Category: અન્ય રચના

બે પળ હશે…!

By , May 13, 2013 12:15 pm

 મિત્રો, આજે માણીએ ભરત કવિની એક સુંદર રચના..

Park-Foggy (1)

***

લાગણીની તો કોઇ કૂંપળ હશે,

ને ઝંખનાઓનાં જ શું મૃગજળ હશે.?

રાત રોવે છે પિયુ ને પામવા,

ને સવારે એટલે ઝાકળ હશે..?

ને વાવેતર કર્યુ એક શ્રધ્ધા તણું,

ને કણસલે આજ બેઠા ફળ હશે.

કે શક્યતાઓ નો અમલ પીધા પછી,

એ ચરણમાં તો અનેરુ બળ હશે.

કાગ બોલે રોજ મોભારે જુઓ,

વાટ જોતી આંખતો વિહવળ હશે.

શબ્દના તોફાનને કંડારવા,

જે થયા એ કલમ કાગળ હશે.

એક વાગે ઠેસ બસ મોટી અને,

જીંદગી બસ આંખોની બે પળ હશે.

***

 

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

મહેકતું ગુજરાત…

By , May 1, 2013 10:16 am

મિત્રો, આજે ગુજરાતનો સ્થપના દિન ..!!  આ મહત્વના દિને પ્રસ્તુત છે વિશ્વ ગુર્જરીનો સમન્વય ..!!   એટલે કે આ વતનપ્રેમની ભાવનાનાં ઐક્યની અનુભૂતિ આપ અહીં કરી શક્શો .. ! અલગ અલગ દેશોમાં રહેતાં ગુજરાતી - ભારતીય મિત્રોની વતન પ્રત્યેની  ભાવનાઓનો સમન્વય ..!!

 

Gujarat565

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

     ’મહેકતું ગુજરાત’

 રચના - કવિ શ્રી રમેશ પટેલ ( કેલીફોર્નિયા- યુ.એસ.એ.)

 રજૂઆત – ચેતના ઘીયા શાહ ( ખર્ટુમ સુદાન - આફ્રિકા )

ગાયકો – શ્રી દિલીપ ગજજર ( લેસ્ટર લંડન – યુ.કે.)   રોશની શેલત ( અમદાવાદ ગુજરાત- ભારત )

સંગીતકાર – શ્રી નારાયણ ખરે,  (અમદાવાદ ગુજરાત- ભારત) 

મિક્સિંગ અને માસ્ટરીંગ , ડી  ગજજર

***

ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત 

ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત

જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત

શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત

શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત

તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત

છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

જીવન…

By , April 29, 2013 11:13 am

943489_591984047486823_1644046693_n

સુપ્રભાત..મિત્રો..આજે આ લેખ મને સ્પર્શી ગયો..! 
 સમન્વય પર મૂકવાની સંમતિ આપવા બદલ શ્રી સુરેશભાઈ ગણાત્રાનો ખૂબ આભાર ..!!

***

જીવન જેવું પરમાત્માએ આપ્યું છે તેવું જ સ્વીકારી લેજો….

હું હૃદયરોગનો ડોક્ટર છું. હું અને મારાં પત્ની એક કારની હડફેટે આવી ગયાં. મારી બે પાંસળીઓ ભાંગી. અમે બંને હોસ્પિટલમાંથી સારવાર લઈ પાછાં ફર્યા ત્યાં મને એક ફોન આવ્યો. અપંગશાળામાં વસતો એક બાળક હૃદયની બીમારીથી પીડાતો હતો.

હું અપંગશાળાના પ્રાંગણમાં પ્રવેશું તે પહેલાં કેટલાંક બાળકો રમત રમતાં હતાં તે તરફ મારું ધ્યાન ખેંચાયું.

હું થંભી ગયો. પગે, હાથે અપંગ એવાં બાળકો દોડવાની હરીફાઈ કરી રહ્યાં હતાં. ઘડીભર પેલા બીમાર બાળકને વીસરી હું રમત જોવામાં મશગૂલ બની ગયો.

સંપૂર્ણપણે પગ ગુમાવી બેઠેલો એક બાળક એક ટુકડીનો નેતા હતો, જેની પાસે બંને પગ ગુમાવેલા કે રાંટા પગવાળા પાંચ બાળકો હતાં તો બીજી બાજુ પણ બંને પગ ગુમાવેલા છોકરાના નેજા નીચે એવાં જ પાંચ બાળકો હતાં. બંને ટુકડીઓનાં બાળકોએ સામી દીવાલને અડી જવાનું હતું.

અપંગોની આ દોડવાની રેસ હતી. આ રમત નિહાળવા બીજા કેટલાયે અપંગ બાળકો આજુબાજુ ઊભાં હતાં. એમના મોંમાંથી નીકળતી હર્ષની કિલકારીઓ, રમતવીરોને પાનો ચડાવવાની થતી બુમરાણ, ખિલખિલાટ હાસ્ય, આનંદ અને ઉત્સાહની વચ્ચે આ હરીફાઈ શરૂ થઈ અને પૂરી થઈ.

દોડતી વખતે કોઈ પડ્યું હતું, એકબીજા જોડે અથડાયું હતું, ફરી ઊભા થઈ ઉત્સાહથી દોડતું હતું. કોઈના શરીરે ઉઝરડા થયેલા. પરંતુ કોઈને એ અંગે ફરિયાદ નહોતી. ઉત્સાહ અને આનંદથી સૌ ફરી એ બીજી રમતમાં જોડાવા તૈયાર થઈ જતાં હતાં.

બાળકોને પંગુતા હતી, એની જાણકારી પણ હતી; છતાંયે એ બધાં જીવન જીવતા હતા. જેવું મળ્યું હતું એવું જીવન એ માણી રહ્યા હતા. જીવન જીવવામાં એમનો આનંદ અનેરો હતો.

મને થયું, જિંદગી એટલે શું સાજા સમા હોઈએ ત્યારે જ કરાતો આનંદ? એ પ્રાપ્ત ન થાય ત્યારે થતાં દુ:ખ-ગ્લાનિ? ના, આ અપંગ બાળકોનો જીવવાનો આનંદ તો કંઈક અનોખું જ દર્શન કરાવતો હતો. જીવન જેવું મળ્યું છે, એનો ઉત્સવ મનાવી લો.

હોસ્પિટલના બિછાને પડ્યો હતો ત્યારે હું દુ:ખ, ગ્લાનિ અને પીડાને જુદી જ રીતે મૂલવતો હતો ! દુ:ખ અને પીડા આપવા બદલ પરમાત્માને કોસતો હતો. મને થયેલા એ દુ:ખની સામે આ બાળકોનો આનંદ તો જુઓ?

આ બાળકોએ મને ચીંધ્યું કે જીવનમાં તમને શું નથી મળ્યું એ અગત્યની બાબત નથી, પરંતુ તમને પરમાત્મા તરફથી શું મળ્યું છે એ જ અગત્યનું છે.

આ જીવન આપણે પરમાત્મા પાસે માગ્યું ન હતું, તે આપણને પરમાત્મા તરફથી પ્રસાદરૂપે મળેલું છે. જીવન જેવું પરમાત્માએ આપ્યું છે તેવું જ સ્વીકારી લેજો. સ્વીકારભાવમાં જ સુખ છે.

ઉપરની સત્ય ઘટનામાં આપણે જોયું કે અપંગશાળાના તે બાળકોને જેવું જીવન મળ્યું તેવું તેમણે સ્વીકારી લીધું અને પરિણામ સ્વરૂપ તેમનું જીવન ઉત્સવરૂપ બની રહ્યું.

સ્વર્ગના તમામ સુખો આપીને જ પરમાત્માએ આપણને આ અસ્તિત્વમાં મોકલ્યા છે; જો આપણી દ્રષ્ટિ જે આપણી પાસે નથી, તેના તરફ જ મંડાયેલી રહેશે તો આપણું જીવન નર્કથી પણ બદતર બની જાશે. માટે, પરમાત્માને કહેજો –

દુ:ખ ભલે હો મેરુ સરખું, રંજ એનો ન થાવા દેજે;
રજ સરખું દુ:ખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે…

અસ્તુ… … … … … … … … … – સુરેશ ગણાત્રા
(રીડર્સ ડાયજેસ્ટમાં છપાયેલ એક આર્ટિકલ પરથી સાભાર)

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

હસ્તાક્ષર…

By , April 4, 2013 12:07 pm

ABC***

મિત્રો .. આજે આ સુંદર રચના માણીએ..

જે લોકો વતનથી દૂર હોય એમને તો, વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર.. ખરૂને ?

અને વતનની યાદ એક જ ફૂંક મારી, કલ્પના રૂપી બંસરી વગાડીને વતનનાં અનેક દ્રશ્યોને સજીવન કરી દે..!!

વતનમાં અનુભવેલી અનેક ઘટનાઓનું આલેખન જાણે કે, સ્વર અને અક્ષર દ્વારા થાય..

ને બંસરીનાં સૂર સાથે આલેખેલા એ શબ્દોનાં સહિયારાં હસ્તાક્ષર, આપણા અંતરનાં પાને હળવેથી અંકાય જાય ..!!

***

{ આ રચનાની Mp3 મોકલવા બદલ મિત્ર શ્રી નિરજ ભાઈ શાહનો ખૂબ આભાર }

સ્વર – જગજીત સિંઘ

આલ્બમ – હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર
સૂર-શબ્દના થાય હૃદય પર, સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર..!

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર
ફૂલ-ફૂલની ઓળખ લઇને, ખુશ્બુ વહેતી ઘર ઘર
સમય ભલેને સરી જાય પણ, અમર રહે સ્વર અક્ષર
સૂર-શબ્દના થાય હૃદય પર, સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર..!

એક જ નાની ફૂંક વહે ને, એક બંસરી વાગે
એક જ પીંછીં રંગ ભરે ને, દ્ર્શ્ય સજીવન લાગે
કંઠ એક જો બને પૂજારી, ગીત બને પરમેશ્વર
સૂર-શબ્દના થાય હૃદય પર, સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર..!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

બદલાવ…

By , March 1, 2013 10:05 am

541957_398188483572290_1546432485_n

મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઈના લેખ હંમેશ પ્રેરણાદયક હોય છે.. આજે  માણીએ એમના શબ્દોમાં એમના વિચારો..!

***

કોઈ માણસ કાયમ માટે એકસરખો નથી રહેતો
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારામાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે
-ગની દહીંવાલા

ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અને વાવાઝોડાનું આયુષ્ય પણ લાંબું નથી હોતું. ગુલાબની સાથે કાંટા પણ ખીલવાના જ છે અને ગુલાબની પાંદડીઓ પણ ખરવાની જ છે. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે.

બધું જ બદલાતું હોય તો પછી માણસ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે? સમયની સાથે માત્ર ઉંમર નથી વધતી પણ ઘણું બધું વધે છે. ઉંમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણું બધું ઘટે પણ છે. ઓટ અને ભરતી એ માત્ર દરિયાનો નિયમ નથી, જિંદગીનો પણ એ જ નિયમ છે. સવાલ એ હોય છે કે ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો? ઓટથી દરિયાની પહોળાઈ કદાચ થોડીક ઘટતી હશે પણ દરિયો એની ગહરાઈ ગુમાવતો નથી. તો પછી માણસ કેમ એના ખરાબ સમયમાં ‘ગ્રેસ’ ગુમાવી દેતો હોય છે?

પ્રેમ પત્ર અને ડિવોર્સ પેપરમાં સહી એકસરખી જ હોય છે. ઘણી વખત તો પેન પણ એ જ હોય છે, માત્ર આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક બદલાયેલી હોય છે. જેને પ્રેમ કર્યો હોય એ જ અચાનક ઝેર જેવા લાગવા માંડે છે. સોગંદ, ખાતરી, ભરોસો, વિશ્વાસ અને બીજું ઘણું બધું અચાનક જ દફન થઈ જાય છે અને નફરત, અવિશ્વાસ, રોષ અને બદલાની ભાવના ઊગી નીકળે છે. જે લોકો સમયની સાથે ચાલી નથી શકતા એ પાછળ રહી જાય છે. પરિવર્તન ન સ્વીકારીએ તો પતન નિશ્ચિત છે. સવાલ એ હોય છે કે બદલાયેલી પરિસ્થિતિમાં તમે કેવા રહો છો?

એક ઝેન સાધુ હતા. ગામના પાદરમાં નાનકડું ઝૂંપડું બનાવીને સાધુ રહેતા હતા. એ ગામમાં એક કુંવારી છોકરી ગર્ભવતી થઈ ગઈ. આખા ગામમાં દેકારો મચી ગયો. છોકરી સાથે કોણે કુકર્મ કર્યું? આખી વાત ગામના પંચ સુધી પહોંચી. ન્યાય કરવા માટે પંચ બોલાવાયું. ગર્ભવતી છોકરીને પંચ સમક્ષ હાજર કરવામાં આવી. છોકરીને પૂછવામાં આવ્યું કે તારા પેટમાં જે બાળક છે એ કોનું છે? કોણે તારી સાથે આવું કર્યું? તું એ પાપીનું નામ આપ એટલે અમે તેને સજા કરીએ.

પંચ સમક્ષ એ છોકરીએ કહ્યું કે, મારા પેટમાં જે બાળક છે એ ગામના પાદરમાં રહેતા ઝેન સાધુનું છે. આખું ગામ ભેગું થઈ ગયું. ઉશ્કેરાયેલા બધા જ લોકો ઝેન સાધુના ઝૂંપડે પહોંચ્યા. ઝેન સાધુને માર માર્યો અને ઝૂંપડું સળગાવી દીધું. સાધુનો ગામ નિકાલ કર્યો. સાધુ કંઈ જ ન બોલ્યા. ન તો છોકરીના આક્ષેપનો વિરોધ કર્યો કે ન તો તેની વાતની સંમતિ આપી. ઘવાયેલા શરીરે અને લંગડાતી ચાલે એ ગામ છોડી ગયા અને જંગલમાં જઈ નવું ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા.

સમય પસાર થયો. છોકરીએ બાળકને જન્મ આપ્યો. અચાનક જ એક દિવસ છોકરી પંચ સમક્ષ આવી અને કહ્યું કે, આ બાળક તો મારા પ્રેમી એવા ગામના યુવાનનું છે. અમે બંને સમાજથી ડરી ગયાં હતાં. આ બાળક કોઈનું કુકર્મ નથી. પણ અમારા નિર્દોષ પ્રેમનું પરિણામ છે. મને અને મારા પ્રેમીને અમારી ભૂલ સમજાઈ છે. હું પંચને વિનંતી કરું છું કે અમારા બંનેનાં લગ્ન કરાવી દે અને મારા બાળકને પિતાનું નામ અને પ્રેમ અપાવે.

પંચે બંનેનાં લગ્ન તો કરાવી દીધાં પણ સાથોસાથ પંચને એવું થયું કે આપણે પેલા નિર્દોષ સાધુને કોઈ ભૂલ વગર સજા આપી એનું શું? જેનો કોઈ વાંક ન હતો એને આપણે માર માર્યો અને તેનું ઘર સળગાવી દીધું. ગામના બધા જ લોકો જંગલમાં જઈ ઝેન સાધુને મળ્યા. સાધુની માફી માંગી. ગામમાં પાછા પધારવા આજીજી કરી અને વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા.

પંચના એક માણસે સાધુને પૂછયું કે તમે કેમ કંઈ ન બોલ્યા? તમને ગુસ્સો ન આવ્યો? તમારી સાથે અન્યાય થયો તો પણ તમે ચૂપ રહ્યા? સાધુએ હસીને કહ્યું કે, એ તો સમય હતો જે બદલાયો હતો પણ હું સમય સાથે શા માટે બદલું? આ એ જ લોકો છે જે મને અત્યારે વાજતે ગાજતે ગામમાં લઈ જાય છે અને એ બધા પણ આ જ ગામના લોકો હતા જેણે મને માર મારીને ગામમાંથી કાઢી મૂક્યો હતો. સમયના એવા ઘણા સવાલો હોય છે જેના જવાબ માત્ર સમય જ આપી શકે. તમે એના જવાબ આપવા જાવ તો પણ કોઈ સાચા ન માને. મહત્ત્વનું એ જ હોય છે કે તમે સાચા હોવા જોઈએ. સમયની સાથે બધું બદલાય છે એ સાચું પણ તમે કેવા રહો છો એ મહત્ત્વનું હોય છે. ઘણા લોકો સમયની સાથે વળી જતાં હોય છે અને પછી સીધા થઈ શકતા નથી. ગરમીમાં લોખંડનો સળિયો વળી જાય છે પણ ઠંડીમાં એ પાછો સીધો થઈ શકતો નથી. ગરમી તો આવે ને જાય, તમે ઝૂકી કે વળી ન જવા જોઈએ.

સમયની સાથે બદલવું જોઈએ એ સાચું પણ આપણી જાત તો હોય એવી જ રાખવી જોઈએ. ગમે તે થાય મારા અમુક ગુણો અને અમુક નિર્ણયો સાથે હું કોઈ સમાધાન નહીં કરું. એ વાત સાચી કે જિંદગીને વહેવા દેવી જોઈએ પણ સાથોસાથ એ વહેણનો અંત ક્યાં છે એ પણ વિચારતા રહેવું જોઈએ. ઝરણું વહીને તળાવ કે નદીને મળે તો જ તેની સાર્થકતા છે, તેનું વહેણ ગટરમાં ન જવું જોઈએ. કેટલું બદલવું, ક્યારે બદલવું અને શું બદલવું એ જ અંતે તમારી ઓળખ બનવાનું છે.

સમય સાથે સમજણ વધવી જોઈએ. આપણી તકલીફ એ હોય છે કે જ્યાં બદલાવાનું હોય ત્યાં આપણે બદલાતાં નથી અને જ્યાં બદલાવાનું ન હોય ત્યાં આપણે બહુ ઝડપથી બદલાઈ જતાં હોઈએ છીએ. માત્ર થોડાક સ્વાર્થ અને થોડીક લાલચમાં આપણે આપણું સ્વાભિમાન અને આપણું અસ્તિત્વ સુધ્ધાં નેવે મૂકી દઈએ છીએ. યાદ રાખો, જે લોકો વારંવાર બદલાઈ જતાં હોય છે એ બહુ ઝડપથી બટકી જાય છે.

સાચા બદલાવનો સ્વીકાર કરો અને ખોટા બદલાવ સામે સ્થિર અને સક્ષમ રહો. જતું કરવું એ પણ એક જાતનો બદલાવ જ છે. આશ્ચર્યની વાત એ છે કે માણસ તેની ખરાબ પરિસ્થિતિ કરતાં સારી પરિસ્થિતિમાં વધુ બદલાઈ જાય છે. થોડીક સંપત્તિ વધે કે થોડોક હોદ્દો ઊંચો જાય એટલે માણસમાં ગુમાન આવી જાય છે. હવે હું પહેલાં જેવો નથી, હવે હું મોટો માણસ થઈ ગયો છું. મારું સ્થાન ઊંચું છે. ઘણા લોકોનું સ્થાન જેમ ઊંચું જાય તેમ એની જાત નીચી પડતી જતી હોય છે. સ્થિતિ બદલાય એટલે રહેણીકરણી થોડીક બદલાય એ સ્વાભાવિક છે. પણ બેઝિકલી માણસ જેવો હોય એવો જ રહેવો જોઈએ. નવું અપનાવો પણ જૂનું જે સારું છે એને ગુમાવી ન દો, કારણ કે જે જૂનું છે એ પરખાયેલું અને નીવડેલું છે, નવું છે એ તો હજુ ઓળખાવવાનું બાકી છે.

તમારી વ્યક્તિનો બદલાવ પણ તમે એક હદ સુધી સ્વીકારો. માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે, માણસ ક્યારેક માર્ગ ચૂકી જતો હોય છે, જો એવું થાય અને એ પાછો પોતાના માર્ગે આવે તો એને અપનાવો. જે પોતાનું હોય છે એ પોતાનું જ રહે છે. એક વખત જે છૂટી જાય તેને કાયમ માટે અળગું ન થવા દો. અલબત્ત, જતું કરવાની એક હદ હોય છે. એ હદ આપણે જ નક્કી કરવાની હોય છે કે ક્યાં સુધી જતું કરવું. આપણી જતું કરવાની વૃત્તિ પણ મુર્ખામીમાં ન ખપવી જોઈએ.

આપણે ધ્યાન એ જ રાખવાનું હોય છે કે ગમે એવી પરિસ્થિતિમાં આપણે જેવા છીએ એવા જ રહીએ. ઘણાં લોકો ફ્રીઝ થઈ જતા હોય છે. એ ઓગળી શકતા નથી. સમય મુજબ ઓગળવું પણ જોઈએ. તમારામાં આવતાં પરિવર્તનોને તમે ધ્યાનથી જોઈ શકો છો? તમને એ વસ્તુ સમજાય છે કે તમારામાં જે પરિવર્તનો આવે છે એ વાજબી છે કે ગેરવાજબી? યોગ્ય છે કે અયોગ્ય? તમારા બેસ્ટ જજ તમે જ બની શકો અને તમે તમારી સાથે જ ખોટો ન્યાય ન કરી બેસો એની કાળજી તમારે જ રાખવાની હોય છે, કારણ કે સરવાળે બધાં પરિણામો આપણે જ ભોગવવાનાં હોય છે. કોઈ માણસ કાયમ એકસરખો રહેતો નથી, રહી શકતો પણ નથી. છતાં આપણાં અમુક મૂલ્યો, સિદ્ધાંતો, આદર્શો, ગુણો અને જેનું આપણને ગૌરવ હોય એવી ગરિમા ક્યારેય ગુમાવવી ન જોઈએ. આપણું ખરું મૂલ્ય અંતે તો આપણે જ નક્કી કરતાં હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે કેવા રહેવું છે?

છેલ્લો સીન:
વાંકી વળી ગયેલી સોટીને સીધી કરવા માટે આપણે તેને ઊલટી દિશામાં વાળવી પડે છે. -ડેવિડ હાર્ડિમેન

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

વિશ્વ માતૃભાષા દિન…

By , February 21, 2013 9:18 am

ગુજરાતી માત્ર મારી ભાષા નથી,
મારી પ્રતિ છે, મારો પ્રતિધ્વનિ છે, મારી પ્રતીતિ છે,

ગુજરાતી મારું એંધાણ જ નથી,
મારી અનુભૂતિ છે, મારો અહેસાસ છે, મારી અભિવ્યક્તિ છે.

ગુજરાતી ખાલી મારી પિછાન નથી,
મારું પ્રમાણ છે, મારો પ્રગટાવ છે, મારી પ્રજ્ઞા છે.

ગુજરાતી મારી શિક્ષા જ નથી,
મારી સમષ્મટિ છે, મારી સંસ્કૃતિ છે, મારું સાસત્વ છે.

ગુજરાતી મારી સીમા નથી,
મારું સાર્થક્ય છે, મારી સકલતા છે, મારું વજૂદ છે.

-પંકજ વોરા.

મિત્રો.. આજે વિશ્વ માતૃભાષા દિને, આપણી માતૃભાષા ગુજરાતીનું જતન કરવા કટિબદ્ધ થઈએ…ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવા બનતા પ્રયત્નો કરીએ.. !

જય ગરવી ગુજરાત..!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

આપણો સંબંધ..

By , February 2, 2013 10:58 pm

”સંબંધ”..!! માનવીનું જીવન આમ તો સંબંધ પર આધારિત છે.. ક્યારેક આ સંબંધ દિવ્ય અનુભૂતિ કરાવે છે .. તો ક્યારેક આ જ સંબંધ દિલ તોડે છે..!

કોઈ એક દિવસ જે સંબંધને લીધે જીવન ભર્યું – ભરેલું લાગતું હોય, એ જ સંબંધને લીધે ક્યારેક જીવન જીવવું અસહ્ય બની જાય એવું બનતું હોય છે..! કોઈ પણ સંબંધની વેલને પ્રેમ અને લાગણીથી સિંચીને મોટી કરી હોય એને જ ક્યારેક સંજોગોની થપાટ જડ – મૂળથી ઉખાડી દે છે.. ને શમણાઓ તુટી જાય છે…ત્યારે એક્બીજાથી છુટ્ટા પડી જાય છે ….!! ………અને………..
જે સંબંધ ક્યારેક વરસતો મેઘ દિસતો, એ જ સંબંધને મુલવવામાં આવે છે જાણે.. ” વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા ”..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રચના – શ્રી અંકિત ત્રિવેદી

સ્વરાંકન – શ્રીનયનેશ જાની

સ્વર – પ્રાચી શાહ, તેજસ ધોળકિયા

[ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી ચિ. પ્રાચીએ ૨૦૦૮માં મિર્ચી મ્યુઝિક ઍવોર્ડ મેળવેલ તથા ઝી ટી.વી. પર સારેગામાપા મેગા ચેલેન્જ નામનાં સંગીત કાર્યક્રમમાં શ્રીપાર્થીવ ગોહેલ તથા દિપાલી સોમૈયા સાથે પોતાની ગાયિકી દર્શાવી..]

આકાશે ધોધમાર બંધાતા રોજ તોયે, ઈચ્છા વિનાના સાવ પાંગળા
આપણો સંબંધ જાણે , વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા
કોડીયા માં પ્રગટેલા અજવાળા જેમ એકબીજામાં ઝળહળતા આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું શરતોનું સરનામું આપણે
શમણાનાં તૂટવામાં એવું લાગે કે, જાણે હાથમાંથી છુટા પડ્યાં આંગળા

અંતર થી અંતર જો માપો તો, આમ અમે પાસે ને આમ દૂર દૂર
કિનારે પહોચેલા મોજાની જેમ દરિયાથી છૂટવા આતુર
ચહેરાના ભાવ બધા વાંચી શકાય, તોયે આંખો ને લાગે કે આંધળા
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા …

ના છુટકે લેવાતા શ્વાસોમાં વર્તાતી, સંગાથે જીવ્યાની ભૂલ
આપણા જ ક્યારામાં, આપણે જ વાવેલું, સુગંધ વિનાનું એક ફૂલ
સાથે રહ્યાની વાત, ભૂલી જઇ ને આજ, છુટા પાડવા ઉતાવળા..
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા…!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

સ્નેહને ન કોઇ સીમાડા..

By , January 31, 2013 12:41 pm

મિત્રો .. ગઈ કાલે જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ-દિન હતો .. અને મને આપણા માનનીય લેખિકા શ્રી નિલમબેન દોશીનાં શબ્દોમાં આલેખાયેલો એમનો આ અનુભવ યાદ આવ્યો જે આપની સમક્ષ રજુ કરી રહી છું ..! ..કહે છે ને કે સ્નેહ – લાગણી -  પ્રેમ – મમતાને કોઈ જ  વર્ણ – ધર્મ કે જાતિ નથી નડતા..!!

સંબંધો ય કારણ વગર હોય જાણે,

આ માણસ બીજાઓથી પર હોય જાણે… (આદિલ મન્સુરી)

વિજ્ઞાન કહે છે.. દરેક કાર્ય પાછળ કોઇ ચોક્કસ કારણ હોય જ છે. કાર્ય કારણનો સંબંધ વિજ્ઞાન માટે સાચો હશે..પણ જીવનમાં દરેક વખતે કાર્ય કારણનો સંબંધ સાચો જ હોય એવું અનુભવાતું નથી હોતું. કે પછી હોય તો આપણી સમજણથી પર હોય છે. જીવનમાં ઘણી વાર સંબંધો અણધાર્યા પ્રગટે છે. ન જાણે કયો… કેવો ને ક્યાંથી કોઈ ઋણાનુબંધ ફૂટી નીકળે છે એ પામી શકાતું નથી. પરંતુ ક્યારેક કશુંક તો જીવનમાં એવું બનતું રહે છે જેનો જવાબ માત્ર બુદ્ધિથી કે તર્કથી પામી શકાતો નથી ત્યારે નાસ્તિક માણસને પણ બુદ્ધિથી પર પણ કોઈક તત્વ છે એવું સ્વીકારવું પડતું હોય છે. આજે આવા જ કોઇ ઋણાનુબંધની સાવ સાચુકલી વાતની સુવાસ..

વાત અમેરિકાની છે. તારીખ ચોથી જુલાઇ, 2010.. અમેરિકાનો સ્વાતંત્ર દિવસ..પૂરા અમેરિકાની માફક ન્યુ ઇંગ્લેન્ડના મેઇન રાજયના સેનફર્ડ ગામમાં પણ સ્વાતંત્ર દિનની ઉજવણીના એક ભાગ રૂપે સવારે પરેડનુ આયોજન થયું હતું. આખું સેનફર્ડ ઉમટયું હતું. અમે પણ ખુરશીઓ લઇને ઉપડયા હતા. રસ્તાની બંને તરફ આવેલી ફૂટપાથ પર લોકોએ અડ્ડો જમાવ્યો હતો. કોઇ અમારી જેમ ખુરશીઓ સાથે લાવ્યા હતા કોઇએ ફૂટપાથ પર જ અડિંગો જમાવ્યો હતો. નાના બાળકો આનંદથી દોડી કે ઉડી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ ચારે તરફ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું હતું.

એક પછી એક ગ્રુપ ધીમે ધીમે આવતું જતું હતું. વિવિધ રીતે શણગારેલી ગાડીઓમાંથી સંગીતના મીઠા સૂર રેલાતા હતા. કોઇ ગાડીઓમાંથી ચોકલેટો ઉછળતી હતા..કોઇ જાતજાતની બોલપેનો તો કોઇ રંગબેરંગી માળાઓ લોકો તરફ ફેંકતા જતા હતા. ભૂલકાઓ દોડીદોડીને તે લેવા પડાપડી કરી રહ્યા હતા. નાની નાની અનેક વસ્તુઓની લહાણી છૂટે હાથે થતી હતી. પૂરા ત્રણ કલાક સુધી ઉત્સવ ચાલતો રહ્યો. સ્વતંત્રતા તો દરેક દેશની સરખી.. અમેરિકામાં બેઠા બેઠા મારું મન પંદરમી ઓગષ્ટની ઉજવણી કરી રહ્યું હતું.

ત્યાં અચાનક પચાસેકની આસપાસની એક અમેરિકન મહિલા અમારી પાસે આવી.તેની સાથે સોળ, સત્તર વરસની એક છોકરી પણ હતી. અમારી પાસે આવીને એ મહિલાએ પૂછયું, આર યુ ઇંડીયન.. રાઇટ ?

અમે હા પાડી.. એટલે તેણે અમારા વિશે થોડી પૂછપરછ કરી. મને થોડું આશ્ર્વર્ય થયું. તેને ખબર પડીકે અમે ગુજરાતના છીએ..ત્યારે તેના ચહેરા પર ખુશી છલકી.

તેણે પોતાની સાથે રહેલી છોકરીની ઓળખાણ કરાવી અને કહ્યું કે એ તેની દીકરી છે તેનું નામ “ આશા “ છે.પછી અમને કદાચ આશાના અર્થની જાણ નહીં હોય તો ? એમ માનીને આશાનો અર્થ સમજાવ્યો..આશા એટલે હોપ… પછી આશાને કહે આ લોકો તારા દેશના છે. સે નમસ્તે ..

અમારા આશ્વર્યનો પાર ન રહ્યો. હવે અમારું ધ્યાન ગયું કે એ ગોરી સ્ત્રીની દીકરીનો ચહેરો અસલ ભારતીય હતો. પછી તેની સાથે ઘણી વાત થઇ. તેણે વિગતવાર વાત કરી… જે સાંભળીને દિલ આદર અને અહોભાવથી આ સ્ત્રીને વંદી રહ્યું.

એનું નામ એલિસા હતું. પંદર વરસ પહેલાં તે ભારતમાં ગુજરાત ગયેલી. તેણે ગાંધીજી વિશે ઘણું વાંચેલું. તેનાથી પ્રભાવિત થઇને ખાસ અમદાવાદ આવી હતી. અને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે ગયેલા. એક આખો દિવસ ત્યાં ગાળ્યો હતો.

અમદાવાદમાં તેમનું રોકાણ બે દિવસનું હતું. બીજે દિવસે તે અને તેના પતિ જયોર્જ એક અનાથાશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં અનાથ બાળકીઓને જોઇને એલિસાના દિલમાં સ્નેહ અને કરૂણા ઉભરાઇ આવ્યા. તેને થયું કે હું આ છોકરીઓ માટે શું કરી શકું ? આર્થિક રીતે બહું સધ્ધર પરિસ્થિતિ નહોતી. એથી કોઇ મોટું ડોનેશન આપી શકવાનું શકય નહોતું. તેથી વિચાર્યું કે પોતે અહીંથી એકાદ છોકરીને દત્તક જરૂર લઇ શકે..એને હૂંફ આપી શકે.. એક ઉજળું ભવિશ્ય જરૂર આપી શકે. એને પોતાની બે દીકરીઓ હતી જ. એક વધારે. વિચાર આવ્યો. અમલ થયો. જરૂરી કાર્યવાહી કરી બે વરસની આ બાળકીને લાવ્યા. ત્યાં તેનું નામ આશા હતું. એ જ નામ હમેશ માટે રાખ્યું.આશાનો અર્થ આશ્રમના લોકોએ તેને સમજાવ્યો હતો.

આશા થોડી મોટી થતા એલિસાએ આશાને બધી સાચી વાત કરી. તેને તેના દેશ વિશે જાણવાનો તેને પૂરો હક્ક છે એમ માનતી એલિસાએ આશાને બધી સાચી વાત કરી. આશા માટે તો ભારત એક બિલકુલ અપરિચિત દેશ હતો. બે વરસની ઉમરથી તે તો ફકત અમેરિકાને જ ઓળખતી હતી. થોડા વરસ પહેલા એલિસાનો પતિ મૃત્યુ પામેલો.. તેની બે દીકરીઓ પરણી ગઇ હતી. આશા હજુ ભણતી હતી. એલિસાએ કહ્યું, આશાને શકય તેટલું તેના દેશ વિશે જાણવા મળે એવો પ્રયત્ન પોતે કરી રહી છે. અને હવે મહેનત કરીને પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. એકવાર પૈસા ભેગા થાય એટ્લે આશાને તેના દેશમાં તેના ગામમાં એકવાર લઇ જવી છે. તેના મૂળિયા જે દેશમાં..જે જગ્યાએ છે તેનાથી તેને વંચિત કેમ રાખી શકાય ? બસ એટલે તે કરકસર કરીને પૈસા ભેગા કરે છે. આશા સામે વહાલથી જોતા તેણે કહ્યું.

આશા માને વળગીને ઉભી હતી. એલિસા કહે હું તેને તેની ભાષા નથી શીખડાવી શકી. આજે તમને અહીં જોયા તેથી તમારી પાસે આવી..આશાએ ગાંધીજીની આત્મકથા અંગ્રેજીમાં વાંચી છે. .
પછી કહે.. હું આશાને લઇને તમારે ત્યાં જરૂર આવીશ. તમે એને એના દેશની, ગાંધીજીની ગુજરાતની વાત કરશો..જાણકારી આપશો તો મને આનંદ થશે.આશાએ અમને ગુજરાત વિશે..ગાંધીજી વિશે ઘણાં પ્રશ્નો પૂછયા. પોતાના જન્મસ્થાન વિશે જાણવાની આતુરતા આશાના અવાજમાં છલકતી હતી. એલિસાએ પોતાની નૈતિક ફરજ સમજીને તેનામાં ગાંધીના દેશ પ્રત્યે અહોભાવની એક લાગણી જીવંત રખાવી હતી. જેને લીધે જ તે ભારત વિશે જાણવા આતુર હતી. નહીંતર તે તો બે વરસની ઉમરથી અહીં જ ઉછરી હતી. અહીંની સંસ્કૃતિનો જ પરિચય પામી હતી. આ દેશ જ તેનો હતો.

એક પરદેશી સ્ત્રીની આ નિઃસ્વાર્થ ભાવના જોઇને અમારું અંતર તેને વન્દી રહ્યું. સ્નેહને સ્થળ, કાળના ભેદભાવ થોડા જ નડે છે ?

દોસ્તો, ગાંધીજી વિશે તો આપણે પણ ઘણું જાણીએ છીએ..વાંચીએ છીએ ખરું ને ? પણ..

***

( નિલમબેન દોશી )

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

શ્રદ્ધાંજલી – કવિ ડો. સુરેશ દલાલ…

By , September 1, 2012 11:15 pm

આજે આ વિષય રી-પોસ્ટ કરી રહી છું.. ગુજરાતી સાહિત્ય અકાદમી લંડનના ઉપક્રમે યોજાયેલી સાહિત્ય બેઠક ‘કાવ્યચર્યા’ માં શ્રીવિપૂલભાઈ કલ્યાણી તથા શ્રીપંચમભાઈ શુક્લના આમંત્રણને માન આપવા અનિવાર્ય સંજોગોને લીધે હાજરી આપી શકી નહીં પરંતુ, વડીલ સ્વ. સુરેશભાઈને શ્રદ્ધાંજલી રૂપે ઓડિયો રેકોર્ડેડ વક્તવ્ય મોક્લ્યું હતું ..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લંડનમાં આ સાહિત્ય બેઠક દર મહિનાના પહેલા શનિવારે યોજાય છે અને શ્રીવિપૂલભાઈ કલ્યાણી, શ્રીપંચમભાઈ શુક્લ, શ્રીઅનિલભાઈ વ્યાસ,  શ્રીમતિ ભદ્રાબેન વડગામા, શ્રીવલ્લભભાઈ નાંઢા, શ્રીનિરજભાઈ શાહ,  ધ્વનીબેન જોષી-ભટ્ટ .. વિગેરેની મહેનત પ્રશંશનીય છે.. ગુજરાતી ભાષાને ધબકતી રાખવાના અનેક પ્રયત્નો સરાહનીય છે … આ કાર્ય ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના..! ફરી એક્વાર આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ..!!

શ્રદ્ધાંજલી

પ્રખર સાહિત્યકાર, સુપ્રસિદ્ધ કવિ, જાણીતા નિબંધકાર, સંપાદક, ‘ઈમેજ’ પ્રકાશનના સહ-સ્થાપક તેમજ ‘ચિત્રલેખા’માં ‘ઝલક’ના કટારલેખક તથા મારા પણ પ્રિય કવિ ડો. સુરેશ દલાલનું શુક્રવારે હૃદય બંધ પડી જવાથી અવસાન થયું છે. તેમની વય ૮૦ વર્ષની હતી. શ્રીકૃષ્ણ – રાધા- મીરાંબાઈના ચરિત્ર પર અનેક કવિતાઓ લખનાર તથા પ્રસિદ્ધ ગોપીગીતનો સુંદર રસાસ્વાદ આલેખનાર આ મહાન કવિને ઈશ્વરે ખુદ પોતાના જ જન્મદિને કૃષ્ણ મય બનાવી પોતાની પાસે બોલાવી લીધાં … જાણે કે એમની જોડે કાવ્ય ગોષ્ઠીનો આનંદ લેવો હોય …!! પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ અર્પે ..!!!

*****

કવિમિત્ર ડો.વિવેકભાઈ ટેલરનાં આ શબ્દો સાથે હું પણ સહમત છું કે,

”ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી…

એક તોતિંગ ગઢ… એક આખું આકાશ…

ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી…

એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ?

સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા ”

આજે કવિશ્રી આપણી વચ્ચે હયાત નથી, છતાં એમની રચનાઓ કૃતિઓ તથા એમના સ્વરથી હંમેશ જીવંત રહેશે ..!!!!

પ્રસ્તુત છે એમનાં જ સ્વરમાં, કૃષ્ણમય બની જવાય એવી એમની આ રચનાઓ …!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી, કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત ?
વળી વળી નીરખે છે, કુંજગલી પૂછે છે, કેમ અલી ? ક્યાં ગઇ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ, એની પૂછી પૂછીને લ્યે ગંધ,
વહે અંતરની વાત એ તો, આંખ્યુની ભૂલ જો કે, હોઠોની પાંખડીઓ બંધ,
મારે મોંએ થી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

અરધી રાતે દરશન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે જગની માયા જૂઠી રે !

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

મુંગી લાગણી…

By , July 27, 2012 11:00 am

રાજકોટ સ્થિત સખી હેમલ દવેના જીવનની અવિસ્મરણીય યાદ એમના જ શબ્દોમાં –

3 જી એપ્રિલ ૨૦૦૯ ને સાંજે મને એક ફોન આવ્યો કે “તમને જેની વાત કરી હતી તે પાર્સલ આવી ગયું છે ..આવી ને લઇ જાઓ ” અને હું, મારી હીર અને મારા દેવને લઇને પહોચી એરોડ્રામ પર ..અને નાનકડું એ પાર્સલ ઉતર્યું ..તાળું ખોલ્યું..બેંગ્લોરથી સફર કરતુ આવતું હતું તો પગ છૂટો કરવા બહાર નીકળ્યું…એ પાર્સલ એટલે ..૪૦ દિવસનું લાબ્રાડોર પપી . એ પાર્સલને આજની રાત પુરતું કોઈને સુપ્રત કરીને અમે ઘેર આવી ગયા.

..૪થી એપ્રિલ એ.મારી મીઠડી મારી મિત્સુનો જન્મદિવસ. આથી સવારથી થોડી નારાજ હતી. હર જન્મદિવસની માફક જોઈતી હતી કૈક અનોખી ભેટ.અને કોઈ કંઈ જ બોલતું ન હતું.સવારે ૧૦ માં ધોરણના એના વેકેશનને કારણે બધા મિત્રો હાજર હતા, મિત્સુબેન થોડા ઉદાસ હતા ..રોજની જેમ હું પણ ઓફીસ જવા નીકળી ગઈ અને તેણીની રહી સહી આશા પર જાણે પાણી…….?!!!!!!!.

ત્યાંજ ઓફિસે મને ફોન આવે છે મેડમ તમારું પાર્સલ રેડી છે આપી જાવું ? ઓહ.. આ ફોન ની તો રાહ જોતી હતી..મારી મીઠડીનું ઉદાસ મોઢું જોઇને નીકળી હતી.ઓફિસેથી આપણે તો બંદા સીધા ઘેર…મિત્સુની મૂક ફરિયાદ તો એની પાણીદાર આંખો માં હતી જ..પણ હું તો મનોમન મલક મલક થતી હતી.એના ડેડીની સુચના મુજબ વિડીઓ કેમેરા તૈયાર રાખ્યો..અને થોડીવારમાં જ મારા દરવાજે કાંઉ કાંઉ સંભળાયું..અને મારી મિત્સી તો જંપ મારીને બહાર. એ હતી એના જન્મદિવસની આજ સુધીની એના મત મુજબ સર્વોતમ ભેટ. મારી અને મારી મીઠડીની ખુશી તો વાત જ શું કરવી…..! હજુ પણ વિશ્વાસ ન આવતો હોય તેમ જોયા જ કરે..ઘડીક તેની સામે અને મારી સામે..

રાત્રે એની બર્થ ડે પાર્ટી માટે પણ બાસ્કેટ માં એ પપીભાઈ તેયાર. બહાર હોટેલ માં રાખેલી પાર્ટીમાં સ્પેશિયલ ગેસ્ટ હતા, જેના નામકરણ વિધિની તેયારી ચાલતી હતી,જેથી સાથે સાથે કેક કાપી શકાય. અને અંતે નામ પડ્યું “બૃનો”. હવે તો બેનબા ખુશ ખુશ, આખો દિવસ લઈને ફર્યા કરે. બૃનો ધીરે ધીરે મોટો થતો ગયો. પણ જે એક્ટીવનેસ હોવી જોઈએ તે તેનામાં જણાતી ના હતી.પછી વેટરનરી ડોકટરના ચક્કર શરુ થયા.

ખરેખર આ એક બાળઉછેર જેવું જ કામ રહે છે. ઘેર આવતા જતા લોકોની , સ્નેહીજનોની સલાહ રહેતી કે જોબ સાથે આ નવું શું કર્યું ? પણ શું થાય ? દિકરીની ઈચ્છા પૂરી તો કરી પણ ઘણી જ તકલીફ પડતી હતી.અને ધીરે ધીરે એ નાનકડા બૃનોની માયા લાગતી જતી હતી.

સવારે જયારે નાહીને સૌ પ્રથમ મંદિરમાં દીવો કરીને જ કામ કરવું એ મારો નિયમ હતો . અને મંદિરની ઘંટડી સાંભળીને ગમે ત્યાંથી દોડી આવીને ઝીણા ઝીણા અવાજ કરવાનો નિયમ બ્રુનો નો હતો.ક્યારેય કોઈને ન ભસતો ..એનો અવાજ જયારે ઘંટડી વગાડે ત્યારેજ સંભળાતો.ઓફીસ જવા માટે પર્સ લાવું કે બૃનો આગળ પાછળ ફર્યા કરે ..અને મારા ગયા પછી ક્યાંય સુધી દરવાજા પરથી ઉભો જ ન થાય. જુલાઈ મહિનામાં કંપનીમાંથી મારે દુબઈ જવાનું હતું ..હું નીકળી અને…….

પાછળથી બૃનો સખત માંદો પડ્યો.૧ વીક પછી જયારે પાછી આવી અને એની માંદગી વધી ગઈ ..કેટ કેટલા વેટરનરી ડોક્ટરને બતાડ્યું પણ..૨૨ જુલાઈ તબિયત એકદમ ખરાબ થઇ, હું અને મિત્સુ આખી રાત તેની પાછળ જાગતા રહેતા..બૃનોના ને અમારા કમનસીબે એક હોશિયાર ડોક્ટર મળ્યા પણ હવે કંઈ જ થઇ શકે એમ નહોતું. હકીકતમાં બૄનોને બ્લડ જ બનતું નહોતું. પણ આગળના કોઈ ડોક્ટર આ જાણી જ ન શકયા. અમારી એના પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઇને ડોકટરે અમને એ અઘરો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે એ જણાવી નહોતા શકતા.અને ૨૩ તારિખની રાત્રે બૄનો ખુબ જ પીડાતો હતો ..અંતે એને જોઇને એક ખુબ જ ”અઘરો નિર્ણય” લેવો જ પડ્યો. એને ડોક્ટર પાસે લઇ ગયા પહેલા છેલ્લીવાર એને ભગવાનનાં મંદિર આગળ લઇ ગયા, દીવો પ્રગટાવ્યો અને એને ગમતી ઘંટડી વગાડી..બિલકુલ અવાજ કરી નહોતો શકતો પણ એ સમયે એજ અવાજ સંભળાયો .. એ “પાર્સલ”ને અમારા સુધી પહોચાડનાર પણ આવી ગયા..કે “લાવો હું મારી ઘેર લઇ જઉં” પણ હવે તો એ અમારો હતો. ભારે હૃદય સાથે હું તેને મારા ખોળામાં લઈને ગઈ. ડોકટરે મને બહાર બેસવા કહ્યું પણ..હું એને મારા હાથમાં છેલ્લી ઘડી સુધી રાખવા માગતી હતી.એ મારી સામે જોતો જ રહ્યો ને ૨ થી ૩ સેકન્ડમાં ખાલી ખોળીયુ બની ગયો. .

૨૪જુલાઈ, મારા જીવનમાં આવેલ કરુણ દિવસ, તે ક્યારેય નહિ આવે..સ્વજનને ગુમાવ્યાની લાગણી તો બધાએ અનુભવવી પડે છે ..એમાં ભાગીદાર બનવા સૌનો સાથ પણ રહે છે પણ પ્રાણીમાં ? સામે સવાલો આવે છે આવું તે કેવું દુખ છે? પણ સાચું કહું ..મને મારા સંતાન ને ગુમાવી દીધું હોય એવી વેદના ત્યારેય થતી હતી.હજુ પણ થાય છે. અને ઘણાને આ વાંચીને સવાલો ઉભા થશે. પરંતુ આ પણ એક ઋણાનુબંધન છે. ક્યાંક બાકી રહી ગયેલી લેણાદેણી પૂરી કરવા એ ૩ મહિના અમારા ઘેર આવ્યો..મંદિરની ઘંટડીનો અવાજ સાથે એ આરતી થાય ત્યાંરે ગમે ત્યાંથી દોડી આવતો..ખુબ જ પ્રેમ ઉભરાય એને જોતાજ ..બાકી એ મારી દીકરીની પસંદગી હતો મારા હ્રદયમાં તો ક્યારે આટલી લાગણી નહોતી આવી. એનો અહેસાસ એ હતો તેના કરતા પણ ગયો ત્યારે વધારે થયો.આવું દુઃખ? આટલી વેદના?

રડી-રડીને હું અને મિત્સુ અડધા થઈ ગયા અને મારી નાની હીર અવાક ….આ શું હતું ..? અમારો પ્રેમ ?કોઈ પૂર્વજન્મનું લેણું? એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે ..એના ગયા પછી એજ “ભૂલ” જાણી જોઇને અમે કરી, અને એ તોફાની રમતિયાળ બૃની આજે અમારી સાથે જ છે ..પણ બૃનોની યાદ મારી દીકરીના બેડની બાજુના ખાનામાં ..એના રમકડા ..એની વાટકી ..દવાની બોટલ અને નાનું મોટું કેટલું બનીને સચવાયેલી પડી છે.૨૪ જુલાઈ એ એને જ્યાં દફન કરવામાં આવ્યો એ સ્થળે જવાનું એનાથી ચૂકાતું નથી..રોજ ઉઠીને એની ફોટોફ્રેમ જોયા વગર રહેવાતું નથી … બૃનોની યાદ સચવાયેલી જ રહેશે.

ઘણા લોકોને કદાચ આ વાત અચંબા ભરી લાગશે પણ જેને ઘેર પાલતું પ્રાણી હશે એ આ વાત સુપેરે અનુભવી શકશે.આ દુનિયામાં કદાચ આજ સંબંધ એવો છે કે જે તમને તમારા માગ્યા વગર જ પ્રેમ આપે છે ,તમારા ધુત્કાર સામે પણ પ્રેમની નજર માત્ર થઈ ખેંચાય આવે છે.વફાદારી એના લોહીમાં હોય છે અને આપણે માનવીઓ આપણામાં હોય તેને પણ નઝર અંદાઝ કરીએ છીએ.

- હેમલ દવે

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin

Copy Protected by Chetans WP-Copyprotect.