શ્રી કનકેશ્વરીય નમ:
જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ – સંગીત – સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!
શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ – પૂજા – સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!
શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો – ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!