home-purple

સ્નેહને ન કોઇ સીમાડા..

મિત્રો .. ગઈ કાલે જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ-દિન હતો .. અને મને આપણા માનનીય લેખિકા શ્રી નિલમબેન દોશીનાં શબ્દોમાં આલેખાયેલો એમનો આ અનુભવ યાદ આવ્યો જે આપની સમક્ષ રજુ કરી રહી છું ..! ..કહે છે ને કે સ્નેહ – લાગણી –  પ્રેમ – મમતાને કોઈ જ  વર્ણ – ધર્મ કે જાતિ નથી નડતા..!!

સંબંધો ય કારણ વગર હોય જાણે,

આ માણસ બીજાઓથી પર હોય જાણે… (આદિલ મન્સુરી)

વિજ્ઞાન કહે છે.. દરેક કાર્ય પાછળ કોઇ ચોક્કસ કારણ હોય જ છે. કાર્ય કારણનો સંબંધ વિજ્ઞાન માટે સાચો હશે..પણ જીવનમાં દરેક વખતે કાર્ય કારણનો સંબંધ સાચો જ હોય એવું અનુભવાતું નથી હોતું. કે પછી હોય તો આપણી સમજણથી પર હોય છે. જીવનમાં ઘણી વાર સંબંધો અણધાર્યા પ્રગટે છે. ન જાણે કયો… કેવો ને ક્યાંથી કોઈ ઋણાનુબંધ ફૂટી નીકળે છે એ પામી શકાતું નથી. પરંતુ ક્યારેક કશુંક તો જીવનમાં એવું બનતું રહે છે જેનો જવાબ માત્ર બુદ્ધિથી કે તર્કથી પામી શકાતો નથી ત્યારે નાસ્તિક માણસને પણ બુદ્ધિથી પર પણ કોઈક તત્વ છે એવું સ્વીકારવું પડતું હોય છે. આજે આવા જ કોઇ ઋણાનુબંધની સાવ સાચુકલી વાતની સુવાસ..

વાત અમેરિકાની છે. તારીખ ચોથી જુલાઇ, 2010.. અમેરિકાનો સ્વાતંત્ર દિવસ..પૂરા અમેરિકાની માફક ન્યુ ઇંગ્લેન્ડના મેઇન રાજયના સેનફર્ડ ગામમાં પણ સ્વાતંત્ર દિનની ઉજવણીના એક ભાગ રૂપે સવારે પરેડનુ આયોજન થયું હતું. આખું સેનફર્ડ ઉમટયું હતું. અમે પણ ખુરશીઓ લઇને ઉપડયા હતા. રસ્તાની બંને તરફ આવેલી ફૂટપાથ પર લોકોએ અડ્ડો જમાવ્યો હતો. કોઇ અમારી જેમ ખુરશીઓ સાથે લાવ્યા હતા કોઇએ ફૂટપાથ પર જ અડિંગો જમાવ્યો હતો. નાના બાળકો આનંદથી દોડી કે ઉડી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ ચારે તરફ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું હતું.

એક પછી એક ગ્રુપ ધીમે ધીમે આવતું જતું હતું. વિવિધ રીતે શણગારેલી ગાડીઓમાંથી સંગીતના મીઠા સૂર રેલાતા હતા. કોઇ ગાડીઓમાંથી ચોકલેટો ઉછળતી હતા..કોઇ જાતજાતની બોલપેનો તો કોઇ રંગબેરંગી માળાઓ લોકો તરફ ફેંકતા જતા હતા. ભૂલકાઓ દોડીદોડીને તે લેવા પડાપડી કરી રહ્યા હતા. નાની નાની અનેક વસ્તુઓની લહાણી છૂટે હાથે થતી હતી. પૂરા ત્રણ કલાક સુધી ઉત્સવ ચાલતો રહ્યો. સ્વતંત્રતા તો દરેક દેશની સરખી.. અમેરિકામાં બેઠા બેઠા મારું મન પંદરમી ઓગષ્ટની ઉજવણી કરી રહ્યું હતું.

ત્યાં અચાનક પચાસેકની આસપાસની એક અમેરિકન મહિલા અમારી પાસે આવી.તેની સાથે સોળ, સત્તર વરસની એક છોકરી પણ હતી. અમારી પાસે આવીને એ મહિલાએ પૂછયું, આર યુ ઇંડીયન.. રાઇટ ?

અમે હા પાડી.. એટલે તેણે અમારા વિશે થોડી પૂછપરછ કરી. મને થોડું આશ્ર્વર્ય થયું. તેને ખબર પડીકે અમે ગુજરાતના છીએ..ત્યારે તેના ચહેરા પર ખુશી છલકી.

તેણે પોતાની સાથે રહેલી છોકરીની ઓળખાણ કરાવી અને કહ્યું કે એ તેની દીકરી છે તેનું નામ “ આશા “ છે.પછી અમને કદાચ આશાના અર્થની જાણ નહીં હોય તો ? એમ માનીને આશાનો અર્થ સમજાવ્યો..આશા એટલે હોપ… પછી આશાને કહે આ લોકો તારા દેશના છે. સે નમસ્તે ..

અમારા આશ્વર્યનો પાર ન રહ્યો. હવે અમારું ધ્યાન ગયું કે એ ગોરી સ્ત્રીની દીકરીનો ચહેરો અસલ ભારતીય હતો. પછી તેની સાથે ઘણી વાત થઇ. તેણે વિગતવાર વાત કરી… જે સાંભળીને દિલ આદર અને અહોભાવથી આ સ્ત્રીને વંદી રહ્યું.

એનું નામ એલિસા હતું. પંદર વરસ પહેલાં તે ભારતમાં ગુજરાત ગયેલી. તેણે ગાંધીજી વિશે ઘણું વાંચેલું. તેનાથી પ્રભાવિત થઇને ખાસ અમદાવાદ આવી હતી. અને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે ગયેલા. એક આખો દિવસ ત્યાં ગાળ્યો હતો.

અમદાવાદમાં તેમનું રોકાણ બે દિવસનું હતું. બીજે દિવસે તે અને તેના પતિ જયોર્જ એક અનાથાશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં અનાથ બાળકીઓને જોઇને એલિસાના દિલમાં સ્નેહ અને કરૂણા ઉભરાઇ આવ્યા. તેને થયું કે હું આ છોકરીઓ માટે શું કરી શકું ? આર્થિક રીતે બહું સધ્ધર પરિસ્થિતિ નહોતી. એથી કોઇ મોટું ડોનેશન આપી શકવાનું શકય નહોતું. તેથી વિચાર્યું કે પોતે અહીંથી એકાદ છોકરીને દત્તક જરૂર લઇ શકે..એને હૂંફ આપી શકે.. એક ઉજળું ભવિશ્ય જરૂર આપી શકે. એને પોતાની બે દીકરીઓ હતી જ. એક વધારે. વિચાર આવ્યો. અમલ થયો. જરૂરી કાર્યવાહી કરી બે વરસની આ બાળકીને લાવ્યા. ત્યાં તેનું નામ આશા હતું. એ જ નામ હમેશ માટે રાખ્યું.આશાનો અર્થ આશ્રમના લોકોએ તેને સમજાવ્યો હતો.

આશા થોડી મોટી થતા એલિસાએ આશાને બધી સાચી વાત કરી. તેને તેના દેશ વિશે જાણવાનો તેને પૂરો હક્ક છે એમ માનતી એલિસાએ આશાને બધી સાચી વાત કરી. આશા માટે તો ભારત એક બિલકુલ અપરિચિત દેશ હતો. બે વરસની ઉમરથી તે તો ફકત અમેરિકાને જ ઓળખતી હતી. થોડા વરસ પહેલા એલિસાનો પતિ મૃત્યુ પામેલો.. તેની બે દીકરીઓ પરણી ગઇ હતી. આશા હજુ ભણતી હતી. એલિસાએ કહ્યું, આશાને શકય તેટલું તેના દેશ વિશે જાણવા મળે એવો પ્રયત્ન પોતે કરી રહી છે. અને હવે મહેનત કરીને પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. એકવાર પૈસા ભેગા થાય એટ્લે આશાને તેના દેશમાં તેના ગામમાં એકવાર લઇ જવી છે. તેના મૂળિયા જે દેશમાં..જે જગ્યાએ છે તેનાથી તેને વંચિત કેમ રાખી શકાય ? બસ એટલે તે કરકસર કરીને પૈસા ભેગા કરે છે. આશા સામે વહાલથી જોતા તેણે કહ્યું.

આશા માને વળગીને ઉભી હતી. એલિસા કહે હું તેને તેની ભાષા નથી શીખડાવી શકી. આજે તમને અહીં જોયા તેથી તમારી પાસે આવી..આશાએ ગાંધીજીની આત્મકથા અંગ્રેજીમાં વાંચી છે. .
પછી કહે.. હું આશાને લઇને તમારે ત્યાં જરૂર આવીશ. તમે એને એના દેશની, ગાંધીજીની ગુજરાતની વાત કરશો..જાણકારી આપશો તો મને આનંદ થશે.આશાએ અમને ગુજરાત વિશે..ગાંધીજી વિશે ઘણાં પ્રશ્નો પૂછયા. પોતાના જન્મસ્થાન વિશે જાણવાની આતુરતા આશાના અવાજમાં છલકતી હતી. એલિસાએ પોતાની નૈતિક ફરજ સમજીને તેનામાં ગાંધીના દેશ પ્રત્યે અહોભાવની એક લાગણી જીવંત રખાવી હતી. જેને લીધે જ તે ભારત વિશે જાણવા આતુર હતી. નહીંતર તે તો બે વરસની ઉમરથી અહીં જ ઉછરી હતી. અહીંની સંસ્કૃતિનો જ પરિચય પામી હતી. આ દેશ જ તેનો હતો.

એક પરદેશી સ્ત્રીની આ નિઃસ્વાર્થ ભાવના જોઇને અમારું અંતર તેને વન્દી રહ્યું. સ્નેહને સ્થળ, કાળના ભેદભાવ થોડા જ નડે છે ?

દોસ્તો, ગાંધીજી વિશે તો આપણે પણ ઘણું જાણીએ છીએ..વાંચીએ છીએ ખરું ને ? પણ..

***

( નિલમબેન દોશી )

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

10 Responses to સ્નેહને ન કોઇ સીમાડા..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. બહુ જ પ્રેરણા આપે તેવી વાત. એલિસાને પ્રણામ.

    • purnima says:

      એલિસા ની સાથે સાથે નિલમબેન દોશી ને પણ પ્રણામ કે જેઓ હજારો આશા જેવી બાળાઓ માં થી આ બાળાનો કિસ્સો આપણી સમક્ષ રજૂ કર્યો. વિશ્વ માં હજ્જારો એલિસા જેવી વ્યક્તિઓ છે , જરૂરત તેઓ ના કૃત્ય ને જગત સમક્ષ લાવનાર ને પણ ધન્યવાદ ના હકદાર ગણવાનો છે – પૂર્ણિમા ના પ્રણામ ….

  2. touching incident … thank you for sharing.

  3. GOVIND LIMBACHIYA says:

    ચેતનાબેન,
    તમારી એક એક કૃતિ વાંચીને હું ખુબજ ભાવ વિભોર બની જાઉં છું.
    તમારો ખુબ ખુબ આભાર,
    ગોવિંદ લીમ્બાચીયા

    • samnvay says:

      શ્રી ગોવિંદભાઈ .. આપનો ખૂબ આભાર .. જો કે આ કૃતિ મારી નથી .. શ્રી નીલમબેનનું આલેખન છે ..!

  4. Mina Trivedi says:

    Heart-warming

    It is a shame that we have lost this humanity and empathy within the Indian community

  5. અદ્ભુત….

  6. Maheshchandra Naik says:

    સરસ સવેદનશીલ વાતની અદભૂત શૈલીમાં રજૂઆત લેખિકાને અભિનદન અને આપનો આભાર…………………………………..

  7. kalpana says:

    સરસ છે. દિલ ભરાઈ આવે તે વી વાત છે