેટવિશ્વ વિસ્તરતું રહે એથી રૂડુ બીજુ શું હોઇ શકે ? ચેતનાબહેને નાની બહેનના હક્કથી કંઇક લખી આપવાનો હુકમ કર્યો છે. તેને સર આંખો પર ચડાવવો જ રહ્યો ને ?
શું લખું ? એ પ્રશ્ન મનમાં ઉઠી રહ્યો છે. વાર્તા કે લેખ કે એવું કશું મારે લખવાનું છે..એવી સૂચના મળી છે. અચાનક મારા મનમાં આ ક્ષણે વીજળીની જેમ એક વિચાર ચમકે છે. અને આ રહ્યો એનો અમલ.ચેતના મને પૂરા અધિકારથી કહી શકી,”દીદી, તમારે લખવું જ પડશે મારે માટે..” આ કયો અધિકાર છે ? અમે બંને તો કયારેય મળ્યા નથી. એકબીજાને જોયા નથી..છતાં…! આ અધિકાર છે સ્નેહનો..લાગણીનો..આ બંધન અનોખુ નથી ? અનોખાબંધન નો આ અધિકાર છે તેવું નથી લાગતું ? નેટજગતનું આ બંધન કેટલા બધા લોકોને સ્નેહના તાણાવાણાથી જોડી રહ્યું છે. તો આજે હું લખીશ નેટવિશ્વના આ અનોખા બંધન વિશે.
આજે મને કેટલાયે નામો જરાયે અપરિચિત નથી લાગતા. કોઇને મળી છું..કોઇને નથી મળી છતાં સૌ પોતાના કેમ લાગે છે ? આ કઇ ભાવના છે ? સુરેશદાદા, વિજયભાઇ, વિશ્વદીપભાઇ, એસ.વી. ઉર્મિ, પ્રતીક,ચેતનાબહેન, ,નીલાબહેન,માનવંતભાઇ, અમિત, નીલેશભાઇ, નીતાબહેન, રાજેન્દ્રભાઇ,. ધવલભાઇ, વિશાલભાઇ….કેટકેટલા નામો ગણાવું ? બધા જાણે પોતાના જ છે.
અને જેમને એકાદ વાર મળવાનો મોકો મળ્યો છે તેવા શ્રી મૃગેશભાઇ, હરીશભાઇ, જુગલકાકા, વિવેકભાઇ, પ્રવિણાબહેન, પીન્કીબહેન,સર્જિત,મંથન,ભાવિન,શૈલ્યભાઇ, જયશ્રી. આવા પણ ઘણા નામો છે. આ બધા આ જે કેટલા પોતાના લાગે છે. આભાર..ગુજરાતીનો..નેટજગતનો કે .. જેના થકી બધાને મળવાની જાણવાની તક મળી. ચેતના, આ અનોખુ બંધન નથી ? કવિ શ્રી રમેશ પારેખના શબ્દોમાં કહું તો…મનપાંચમના આ મેળામાં સૌ જાત અને પોતાની વાત લઇ ને આવ્યા છે. બધા પાસે કંઇક આગવી વાત છે.આગવી વિશિષ્ટતા છે. કોઇને કવિતા આવડે છે..કોઇને ગાતા આવડે છે. કોઇ ટેકનીકલી સાઉન્ડ છે. કોઇ પોતાનો કીમતી સમયનો ભોગે પણ સૌને છંદ શીખડાવવા તત્પર છે. કોઇ વાર્તા કહે છે. કોઇ હાસ્યનો દરબાર ભરી ને સૌના ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કરતા રહે છે. કોઇ માનવતાને જાગૃત કરવાનો પ્રયત્ન પોતપોતાની રીતે કરતા રહે છે. કોઇ ગુજરાતી..માતૃભાષા વિષે ચિંતિત છે. કોઇ ચેતનાના સ્તરે..ઉંચે જવાની વાતો કરે છે. કોઇ આધ્યાત્મિકતા નો ગુલાલ વેરતા રહે છે. કોઇ કવિતા, વાર્તા,પ્રસંગો,રત્નકણિકાઓ વિગેરે સાહિત્યના અનેક પ્રકારો નો ગુલાલ કરે છે. કોઇ ટહુકાઓ ગૂંજતા કરે છે. કોઇ બાળકો માટે કાર્યશીલ છે. શું છે આ બધું ? અને કોઇ એકના મનમાં કોઇ પ્રશ્ન જાગે તો તરત જ જવાબ આપવા સૌ તત્પર. આ અનોખુ બંધન નથી તો શું છે ? કોઇ બંધન વિનાનું બંધન..એક અદીઠ જોડાણ..આમે ય જમાનો તો વાયરલેસનો જ ને ?
“ જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી..” કે પછી
નથી દુર્ભેધ્ય બંધનો કો’ સ્નેહના સમા
કાષ્ઠને શકતો કોરી અલિ, લાચાર પદ્મમાં “આ સ્નેહ ઉત્તરોતર વધતો રહેશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. હા, કયારેક કોઇ વિચાર અંગે મત મતાંતર તો થાય..પરંતુ એથી શું ? એક ઘરમાં પતિ પત્ની વચ્ચે પણ મતભેદ નથી થતા ? તેથી શું એ બંને વચ્ચે સ્નેહ નથી એમ કહી શકાય ? મતભેદ તો આવકાર્ય છે તો જ બધા ના વિચારો માણવા અને જાણવા મળે ને ? મનભેદ કયારેય ન થવો જોઇએ.અને એ નહીં જ થાય..એ શ્રધ્ધા છે. આખરે આપણે બધા એક જ ધ્યેય માટે કાર્ય કરીએ છીએ ને ? પધ્ધતિ દરેકની પોતાની આગવી .. અલગ હોય..એથી શું ?
ચેતનાબહેન ના “અનોખા બંધન “ ને ખૂબ ખૂબ…ખોબલે ખોબલે શુભેચ્છાઓ.આ બંધન સ્નેહનું બંધન બની રહે, નેટજગતમાં એ આસ્થા સાથે નેટવિશ્વના આ નવલા નજરાણાને દિલનો આવકાર.
***
નીલમ દોશી.
*****
11 Responses to ઉપહાર…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments