વીણેલા મોતી…

By samnvay, May 31, 2010 7:44 pm

પ્રણય મિલાવી શકે છે એની અનોખી રીતે જીવન સિતારી
હૃદયના તારે ઉઠે જો દીપક, નયનનાં તારે મલ્હાર આવે…!

- શૂન્ય પાલનપુરી.

‘દીપક’ રાગ ગાવાથી અગ્નિ પ્રગટે અને ‘મલ્હાર’ ગાવાથી મેઘને આવવું પડે.. જીવન રૂપી સિતારના તાર પ્રણય વિના મળી શકે નહી પણ શરત છે કે, હૃદય રૂપી તારમાંથી ‘દીપક’ ના સૂર નીકળવા જોઈએ અને આમ થાય તો કોઈની આંખમાંથી ‘મલ્હાર’ ને વરસવું જ પડે..!

રસાસ્વાદ – રમેશ પુરોહિત.

રચાઇ જાય છે…

By samnvay, May 25, 2010 12:41 am

collage11

***

આજે પ્રસ્તુત છે, પ્રિય સખી દિગીશાની આ સુંદર રચના.. જે મનને સ્પર્શી ગઈ ..!!

રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..

અમારી હથેળીઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..

લાગણીઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,
પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..

લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,
ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..

વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે…!!!

રચયિતા – દિગીશા શેઠ પારેખ

વીણેલા મોતી…

By samnvay, May 19, 2010 1:32 am

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..!

હંસલા હાલો રે…

By samnvay, May 17, 2010 12:11 am

ફિલ્મઃ કસુંબીનો રંગ (૧૯૬૪)
સ્વર : લતાજી
સંગીત : કલ્યાણજી – આનંદજી
શબ્દો : મનુભાઇ ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીત જ્યારે પણ સાંભળું કે તરત ફિલ્મ ‘દો બદન’ નું ગીત ‘લો આ ગઈ ઉનકી યાદ ‘.. જે લતાજીના સ્વરમાં જ છે, એ યાદ આવી જાય .. બંન્ને ગીત માં અમુક અંશે સામ્ય હોય એવું મને લાગે છે.. એક આશાભરી યુવતીનો પ્રિયતમ, ખુબ રાહ જોવા છતાં પણ આવતો નથી ત્યારે હૈયામાં જે વેદના ઉદભવે છે, તે આ ગીતોમાં દર્શાવી છે .. અંતે ઈશ્વર પાસે પોતાની પ્રીતના દીવા ની જ્યોતનું રક્ષણ માગી ને, એ યુવતી અનંતની સફરે જવા તૈયારી કરે છે. ને હૈયાને ( હંસની ઉપમા આપી ) ધરપત આપે છે કે, ભલે આ કાયા બળી જાય પણ પ્રીત નહિ બળે.. અખંડ રહેશે ..!

શબ્દોને અનુરૂપ, દર્દીલા સંગીત ભર્યા, આ બંન્ને ગીતો સાંભળીએ ત્યારે આંસુઓને કોણ રોકી શકે ..?

*

હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે

ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયોરે ધીમો, માથે મેહુલાનો માર, દીવડો નહિ રે બળે … હંસલા હાલોરે હવે ..

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી – માટી ને મળે, પ્રીતડી નહિ રે બળે…હંસલા હાલોરે હવે …

હંસલા હાલો રે હવે, મોતીડા નહિ રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે
મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે

*

ઈશ્વર સાથે ચેટિંગ…

By samnvay, May 12, 2010 10:47 pm

***

આ વિષય મને બે ત્રણ વાર, ફોર્વર્ડેડ ઈમૈલ દ્વારા મળ્યો .. ! આ વાર્તાલાપ જે કોઈ વાંચે તેમાં ‘હું’ શબ્દમાં પોતાનું પ્રતિબિંબ દેખાય..!! કારણકે .. દરેક વ્યક્તિને આ બધા વિચારો આવ્યા જ હોય ..!!.. કોઈ વ્યકત કરે, કોઈ ના કરે, પરંતુ મનમાં આ બધા વિચારોનું મનોમંથન ચાલતું જ હોય ..ખરુને ? મને આ વાર્તાલાપ ખુબ જ સ્પર્શી ગયો અને ઈશ્વરના જવાબો પણ કેટલા સચોટ છે ?

લેખકશ્રીને અભિનંદન ..!!

***

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’

હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’

હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં‘ભગવાન’ કહેવડાવે છે.’

ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’

હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?

ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.

ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ,અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’

હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’

ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’

હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’

ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’

હું :‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’

ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી,પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’

ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ,તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ?ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’

ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’

હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ,પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’

ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !

હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’

ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’

ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’

ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’

ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’

હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’

ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’

ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’

ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ?ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’

ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી.

મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’

:- શ્રી ગોવિંદભાઈ શાહ

.

જનની ની જોડ…

By samnvay, May 9, 2010 12:55 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

શબ્દો – કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર

પાશ્ચાત્ય દેશોમાં ‘મધર્સ-ડે’ ની ઉજવણી થઇ રહી છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ કે જ્યાં સદાય ‘માં’ ને પૂજનીય માનવામાં આવે છે, એવી મહાન સંસ્કૃતિનું આ લોકગીત યાદ આવી જાય છે ..! કવિશ્રી બોટાદકરની આ રચના પાઠ્યપુસ્તકમાં પણ ભણ્યા છીએ.. ખરેખર .. જનનીની જોડ જડવી મુશ્કેલ છે ..!

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે !
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે!
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.!

*

Related posts -
મમતા
સુવર્ણ જયંતી
અમૃત ભરેલું
યે તો સચ હૈ કે
તું કિતની અચ્છી હૈ
માં મુજે અપને

*

રામનો ભરોસો…

By samnvay, April 25, 2010 1:17 am

બચપણથી સાંભળેલ આ ગીત હજુયે કર્ણપટલ પર સતત ગુંજ્યા કરે છે..! અવિનાશ વ્યાસ રચિત અને સંગીતબદ્ધ આ ગીત ફિલ્મ ”શેતલને કાંઠે” નું છે અને સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુર તથા મહેન્દ્ર કપૂરે ..

ભીતરનો ભરમ તારો, ઉપર વાળો એક જ જાણે.. અમથી ના કર ભીની તું આંખ ..!! .. કેવી સુંદર પંક્તિ છે ..!

આ ગીતમાં જીવન ને પ્રભુ ચરણે ધરી, એમનામાં શ્રદ્ધા રાખી, જીવવાનો સુંદર સંદેશ આપ્યો છે ..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,
ઓછું પડે એને કાંખનું કામ…જીવતરનું ગાડું હાંક ..સંસારી રે..

તારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય,
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય
હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક ..? ..જીવતર નું ગાડું હાંક .. સંસારી રે..

હે …કાપડ ફાટ્યું હોય તો તાણો નહીને તુંણીયે .. પણ કાળજ ફાટ્યું હોય.. તો કોઈ કાળે સંધાય નહીં …

કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ
મન મુકીને સોંપી દે તું, હરી ને હાથ લગામ
હે.. ભીતરનો ભરમ તારો, ઉપરવાળો એક જ જાણે ..
અમથી ના ભીની કર તું આંખ ..!… જીવતરનું ગાડું હાંક … સંસારી રે..

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

*

શુભ – અશુભ ?

By samnvay, April 16, 2010 8:45 pm

***

સુબોધભાઈ અને સરિતાબહેન મધ્યમવર્ગીય દંપતિ.. એકમેકનાં સાથ સહકારથી જીવન વિતાવતા હતા.. એમની અનમોલ સંપત્તિમાં એક પુત્ર અને એક પુત્રી .. બંને બાળકોનો ખુબ સારી રીતે ઉછેર કરી, સારા સંસ્કારોનું સિંચન કરી ભણાવ્યા .. સમય ને વિતતા ક્યા “સમય” લાગે છે ..? પુત્રી જલ્પા ગ્રેજ્યુએટ થઇ ગઈ એટલે સાસરે વળાવી.. પુત્ર જીગર હજુ કોલેજમાં હતો, ત્યાં સુબોધભાઈ શ્રીજીચરણ પામ્યા … સરિતાબહેન પર તો આભ તૂટી પડ્યું ..સુબોધભાઈ વિનાનું જીવન કલ્પી પણ નહોતા શકતા, પરંતુ ઈશ્વર પાસે લાચાર હતા..આમ જ દિવસો પસાર થયા ને જીગર પણ ગ્રેજ્યુએટ થઇ ગયો અને સારી કંપનીમાં જોબ મળી ગઈ .. માતા – પુત્ર હવે એકમેક નો સહારો હતા… સમય જતા જીગરનાં લગ્નની વાત ચાલી ..અને સુબોધભાઈના જ મિત્ર રમણભાઈ ની પુત્રી વિદ્યા જોડે લગ્ન લેવાયા .. લગ્ન સમયે બધી શુભ વિધિ જીગરની બહેન જલ્પાનાં શુભ હસ્તે સંપન્ન થઇ.. રંગે સંગે જાન માંડવેથી પરત આવી … ઘર આંગણે વરઘોડીયાને સત્કારવા અને પોંખવાની શુભ ઘડી આવી .. અને બહેન જલ્પા કળશ લઇ ને આગળ આવી ત્યાં જ જીગરે તેણીને રોકી .. દીદી.. આ શુભ કાર્ય આપણા મમ્મીનાં હસ્તક થાય એવી મારી ઇચ્છા છે .. ત્યાં તો સમાજ નાં અગ્રણી વડીલો કહેવા લાગ્યા કે, ના.. ! જીગર , … આ કાર્ય તારા મમ્મી દ્વારા નાં થાય.. એક વિધવા આ શુભ કાર્ય કરી શકે નહિ …આ કાર્ય તો સોહાગણ જ કરે ..!!

જીગરથી આ સહન નાં થયું .. અને તેનાથી વડીલો ને કહેવાઈ ગયું કે આજે સવારથી હું આ જ બધું સાંભળી રહ્યો છું .. ચાલો મારી દીદીનાં હસ્તક બધા શુભ કાર્યો કરાવ્યા એ સારું જ છે પરંતુ, જયારે પણ હું કોઈ વડીલને પૂછું તો કહે કે, મમ્મીથી ના કરાય…”

પરંતુ, હું પૂછું છું ..કેમ..? શા માટે ..? કોઈ માં પોતાના બાળકનું અશુભ કદીય વિચારતી હશે..? શું તે આ શુભ કાર્ય કરશે તો, મારી જિંદગીમાં કોઈ અપશુકન થઇ જાવાનું છે ..? અરે, મને તો મારું આ જીવન જ મારી માં નું દીધેલ છે .. જેમણે મને નવ- નવ મહિના પોતાના ગર્ભમાં, દુ:ખ -દર્દ વેઠીને પણ સલામત રાખ્યો, એ મારું શું અશુભ કરી લેવાની છે..? માં તો હમેશ પોતાના બાળકનું હિત જ ઈચ્છે છે.. શુભ ઈચ્છે છે.. માં નાં આશીર્વાદ તો હંમેશ શુભ જ હોય છે …!
જુવો, મને મારી મમ્મી પોંખશે , તો જ હું ઘરની અંદર પગ મુકીશ .. અંતે જીગરની ઈચ્છાને માન આપી સરિતાબહેને જ વરઘોડીયાને પોખ્યા .. અને સમાજનાં અગ્રણી લોકો બે ચાર વાતો કરીને છુટા પડ્યા ..

અત્યારે તો જીગર એક સફળ બીઝનેસમેન તરીકે ઓળખાય છે .. જીગરનાં બંને સંતાનો પણ પ્રખ્યાત યુનિવર્સીટીમાં છે ..વિદ્યા અને સરિતાબહેને સોશિયલ ગૃપ બનાવ્યું છે, ને સમાજ સેવાના કાર્યો કરે છે… જીગર -વિદ્યાના લગ્નને ( પોંખવાની વાતને ) આટલા વરસો વીતી ગયા છે …અને સર્વ મંગલમ હી મંગલમ ..!!

***

……………………………………………………………………………………………………………………………………………………………..

***

મીતાને એક સંબંધીને ત્યાં વહુના સિમંત પ્રસંગે જવાનું થયું… ખૂબ સરસ વાતાવરણમાં બધા ખુશીથી છલકતા હતા .. મીતા અને તેણીની પિત્રાઈ ભાભી પ્રિયા ઘણા સમયે મળ્યા એટલે એક તરફ બેઠા હતા અને એ બન્ને વચ્ચે નણંદ -ભાભી કરતા તો મૈત્રીપૂર્ણ સંબંધો વધારે હતા ..{ પ્રિયાનાં પતિનું લગ્નના અમુક વર્ષો બાદ તરત જ મૃત્યુ થયેલ અને પ્રિયા તો ઉમરમાં પણ નાની હતી, પરંતુ પોતે ફરી લગ્ન કર્યા જ નહિ..! } પ્રિયા અને મીતા વચ્ચે ઘણી વખત કોઈ ને કોઈ વાતોની ચર્ચા ચાલતી જ હોય .. એવામાં મહેમાનો વચ્ચે કોઈ વાત થઇ રહી હતી ..સિમંત પ્રસંગે પહેરવાની સાડી, દીકરી એ પહેલેથી ના જોવાય…પ્રસંગ વખતે જ જોઈ શકે એવી બધી વાતો વહુના કાકી કરી રહ્યા હતા ત્યાં જ વહુના સસરાએ કહ્યું કે અમે તો બતાવી છે હો..! તમારી જેમ એ અમારી પણ દીકરી જ છે અને તેને ગમે એવી જ લેવાની હોય ને ..? તમે લોકોએ કહેલું કે , અમારા તરફથી તમે સાડી લઇ લેજો એટલે અમે તો વહુને લઇ ને જ ખરીદી કરવા ગયા હતા ….!!

ત્યાં તો આ બધા રિવાજોની વાત ચાલી .. મીતા બોલી કે, કેવું છે નહિ..? આ બધા રિવાજો આમ કરાય , તેમ નાં કરાય …પ્રિયા એ તરતજ કહ્યું , હા અમુક વાતો તો સમજાતી જ નથી.. મીતુબેન, અત્યારે જુવો તો મારાથી કોઈ જ શુભ કાર્યો ના થાય ..હું કરું તો અપશુકન થાય … પરંતુ જો હું પુન:લગ્ન કરું તો એ બધા જ કાર્યો કરી શકું …હું શુભ થઇ જાઉ ..!!
મીતા પણ આ વાતને લઈને વિચારતી રહી કે રાજા રામમોહનરાયે સતી-પ્રથા તો નાબુદ કરી.. તેમ છતાં આ વળી કેવું ..?? જનારા તો બિચારા જતા રહે છે પણ તેની વિધવા તરીકે એક સ્ત્રી અશુભ .. અને એ જ સ્ત્રી બીજાની પત્ની બને તો શુભ..? સ્ત્રી તો એ જ છે… તેની અંદર રહેલો આત્મા તો એ જ છે .. તો આવા નિ:ર્દોષ આત્માનો શું દોષ ..? પરંતુ આનો જવાબ ક્યાંથી મળે..?..રિવાજ-કુરિવાજ…શુભ-અશુભનાં ચક્કરમાં સ્ત્રી બિચારી યુગોથી સપડાયેલી છે…!!!

*

વીણેલા મોતી…

By samnvay, February 23, 2010 12:20 am

ક્યારેક તારું નામ છે, ક્યારેક આહ છે
ક્યારેક હસતી છે, ક્યારેક ભીની નિગાહ છે
છે દર્દ ‘શાલીગ્રામ’ અને આંસુ ‘તુલસીદલ’
બારેય માસ મારે તો તુલસી-વિવાહ છે …

-શ્રી અમૃત ઘાયલ

સજના…

By samnvay, February 14, 2010 1:25 am

શબ્દો – પ્રજ્ઞાબેન વશી (આલ્બમ – સાતત્ય)

સ્વર : પાર્થિવ ગોહિલ, દ્રવિતા ચોક્સી

સંગીત : મેહુલભાઈ સૂરતી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેલેન્ટાઈન- દિને પ્રેમી હૈયાની સંવેદના ભર્યું આ ગીત પ્રસ્તુત છે..!

આ સુંદર રચના મોકલવા બદલ સંગીતકાર મિત્ર શ્રીમેહુલભાઈ સુરતી નો ખૂબ ખૂબ આભાર..!

કવિયત્રી પ્રજ્ઞાબેનની લાગણી-સભર આ રચનામાં રહેલી પ્રેમની હેલીને, પાર્થિવ -દ્રવિતાનાં સૂરીલા સ્વર અને મેહુલભાઈનાં સુમધુર સંગીત દ્વારા સુંદર રીતે વેગ મળ્યો છે.. વાંસળીના સૂર મનને ડોલાવી દે છે તો વાયોલીન ક્યાંક મીઠું-દર્દ વહાવે છે …શબ્દોમાં રહેલી સંવેદના હૃદય સ્પર્શી છે …ગીતનાં અંતિમ શબ્દો ‘સજના.. વે.. સજના…’ માં રહેલી પ્રેમની તડપ પાર્થિવ – દ્રવિતાએ અદભૂત્ત રીતે ઉપસાવી છે… સાંભળીને હૈયું હચમચી જાય છે ..!!

*

ધીરે ધીરે ધીરે વાય પવન જો,
ધીમે ધીમે ધીમે ગાય ગગન જો,

તું જો નહીં આવે સજના…સૂનું સૂનું લાગે સજના

ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું,

પતિંગીયાની પાંખો પહેરી આકાશે ઉડી જાઉં..!

સૂર્ય-કિરણને સેંથે પૂરી મેઘ-ધનું આકારું,

દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું…!

હું તડપતી રેત બનું ને… તું… ભીનું આકાશ થાને…!

તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના..

સાજ નથી, સરગમ નથી પણ તુજ સંગ મારે ગાવું,

ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું…!

રીમઝીમ રીમઝીમ હેલી થઇને મનમંદિર સજાવું,

વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું…!

ચાલને હું-તું છોડી દઈને એક-બીજામાં ભળીએ…!

તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના..

ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ગાય ગગન જો

તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના…….

સજના…….સજના…….સજના…….વે સજના…….સજના…….વે સજના…….સજના…….
સૂનું સૂનું લાગે સજના…….સૂનું સૂનું લાગે સજના…….સૂનું સૂનું લાગે સજના…….!!

*

સમર્પણ

વેલેન્ટાઈન સ્પેશિયલ

*

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin