home-purple

એ થોડા દિવસોનો જ મહેમાન છે…

***

************************************************************************************************************************************મિત્રો, ખરેખર આપણે સહુએ વિચારવા જેવુ છે … ઘણી વાર અજાણ પણે જ આપણે વ્યસ્ત જીવનની ધમાલમાં સંબંધોને પૂરો ન્યાય આપી શક્તા નથી …! તો ક્યારેક કોઇ નાનો અણબનાવ સંબંધને તોડે છે, પરંતુ જો પરસ્પર એક્બીજાને સમજી શકીએ તો ગમે તેવા સંજોગોમાં પણ સંબંધ યથાવત રહે છે.. ! શરત એ જ કે બન્ને પક્ષે સમજ હોય ..! એક્લા હાથે તાળી કેમ પડે ?

આજે ફરી એક્વાર પ્રસ્તુત છે મિત્ર શ્રીકૃષ્ણકાંતભાઈ ઉનડકટ લિખિત આ લેખ, જે મનને એક્દમ સ્પર્શી ગયો છે..

***

પરાજય પામનારા, પૂછવું છે, વિજય મળવા છતાં હું કાં રડયો છું?

તમે શોધો તમોને એ જ રીતે, હું ખોવાયો પછી મુજને જડયો છું.

– શયદા

જિંદગીનો કોઈ ભરોસો નથી. આ વાત આખી દુનિયાના લોકો જાણતા હોવા છતાં જિંદગી સાથે બાંધછોડ કરતા રહે છે. બધાને ટૂંકો રસ્તો લઈ મંઝિલે પહોંચી જવું છે. આપણી ઇચ્છાઓ અને કલ્પનાઓ આપણા સંસ્કારો અને આપણી માન્યતાઓની પરીક્ષા કરતા રહે છે. કેટલી વસ્તુ એવી છે, જેનું આપણું મન ના પાડે છતાં પણ આપણે કરતાં હોઈએ છીએ? કેટલી વખત આપણે આપણું મન મારીને જીવતા હોઈએ છીએ?

બધાને સફળ થવું હોય છે. બધાને આગળ વધવું હોય છે, પણ આપણે એ મુકામ હાંસિલ કરવા કયો અને કેવો માર્ગ અખત્યાર કરીએ છીએ, તેના પરથી જ આપણે કેવા છીએ, એ નક્કી થતું હોય છે. કોઈ માણસનું મૂલ્યાંકન કરવું હોય તો તેની પાસે કેટલી સંપત્તિ છે, તે તપાસવા કરતાં તેના સંબંધો કેવા છે, તે તપાસવું જોઈએ. માણસની બે ઓળખ હોય છેઃ એક, એ જેવો દેખાય છે એ અને બીજી એ જેવો હોય છે એ. ડબલ સ્ટાન્ડર્ડમાં જીવતા લોકો બહુમતીમાં છે અને એટલે જ માણસની ઓળખ જરૂરી બની જાય છે.

દરેક માણસને સારા બનવું હોય છે, પણ એને પોતાની અંદરનું જ કંઈક રોકતું હોય છે. હું આમ કરીશ તો મને ગેરફાયદો થશે. હું આવું કરીશ તો પાછળ રહી જઈશ. આગળ રહેવા માટે અને ફાયદો મેળવવા માટે માણસ પોતાની જાત સાથે જ સમાધાન કરતો હોય છે. ઘણા લોકો સ્વાર્થ માટે સંબંધોને પણ દાવ પર લગાડી દેતા હોય છે. સત્તા અને સંપત્તિ તો બંધાતા રહેશે એવું માનતા લોકો માટે સંબંધો હથિયાર જેવા હોય છે અને એ ગમે ત્યારે તેનો ઉપયોગ કે દુરુપયોગ પણ કરતા રહે છે. ઘણી વખત માણસને શું ગુમાવ્યું છે, તેનો અહેસાસ ઘણું બધું મળી ગયા પછી થતો હોય છે. માણસ ઘણી વખત આંધળી દોટ મૂકી એટલો બધો આગળ નીકળી જતો હોય છે કે તેની પાછળ તાળીઓ વગાડવાવાળું પણ કોઈ હોતું નથી.

માણસ સંબંધોને પણ બે ભાગમાં વહેંચતો થઈ ગયો છે. એક કામના અને બીજા નામના. દિલના સંબંધો કેટલા હોય છે? સંતાનોને પણ એટલે સાચવે છે કે બુઢ્ઢા થઈએ ત્યારે ધ્યાન રાખે. સેવા કરવાવાળું તો કોઈ જોઈશેને? તમારા સંબંધોનો આધાર કેવો હોય છે? જે લોકોના સંબંધોનો આધાર સ્વાર્થ હોય છે એ સરવાળે નિરાધાર હોય છે.

આપણા કેટલા સંબંધો સતત અને એકધારા હોય છે? ઘણા લોકો એવા હોય છે, જે પરિસ્થિતિ ગમે એવી હોય તો પણ બદલતા નથી. એની આંખોમાંથી સ્નેહ જ વરસતો હોય છે. દુનિયાથી તેને મતલબ હોતો નથી. એને પોતાનાથી સંબંધ હોય છે. કોઈના દિલને ભૂલથી પણ ઠેસ ન લાગી જાય તેની તકેદારી રાખતા લોકો પોતાની જાત સાથે વફાદાર હોય છે. કેટલાક લોકો તેનાથી ઊંધા હોય છે. મારું શું? મને કેટલો ફાયદો? મારો સમય અને મારા રૂપિયા હું શા માટે બગાડું? કોઈના માટે કંઈક કરવાથી મને શું મળવાનું છે?આવી ગણતરીઓ માંડનારાને કદાચ આંકડાઓમાં ફાયદો થતો હશે પણ અહેસાસમાં તો એ ખોટમાં જ જતા હોય છે.

આપણા સંબંધો પણ અપડાઉન થતા રહે છે. કોઈ અત્યંત નજીક હોય એ ઘડીકમાં દૂર થઈ જાય છે. માણસ ક્યારેક સારો અને ક્યારેક ખરાબ થઈ જાય છે. પોતાની સગવડ મુજબ માણસ રંગ બદલે છે. ઘણી વખત તો આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેના પ્રત્યે પણ બેદરકાર હોઈએ છીએ. કોઈ આપણા પર સ્નેહ રાખતું હોય તો આપણે તેને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈએ છીએ. આપણો અધિકાર હોય એ રીતે આપણે સંબંધ અને પ્રેમની અપેક્ષા રાખીએ છીએ.

સમય મુજબ તમારા સંબંધો ન બદલો સંબંધો જેવા છે એવા જ રહેવા દો. આપણે નાજુક સ્થિતિમાં ઘણી વખત ભાવુક થઈ જઈએ છીએ અને વરસી પડીએ છીએ. બે મિત્રો હતા. એક મિત્રની દરેક પરિસ્થિતિમાં હાજરી હોય. બીજો મિત્ર તેના મિત્ર પ્રત્યે એકદમ બેદરકાર. દોસ્તી અને પ્રેમની કોઈ ગંભીરતા જ નહીં. માયાળુ મિત્ર એક વખત બીમાર પડયો. ડોક્ટરે ડાયોગ્નાઇઝ કર્યું કે તેને કેન્સર છે અને હવે તે વધુમાં વધુ એક વર્ષનો જ મહેમાન છે. મિત્રની બીમારીની વાત જાણીને તેનો મિત્ર ડિસ્ટર્બ થઈ ગયો. આખી જિંદગી મિત્રે રાખેલા સંબંધો તેની નજર સામે તરવરી ગયા. તેણે મનોમન નક્કી કર્યું કે હું મારા મિત્રની પૂરતી દરકાર લઈશ. તેની દરેક ઇચ્છા પૂરી કરીશ. જિંદગીના અંત સુધી હું તેનું ધ્યાન રાખીશ. એ પોતાના મિત્રની કાળજી રાખવા લાગ્યો.

પોતાના મિત્રનું પરિવર્તન જોઈને બીમાર મિત્ર ખુશ હતો. એક દિવસ તેણે મિત્રને કહ્યું કે સંબંધો સાર્થક કરવા આપણે કેમ કોઈ અઘટિત ઘટનાની રાહ જોતા હોઈએ છીએ? અમુક સમયે જ કેમ આપણને સંબંધની કદર થાય છે? મેં તારી સાથે એટલા માટે દોસ્તી રાખી ન હતી કે હું બીમાર પડું ત્યારે તું કામ લાગે. હું તો મારી જાત સાથે વફાદાર હતો. તું ખરાબ કે ખોટો નથી, તું સારો અને સાચો છે, પણ તેં સંબંધ સાચવવા મારા બીમાર થવા સુધી કેમ રાહ જોઈ? આ તો મને કેન્સર થયું અને હજુ એકાદ વર્ષ જેટલો સમય છે એ ખબર પડી, પણ તેને બદલે જો હું કોઈ અકસ્માતમાં એક ઝાટકે જ મરી ગયો હોત તો? દોસ્ત પાછળથી રડવા કરતાં સાથે હસવાનું મહત્ત્વ વધારે છે. મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે પ્રેમ કરવા માટે સમયની રાહ ન જુઓ, કારણ કે ઘણી વખત એ સમય આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

કોઈનાથી છૂટા પડવાનું હોય ત્યારે જ આપણને કેમ એવો વિચાર આવે છે કે હવે પછી પાછા ક્યારે મળીશું? પાછું તારું મોઢું જોવા ક્યારે મળશે? કોણ ક્યારે કાયમ માટે છૂટું પડી જવાનું છે એ નક્કી છે? તમે જેને પ્રેમ કરતા હોવ એને પ્રેમ કરવાનો એકેય મોકો ન મૂકો. કમનસીબી એ છે કે માણસ નફરત કરવા માટે રાહ જોતો નથી અને પ્રેમ કરવા માટે મોકો શોધે છે.

એક માણસની પત્નીનું અવસાન થયું. એ ખૂબ દુઃખી હતો. તેનો એક મિત્ર સાંત્વના આપતો હતો ત્યારે તેણે કહ્યું કે તેના જવાથી હું દુઃખી છું, પણ મને કોઈ અફસોસ નથી. એટલા માટે કે મેં તેને જિંદગીની દરેક ક્ષણે પ્રેમ કર્યો છે. હું તેને જીવ્યો છું. અમારી દરેક પળ સુખની હતી. એ જવાની છે એનો તેને ખ્યાલ આવી ગયો હતો. થોડા દિવસ અગાઉ જ હોસ્પિટલના બિછાને તેણે મારો હાથ પકડીને કહ્યું કે કંઈ અફસોસ ન કરતો, બહુ દુઃખી પણ ન થતો. તેં ક્યાં મને પ્રેમ કરવાની એકેય તક ગુમાવી છે? આપણે ભરપૂર જીવ્યા છીએ. તારે કે મારે થોડુંક વહેલું કે થોડુંક મોડું એક દિવસ જવાનું તો હતું જ. મને ગર્વ છે કે તારા જેવો જીવનસાથી મળ્યો. આ વાત કરીને એ માણસ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. આપણે એવો પ્રેમ કરીએ છીએ કે કોઈના જવાથી આપણને અફસોસ ન થાય? ઉંમર ભલે વધે પણ સંવેદનાને બુઢ્ઢી કે બુઠ્ઠી ન થવા દો. સમય ઘણી વખત આપણી સાથે એવી રમત રમે છે કે આપણી બુદ્ધિ સૂઝ મારી જાય. સંબંધોની બાબતમાં તમારે સમય સામે હારવું ન હોય તો તમારા સંબંધોને દરેક ક્ષણે પૂરાં દિલથી જીવો. કમ સે કમ અફસોસ તો નહીં થાય કે મારો પ્રેમ અધૂરો રહી ગયો.

છેલ્લો સીન:

પ્રેમ અને લાગણીની શોધમાં આખું જગત ખુંદી વળીશું તોપણ એ આપણને નહીં મળે, જો આપણી પોતાની અંદર એ નહીં હોય તો! – ડ્વાઇડ પુન

( ચિંતનની પળે- શ્રીકૃષ્ણકાંતભાઈ ઉનડકટ )

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

5 Responses to એ થોડા દિવસોનો જ મહેમાન છે…

 1. pragnaju says:

  સંતો કહે છે તે પ્રમાણે
  પ્રેમની ધારાને નારદજી પ્રતિક્ષણ વર્ધમાન કહે છે. ગોસ્વામી અનુરાગ કહે છે રોજ નવી ઉત્કંઠા વધવી જોઇએ, જ્યારે પણ માણસ સામે આવે ત્યારે નવો ભાવ લઇને હસતો આવવો જોઇએ અને જે માણસ નિત્ય ઉત્કંઠા લઇને હસતો થશે એ પ્રભુના પ્રેમનો પાત્ર બની જશે. માણસ હસતો રહે તો પ્રભુ જલદી મળી જાય છે. ઘણા માણસો તો જન્મ પછી ક્યારેય હસ્યા જ નથી. આવા માણસોને પ્રભુના પ્રેમની પાત્રતા મળતી નથી. આનંદીને રામ, કૃષ્ણ ઝડપથી મળે છે. એટલા માટે જ આપણો તખતદાન ગઢવી લખે છે,

  મોજમાં રહેવું મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે.
  હે અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે… મોજ…
  ગોતનારાને ગોત્યો નહિ જડે એ ગહન ગોવિંદો રે

  પણ હરિભક્તોને હાથ વગો છે એ તો પ્રેમ પ્રરખંડો રે…મોજમાં રહેવું…તો પ્રભુના પ્રેમપાત્ર થવા માટે માણસમાં દિલ હોવું જોઇએ, શીલ હોવું જોઇએ, બલ હોવું જોઇએ અને પ્રેમની ધારા હોવી જોઇએ. જેની પાસે આ ચાર વસ્તુ હશે તે અવશ્ય પરમાત્માના પ્રેમપાત્ર ગણાશે
  અને માનવિય સંબંધના સુખ/દુઃખ સહેલાઇથી સમજાશે.સહજ સહન કરવાની તાકાત મળશે

 2. સુરેશ જાની says:

  સરસ વિચારો . અનેક વખત નેટ પર આ લેખ મિત્રોએ મોકલ્યો છે – અહીં ફરીથી એ જોઈ હરખ થયો. તમારો ભાવ બહુ જ માણ્યો છે – ન ભૂલાય એવો ભાવ.
  અમલીકરણ થાય તો જ વિચારો અર્થ વાળા બને – નહીં તો કેવળ વાણી વિલાસ જ. શબ્દોની પોકળતા છ વર્ષના અનુભવે બરાબર સમજાઈ છે. ભાવની અભિવ્યક્તિ ભાવનું હોવાપણું ન પણ હોય.

 3. ખૂબ જ સંવેદનશીલ વાત વણાઇ છે આખી વાતમાં….દિલ અને દિમાગ બન્ને પર અસર કરી ગઈ..

 4. dilip says:

  સુંદર વાત ..જેને પોતાને, સમગ્ર જીવન ને પરમાત્માને પ્રેમ કર્યો છે ઓળખ્યો છે ..અન્યમાં દૈવી તત્વ જોયું છે ..તેને કશું ક્લિષ્ટ નથી ..પ્રત્યેકમાં શુભત્વ રહેલું જ છે .

 5. Ketan says:

  આપણા સંબંધો પણ અપડાઉન થતા રહે છે. કોઈ અત્યંત નજીક હોય એ ઘડીકમાં દૂર થઈ જાય છે. માણસ ક્યારેક સારો અને ક્યારેક ખરાબ થઈ જાય છે. પોતાની સગવડ મુજબ માણસ રંગ બદલે છે
  સુંદર લેખન … શ્રીકૃષ્ણકાંતભાઈ ઉનડકટ
  ચેતનાબેન thanks for sharing.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *