.. *.. મમતા ..*..
સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ …! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ…. આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી …તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..
“અરે તૃપ્તિ… જય શ્રીકૃષ્ણ …!!…”
“ઓહ, જય શ્રીકૃષ્ણ, આંટી…!!… ”
”આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..”
“હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી …
“હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!”
“અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને ..” કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ…
સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં…અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.
અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો…રૂડા માંડવડા રોપાયા હતાં… મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં…ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી…એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? …
શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું…. અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું… સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!…સમયનાં વહેણ વહેવા લાગ્યાં…સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો…! …પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો…આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો…! …
આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ…! અને સવારના પહોરમાં હવેલીમાં..???…. કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.
સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ… આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી …સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું…તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??…પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું…
એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી … તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે…અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે …. ખરુને તૃપ્તિ..?… ”
“હાં દીદી…એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું….. જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ…હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!…મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું…
તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી….મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ – કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે….!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે …પરંતુ આમાં શુભનો શું વાંક…??
..માનવ હક્કનું મુલ્ય અને “વહુ” નામનાં સભ્યની વેદના – સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..?
શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે “વહુ” રિબાતી હશે…! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી…!
કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત ‘વહુ’ તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ …!
કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!!
– સહલેખન –
ચેતના (ઘીયા) શાહ.
શિતલ (ઘીયા) માલવિયા.
*
આ લઘુકથા લખતી વખતે અમારી આંખો તો ભીંજાઈ ગઈ ને હૈયું દ્રવી ઉઠયું ..! આપનું હૃદય શું કહે છે ..?
*
45 Responses to મમતા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments