home-purple

શ્રાવણમાસ…

શ્રાવણમાસનાં ઉત્સવો

tumblr_mmecd3zGuG1ro1o73o1_1280

माटी का शिवलिंग, माटी का संसार ।

माटी में माटी मिले, यही जीवतत्व का सार ।।

શ્રાવણ મહિનો એટ્લે ઝરમર વરસતા વરસાદનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે વરસતા વરસાદમાં મન અને હૃદયને પ્રેમથી ભીંજવવાનો સમય, શ્રાવણ મહિનો એટ્લે ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે હરિયાળા વૃક્ષો સાથે ઝૂમી ઝૂમીને નાચવાનો મહિનો. શાસ્ત્રો કહે છે કે બધાં જ નક્ષત્રોમાં એક માત્ર શ્રવણ નક્ષત્ર એવું છે જેમાં પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા આવતી હોવાથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે, ભગવાન શિવે સ્વયં સનતકુમારોને કહ્યું છે કે આ માસ મને અત્યંત પ્રિય છે તેનું કારણ એ છે કે આ માસ મને મળવા આવનાર ભક્તો માટે મુખ્ય દ્વાર છે આ ઉપરાંત બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે. ચોથું કારણ એ પણ છે કે આ માસ ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ ભગવન શ્રી કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે ઉપરાંત આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતાઓનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે. આપણાં સંતોએ શ્રાવણ શબ્દનું મૂલ્ય સમજાવતા કહ્યું છે કે શ્ર એટ્લે શ્રવણ કરવું, વ એટ્લે કે વંદન કરવું અને ણ અથવા ન એટ્લે નમન કરવું. શ્રવણ કરવું, વંદન કરવું અને નમન કરવું. તદ્પરાંત પ્રથમ શબ્દ શ્રા માં પણ ત્રણ શબ્દો મળેલા છે. તે છે સ+આ+ર. સ અને આ જોડીને બન્યો સા અને સ એટ્લે સાંભળવું, આ અર્થાત જે મૃત્યુ, ગર્ભાવાસ અને ઓછી આયુ રૂપી શ્રાપને દૂર કરે તે અને ર એટ્લે રમણ કરવું. જેના સ્મરણ માત્રથી અમૃત્યુ, ગર્ભાવાસ રૂપી દોષોને દૂર કરી નવજીવન રૂપી રમણનો આનંદ આપે છે તે. આમ શ્રાવણ મહિનામાં કરેલ પોતાના આરાધ્ય માટે કરેલ સ્મરણ, વંદન અને નમન દ્વારા સેવા કરવાથી જીવનમાં અનેકાનેક દોષો દૂર થાય છે. સંતો કહે છે કે આ મહિનો વરસાદનો મહિનો છે અને વરસાદ ફક્ત પોતે વરસતો નથી પણ પોતાના સંગમાં આવનાર પ્રત્યેક જીવોને રંગે પણ છે તેમ આ મહિનો ભક્તજનોનાં અંતર તારને ભક્તિ ભાવમાં ડૂબાડતો જાય છે.

3606192_f260

નાગપંચમી: શ્રાવણ માસ શરૂ થતાં જ સૌ પ્રથમ નાગપંચમી આવે છે આ ઉત્સવ શીખવે છે કે મનુષ્યો જેટલું જ મહત્વ ભારતીય સંસ્કૃતિમાં બીજા પશુ પ્રાણીઓનું પણ છે. આપણી સંસ્કૃતિએ પશુ, પક્ષીઓ, વન અને વનસ્પતિ સાથે આત્મીય સંબંધ જોડી તેને પૂજનીય બનાવ્યાં છે. જેમ ગાયને માતા સમજીને, વૃષભને પિતા સમજીને પૂજન કરવામાં આવે છે તેમ મધુરસ્વરની પ્રાપ્તિ માટે કોકિલા વ્રત દ્વારા કોયલ પક્ષીનું પૂજન કરવામાં આવે છે તેમ જ નાગ અને સર્પ જેવા પ્રાણીનાં હૃદયની વિશાળતા સમજીને તેનું પૂજન કરવામાં આવે છે ઉપરાંત નાગ એ ભગવાન ભોલેશંકરનો પણ સાથી છે આથી પણ શિવભક્તો નાગબાબાનું પૂજન કરે છે. સર્પ અને નાગનો મુખ્ય ખોરાક ઉંદર છે. આપણો દેશ ખેતીપ્રધાન છે અને આપણી ખેતીને નુકશાન કરનારા ઉંદરોનો આહાર બનાવીને સર્પ આપણી ખેતરોમાં થતાં પાકની રક્ષા કરે છે. ભગવાન દત્તાત્રેયે સર્પ પાસેથી પણ શિક્ષાનો ગુણ શીખીને તેમને ગુરુ માન્યાં છે. ભગવાન દત્તાત્રેયનાં ગુરુઓમાં સર્પનું પણ સ્થાન ગણાય છે. શાસ્ત્રો કહે છે કે સર્પ અને દુર્જનની સરખામણી કરીએ તો દુર્જન વ્યક્તિનું પલડું ભારી થઈ જાય છે. કારણ કે સર્પ તો એકાદવાર પોતાના દુષ્ટ સ્વભાવનો પરિચય કરાવે છે જ્યારે દુર્જન તો વારંવાર પોતાના દુષ્ટ સ્વભાવ બતાવે છે. સર્પનાં એ દુષ્ટ સ્વભાવને કારણે સમાજ ખરાબ નથી થતો પણ એ દુર્જન વ્યક્તિનાં દુષ્ટ સ્વભાવને કારણે સમાજ ચોક્કસ બગડે છે. આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે કે જે રીતે નાગ અને સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરે છે તેજ રીતે મનુષ્યોએ પણ પોતાના મોહ-મત્સરને ત્યાગી દેવા જોઈએ.

547195_168622279965299_1725199612_n

શીતળા સાતમ: શ્રાવણ માસમાં બે શીતળા સાતમ આવે છે. આ ઉત્સવ સમજાવે છે આપણાં જીવનમાં ચૈતન્ય ભરનાર સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યનું પણ આપણે પૂજન કરવું જોઈએ. આ દિવસે ગૃહનારીઓ પોતાના ઘરને ચૈતન્ય રૂપી ઉષ્મા આપનાર ચૂલા, સગડી, રેન્જ વગેરેની પૂજા કરે છે ભારતીય સંસ્કૃતિની એ મીઠાશ છે કે આપણે સૌ આપણાં કાર્યો સિધ્ધ કરનાર આપણાં સાધનોની ઉપેક્ષા નથી કરતાં. આજ કારણસર આપણે કલમ, ખેતીના ઓજારો, ઘરનાં વાહનો, પુસ્તકો વગેરેને ધન માનીને તેનું પૂજન કરીએ છીએ. જેમ આપણે માતપિતા, અને ગુરુનું પૂજન કરીએ છીએ તેમ આપણાં કર્મ સાધનમાં મદદરૂપ થતાં સાધનોનું પૂજન કરી તેમના પ્રત્યે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ.

images (27)

યજ્ઞૉપવિત દીવસ-રક્ષાબંધન-નાળિયેરી પૂર્ણિમા: “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ” જ્યાં સ્ત્રી પૂજાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે. દુનિયામાં એક માત્ર આપણી સંસ્કૃતિ એવી છે જ્યાં સ્ત્રીઓનું પૂજન કરવા જણાવેલ છે. વિશ્વમાં સ્ત્રી પુરુષનો સંબંધ પ્રકૃતિનાં અંત સુધી તે અનાદિ રહેશે. પરંતુ સ્ત્રી પુરુષનાં આ સંબંધોમાંથી સૌથી પવિત્ર નિર્મળ સંબંધ ભાઈ બહેનનો કહેવાય છે. વળી આપણી સંસ્કૃતિમાં ત્રણ દિવસ એવા છે જેને ભાઈ બહેનનાં પ્રેમને અર્પણ કરવામાં આવ્યાં છે. આ દિવસ એટ્લે રક્ષાબંધનનો દિવસ, વીરપસલીનો દિવસ અને યમદ્વિતીયાનો દિવસ. આ ત્રણેય દિવસ અનુસાર શ્રાવણ માસમાં આવતી પૂર્ણિમાને દિવસે બહેનીઑ પોતાના ભાઈઓની રક્ષા માટે તેની કુશળતા અને શત જીવન માટે પ્રભુને વિનંતી કરતાં ભાઈનાં કાંડે રક્ષા બાંધે છે, તેથી રક્ષાબંધન તરીકે ઓળખાય છે, આ દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞૉપવિત બદલતા હોવાથી યજ્ઞૉપવિત દિવસ તરીકે ઓળખાય છે અને આ જ દિવસે સાગર ખેડુઑ પોતાના સમુદ્રદેવનું પૂજન કરતા હોવાથી નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.

529739_590541377641177_378706264_n

જન્માષ્ટમી અને નંદત્સવ: ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણનો જન્મ આજ માસમાં થયો છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે પ્રભુ શ્રી કૃષ્ણએ આ માસમાં અવતાર લઈ શ્રાવણમાસનું મહત્વ પૂર્ણ કરી દીધું છે. ભગવાન કૃષ્ણએ અવતરવા માટે આ માસ પ્રસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે. પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે શ્રાવણમાસની કૃષ્ણ પક્ષની અષ્ટમીનાં દિવસે ચંદ્રની જેમ એક પગ પર ભાર મૂકી અને બીજા પગને વાંકોવાળી ત્રિભંગી નામ ધારણ કરી બાલકૃષ્ણ- શ્રી કૃષ્ણએ સંસારમાં પ્રાણ ફૂંક્યો છે. જ્યારે જીવનમાં અંધકાર વ્યાપી ગયો હોય, સંસારની આંટીઘૂંટી રૂપી વાદળોનો ગડગડાટ થતો હોય, નભદામિની ગરજતી હોય, મુશળધાર વરસાદ તૂટી પડ્યો હોય અને નિરાશા વાતાવરણને શુષ્ક બનાવી રહ્યુ હતું તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર ધારણ કરી અંધકારને દૂર કરી પ્રકાશની તિમિર ઝળહળતી કરી છે. બ્રહ્મપુરાણમાં કહે છે કે ભગવાન વિષ્ણુનાં અનેક અવતાર થયાં આ પ્રત્યેક અવતારે એક એક તત્વ, ગુણ અને ધ્યેયને માટે દૃષ્ટિ આપી પણ ભગવાન વિષ્ણુનો શ્રી કૃષ્ણનો આ અવતાર એ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયો છે જે સંસારમાં કૌસ્તુભમણિ તરીકે ઓળખાયો. યશસ્વી, મુત્સદી, યોધ્ધા, ધર્મ સામ્રાજ્યનાં ઉધ્ધારક, પ્રવચનકાર, ભક્તવત્સલ, જ્ઞાનીઑ, વિદ્વાનો અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને પૂર્ણ કરનાર પૂર્ણ પુરુષોત્તમ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કૃષ્ણનો અર્થ સમજાવતાં કહે છે કે “कर्षति आकर्षति इति कृष्ण” અર્થાત જે ખેંચે છે, આકર્ષે છે તે કૃષ્ણ છે. શાસ્ત્રો કહે છે કે જે સમયે ધર્મ સિધ્ધાંતોમાં નહીં પણ માત્ર પુસ્તકોમાં જ રહેતા હતાં તે સમયે કૃષ્ણ જન્મ્યા હતાં. શ્રી કૃષ્ણનું જીવન એટલું સુગંધિત અને સુવાસિત હતું કે તેઓને જે કોઈ જોતું તેમને તેઓ પોતાના લાગતાં હતાં, માતાઓને અને વૃધ્ધોને પોતાના પુત્ર સમાન લાગતાં હતાં, યુવાનોને મિત્ર લાગતાં હતાં, રાજાઓને રાજાધિરાજ લાગતાં, ભક્તોને ભગવાન, જિજ્ઞાસુઓને શિક્ષક સમાન લાગતાં હતાં. વ્રજ ઇતિહાસ કહે છે કે આતો ફક્ત મનુષ્યોની વાત થઈ પરંતુ વ્રજભૂમિ પર રહેલ તમામ પશુધનને પણ કૃષ્ણ પોતાના જ લાગતાં હતાં તેથી ગાયો વાછરડાને છોડીને કૃષ્ણ તરફ ભાગતી જતી હતી, મયૂરોને કૃષ્ણ પોતાના જેવા નીલવર્ણીય લાગતાં તેથી જ મયૂરો કૃષ્ણને જોતાં જ પંખ ફેલાવી નૃત્ય ચાલુ કરી દેતા હતાં, કોકીલ, દાદુર, બપૈયા વગેરે પક્ષીઓને કૃષ્ણ પોતાના જેવા સુમધુરા દીસતા હતાં તેથી તેઓ કૃષ્ણનું આગમન જેવુ વનમાં થાય કે તરત જ તેઓ તેમના સૂરમાં સૂર મેળવી દેતા હતાં. ગોકુળમાં કૃષ્ણ ૧૧ વર્ષ ૭ દિવસ અને ૫૨ ઘડી રહ્યા ત્યાં સુધીમાં કૃષ્ણએ અઘાસુર રૂપી પાપ અને બકાસુર રૂપી દંભને માર્યો, કાલીય નાગને હરાવ્યો અર્થાત વિકારી વિચારોનાં વિષને ફેલાવી રહેલા કાલીયાને હરાવ્યો, કૃષ્ણ પ્રેમને વશ થયેલા ગોકુળવાસીઓએ ઇન્દ્રયાગની વર્ષો જૂની પરંપરાને તોડી ગોવર્ધનપૂજાને અપનાવી. ગો અર્થાત ઉપનિષદ, ગો અર્થાત ગાય (દીનતા ધરાવતા જીવો) રૂપી પશુઓનું અને ઉપનિષદોનું વર્ધન કરી તેમનું પૂજન કરાવી ઇન્દ્ર રૂપી વૈભવનો અહંકાર તોડ્યો અને દીનતાને સ્થાન આપ્યું, ગોકુલમાં કૃષ્ણએ પ્રત્યેક ગોપીઓનાં ગૃહમાંથી ગોરસ ચોરી કરી છે. કૃષ્ણની આ ગોરસચોરી એ નિઃસાધન વ્રજ્ભક્તો ઉપર કૃષ્ણની કૃપા દર્શાવે છે, જ્યારે ગોરસ એ સારા અને શુભ વિચારોનો સાર છે. કૃષ્ણએ ગોકુલની ગોપીઓ સાથે ભળી જઈ તેમણે સ્ત્રી શક્તિને જાગૃત કરી તેમનાં સરળ મન અને ચિત્તની પણ ચોરી કરી છે.

આમ શ્રાવણમાસ આખોયે ઉત્સવોનો જ માસ ગણાય છે પણ તેમ છતાંયે હરહરિનાં ભક્તિ રસથી છલકાતાં આ માસને પૂર્ણતઃ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની સાથે સાથે અન્ય દેવીદેવતાઓને પણ સમર્પિત કરવામાં આવ્યો છે, તેથી આ માસમાં આવતાં પ્રત્યેક ઉત્સવ દીનની પ્રત્યેક ઘડીઓ શુભ અને મંગલમય માનવામાં આવ્યાં છે, અને આજ મંગલમય દિવસો, વિભિન્ન તિથિઑ, આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *