મિત્રો, શનિવાર, ૧૭ જુલાઈ ૨૦૧૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજાયેલ મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’ માં મુખ્ય અતિથી હતા ગુજરાતી સાહિત્યના ધ્યાનાર્હ કવિશ્રી કૃષ્ણ દવે.
ઠીક બપોરે ૨.30 થી ૪.30 કલાક દરમ્યાન ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) અને બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’ નું ઈલિંગ રોડ લાઈબ્રેરીમાં આયોજન કરવામાં આવ્યું હતું, તથા આશરે ૫૦ થી ૬૦ની સંખ્યામાં સાહિત્ય રસિકો દૂર દૂરથી આવીને ઉમળકાભેર હાજર રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં ધ્યાન ખેંચ્યુ હતું, શ્રી પ્રકાશભાઈ લાલા (અખંડ આનંદ)ના સહતંત્રીશ્રીએ. આમંત્રિત કવિ ઈલિંગ રોડના ટ્રાફિકમાં ફસાઈ જઈ મોડા પડવાને કારણે મજલિસ 15 મિનિટ જેટલી મોડી શરૂ થઈ લગભગ એટલી જ મોડી પતી હતી.
લાઈબ્રેરીના બન્ને ખુણાઓથી બેઠેલા શ્રોતાઓની ઝલક
ડાબેથી શ્રીવિપુલભાઈ કલ્યાણી (તંત્રી-ઓપીનીયન મેગેઝીન-લંડન), શ્રીપ્રકાશભાઈ લાલા (સહતંત્રી-અખંડ આનંદ), કવિશ્રી કૃષ્ણ દવે, સ્થાનિક વાર્તાકાર શ્રીઅનિલભાઈ વ્યાસ તથા શ્રીપંચમભાઈ શુક્લ.
આખીયે મજલિસ ચાર સ્પષ્ટ તબક્કાઓમાં આયોજિત કરવામાં આવી હતી:
૧) સ્વાગત, ૨) સ્થાનિક કવિ/બ્લોગર્સની રજૂઆત, 3) આમંત્રિત કવિનો પરિચય અને પઠન, અને ૪ ) સમાપન.
*
ડાબેથી શ્રી પંચમભાઈ, કવિશ્રી કૃષ્ણ દવે, અકાદમીના પ્રમુખશ્રી અનિલભાઈ કાગળવાળા.
૧) સ્વાગત
પ્રથમ તબક્કામાં લાઈબ્રેરીયન ઉષાબેન મહેતાએ લાઈબ્રેરીનો પરિચય સાથે ફાયર સેફ્ટી જેવા નિયમો પણ યાદ અપાવ્યા હતાં. અકાદમીના પ્રમુખ શ્રી અનિલભાઈ કાગળવાળાએ આમંત્રિત કવિ શ્રી કૃષ્ણ દવે સાથે સ્થાનિક કવિઓ અને ભાવકોનું સ્વાગત કર્યુ હતું. મહેમાન કવિને પ્રતીક યાદગીરી રૂપે અકાદમીનો અભિવાદન પત્ર અને અકાદમી સંપાદિત પુસ્તક ‘આચમન’ (સંપાદક: અનિલ વ્યાસ અને રમણભાઈ પટેલ) ભેટ ધર્યા હતાં.
૨) સ્થાનિક કવિ/બ્લોગર્સની રજૂઆત
બીજા તબક્કામાં, ચાર સ્થાનિક બ્લૉગર્સ/કવિઓ (નીરજ શાહ, ચેતના શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, અને પંચમ શુક્લ) રજૂ થયા હતા.
શ્રી નીરજ શાહ * ચેતના શાહ
સહુ પ્રથમ રણકાર ડૉટ કૉમ, (www.rankaar.com)ના સર્જક શ્રી નીરજભાઈ શાહે એમની ગુજરાતી કાવ્યસંગીતની વેબસાઈટની શરૂઆત/પ્રેરણા , વિવિધ સુવિધાઓ અને વ્યાપના આંકડાઓ રજૂ કર્યા હતાં. આ સાઈટ/બ્લૉગ દ્વારા તેઓની આંતરિક અનુભૂતિની ટૂંકી પણ સ્પષ્ટ રજૂઆત યુવાનો સહિત વડીલોને પણ આ નવા માધ્યમને ફંફોસવા લલચાવે એવી હતી [નીરજભાઈના વક્તવ્યની PDF].
ત્યાર બાદ પંચમભાઈએ સમન્વય ડૉટ નેટ (www.samnvay.net)ના સર્જક ચેતનાબહેન શાહ અને ભક્તિ-સંગીત-સાહિત્યનો સમન્વય કરેલી એમની સાઈટનો પરિચય આપી એમની એક કાવ્યકૃતિ રજૂ કરવા આમંત્રિત કર્યા હતા. ચેતનાબહેને ‘જીંદગી બદલી ગઈ’ શીર્ષક હેઠળ જીવનમાં પાંગરતા પ્રણયની અનુભૂતિ .. તારી પ્રેમ નીતરતી આંખો વણ કહી વાત કહી ગઈ … ને ચાર પંક્તિઓમાં દર્શાવીને પછી જીવનમાં અમુક તબક્કે આવતા પરિવર્તનથી જયારે સ્વપ્નો તૂટે છે ત્યારે થતી અનુભૂતિ ‘..પગરણ પાનખરના પડ્યા …. જન્મોજન્મના સંબંધ છૂટ્યા ..’ જેવી પંક્તિઓ ભાવવાહી રીતે રજૂ કરી શ્રોતાઓમાં કારુણ્યની લહેર વહેતી મૂકી હતી.
*
કવિશ્રી રમેશભાઈ પટેલ
ત્રીજા ક્રમે બ્રિટનમાં 55 જેટલા વર્ષોથી સ્થાયી એવા વડીલ કવિ શ્રી રમેશભાઈ પટેલ (‘પ્રેમોર્મિ’) એ મીઠી તરજ પર વિધાયક ભાવથી છલોછલ ભક્તિપદ જેવી ગીત રચના ગાઈ સંભળાવી ભાવકોમાં અનુગાંધીયુગનાં સૌંદર્યનો સંચાર કર્યો હતો.
આખરે પંચમભાઈએ એમની આગવી શૈલીમાં ગઝલ લેખની પ્રકિયાને બારીક રીતે તપાસતી ગઝલ ‘ગઝલ લખ’ પ્રવાહી અને સ્પષ્ટ સ્વરે રજૂ કરી આમંત્રિત કવિ સહિત શ્રોતાઓને અરુઢ શબ્દાવલિ અને છંદોલય દ્વારા એક અનોખાં ભાવવિશ્વની સફર કરાવી હતી.
3) આમંત્રિત કવિનો પરિચય અને પઠન
સહુ શ્રોતાજનોના સુંદર પ્રતિસાદ બાદ શ્રી પંચમભાઈએ આમંત્રિત કવિ શ્રી કૃષ્ણ દવે નો પરિચય આપ્યો.તથા એમના ત્રણ સંગ્રહો પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની’ વિષે માહિતી આપી ..કવિશ્રીની લેખન શૈલીના વૈવિધ્ય વિષે સુંદર વક્તવ્ય આપ્યું કે ‘.. જેમને એક ચોખટામાં બાંધી ના શકાય ..કે અમુક ચોક્કસ પ્રકારના કાવ્યો નહીં પરંતુ અલગ અલગ વિષય આવરી લઈને દરેક રચનાઓ રચે છે.. કટાક્ષ -વ્યંગ, ધાર્મિક , પૌરાણિક કે આપણી આજુબાજુ ઘટતી ઘટનાઓ જેમકે બોમ્બ બ્લાસ્ટ, ત્સુનામી કે ભૂકંપ જેવી ઘટનાથી સંવેદિત થઈને રચેલી રચના કે નેનો ટેકનોલોજી કે ચૂંટણી,ભ્રષ્ટાચાર -વિષે વ્યંગ , કારગીલ યુદ્ધ કે આત્મહત્યા-અંધશ્રદ્ધા ઉપર રચેલી રચના… !! કવિશ્રીએ ગુજલીશ ગઝલ પણ રચી છે .. ચિંતન -તત્વ દર્શન વિગેરે પણ એમની રચનાઓમાં હોય છે અને એકદમ સરળ શૈલીમાં લખેલી દરેક વાતોનો હાર્દ એમની રચનાઓથી આપણને સ્પર્શી જાય છે .. શ્રી પંચમભાઈએ, એ પણ જણાવ્યુંકે, કોઈ બ્લોગ પર એમણે કોમેન્ટ માં વાંચેલુ કે, આ કવિને આપણે કંઈ ઉપમાથી નાવાજીશું ? મોર્ડન મીરાં બાઈ ? નેટીઝન નરસૈયો ? ટેકનો પોએટ ? કવિશ્રીના દરેક સંદર્ભોમાં લખેલી રચનાઓ ( આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે… ઊગે છે.. ચાલને રમીએ પળ બે પળ..ચૂંટણી.. ચોમાસુ બેઠું.. નક્કી દુખે છે તને પેટમાં.. બે ઘડી વાતો કરી…માણસ છે, બીઝનેસ કરે છે… વાંસલડી ડૉટ કૉમ.. શું થયું મુંબઇ ?.. સરનામું… હે વિહંગ .. વિગેરે ) વિષે સુંદર રીતે માહિતી આપ્યા બાદ શ્રીપંચમભાઈએ મજલિસનો દોર કવિશ્રી કૃષ્ણ દવેના હાથમાં સોંપી દીધો…
યુવાકવિ અને જાણીતા બ્લોગર શ્રીપંચમભાઈ શુકલ (www.spancham.wordpress.com) આમંત્રિત કવિને જ કેન્દ્રમાં રાખી સુચારુ, મિતભાષી અને સમય વિવેક ભર્યું સંચાલન કરી શ્રોતાઓની પ્રસન્નતા પામ્યા હતા.
કવિશ્રીએ સ્થાનિક સાહિત્યિક પ્રવૃત્તિ વિષે પ્રસંગોચિત ટીપ્પણી કરીને એમની કાવ્ય યાત્રાનું ટૂંકું બયાન કર્યું. ત્યાર બાદ સતત કલાક સુધી એમના કાવ્યોનું પઠન કર્યું .. શરૂઆત એમની પ્રિય રચનાથી કરી .. ‘
‘મારી સાથે આવો .. લ્યો પહેરી લ્યો આ પવન પાવડી, શબ્દોની-છંદોની-લયની..આ ગીતોના પરિશુદ્ધ પ્રણયની ..
હું દેખાડું નર્તન એનું, કે જેની રુમઝુમ પગલીઓમાં, તમે તાલ મિલાવો,મારી સાથે આવો..!’
આ સુંદર રચનાથી શ્રોતાઓને પોતાના ભાવવિશ્વમાં પધારવાનું આમંત્રણ આપીને કાવ્ય-સફર શરુ કરી …
‘એક-બે પળ ઝ્ળહળ્યાં તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું..’
ઝાંઝવા છે બોર્ડ તો લટકાવીએ, એક-બે પાછા વળ્યા તો બહુ થયું..!!
પછી તો ગઝલો – બાળગીતોનો સીલસીલો ચાલ્યો …’ગઝલની ખરલમાં મને ખુબ ઘૂંટી, નિરાંતે નીચોવી નિતારીને બેઠા’…, ‘પરપોટા હાથમાં લઇ કહે કે, આની કેમ ઉખડતી નથી છાલ..?’ એ ઉપરાંત મહાભારતના પાત્રોના જીવન ચરિત્રને એક એક શેરમાં સમાવીને એમના નામ વિના જ આલેખીને સુંદર રસ દર્શન કરાવ્યું ..શિર્ષક હતું ‘માથાકૂટ છે’.
*
ત્યારે વહાવેલ કાવ્યરસને આપ અહીં વિડીયો પર, એમની લાક્ષણીક અદામાં માણી શકશો..
*
માથાકૂટ છે
માણસ છે બિઝનેસ કરે છે
આની રોજ રોજ હોય છે બબાલ
હાંફી ગયાને ?
એ પછી ગઝલ અને ગીતો રૂપી કાવ્યધારા વરસાવીને, એક પછી એક સુંદર બાળગીત રજુ કર્યા ..સન્નાટો, એક મંકોડે મિટીંગ બોલાવી વિગેરે .. તથા વિશ્વભરમાં જે રીતે આપણા ગુજરાતીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે ..એ વિષે એક સુંદર રચના દ્વારા ગુજરાતી પ્રજાની વાત કરી..
‘ઉગાડે એમ કદી ઉગવાનું નહિ ..આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ ..
હસવું જો આવે તો હસવું બેફામ ..આંસુ જો આવે તો લુંછવાનું નહિ..!
ઉંડે ને ઉંડે જઈ બીજું કરવાનું ? ધરવાનું આપણુ જ ધ્યાન ..!
કોઈ દેખાડે આમ, કે દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહિ ..!!!
અંતે તેઓશ્રીની સુપ્રસિદ્ધ અને સહુની પ્રિય એવી આ રચના ‘વાંસલડી ડૉટ કૉમ’ બધા મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા .. કવિશ્રીની સુંદર વાણીમાં ને એમના આગવા લહેકામાં એમની રચના માણવાનો આનંદ જ કૈક અદ્ભુત હતો..
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
*
શ્રી પ્રભાતદેવ ભોજક
ત્યારબાદ શ્રીપ્રભાતદેવ ભોજક દ્વારા સ્વરબદ્ધ, કવિશ્રીની જ એક રચના ”પ્રભાત” નું સંગીત સહ હળવું કંઠ્યગાન સાંભળ્યું..!!
‘સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રહું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર ..! ‘
આ સુંદર ગીત અને સંગીત સાંભળી વાતાવરણ સંગીતમય બની ગયું…
*
૪ ) સમાપન
અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન.
અંતમાં મહામંત્રી ભદ્રાબહેને, જે બ્રિટનના કવિઓ-લેખકોની કૃતિઓનું સંકલન કરેલ ‘આચમન’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે, એ પુસ્તક વિષે માહિતી આપી અને સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું.
આ સુંદર અને અવિસ્મરણીય મજલિસ હજુયે નજર સમક્ષ દ્રશ્યમાન થાય છે ..!!
***
ઋણ સ્વીકાર
***
ગુજરાતી સાહિત્ય અકાદમી. (લંડન)
બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ.
આલેખન પ્રેરણા – શ્રી પંચમ શુક્લ.
ટેકનીકલ સપોર્ટ – શ્રી નીરજ શાહ.
***
31 Responses to કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ (લંડન)…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments