home-purple

ઈચ્છાનું આકાશ…

સંક્ષિપ્ત પરિચય

છાયા ત્રિવેદી
શિક્ષણ – Mcom, MJMC
સિતાર વાદનમાં ”સંગીત વિશારદ” ની ડીગ્રી મેળવી છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 1000 સિતાર વાદકો જોડે ભાગ લીધેલ ..મેટ્રો – સમભાવ, દિવ્યભાસ્કર-અમદાવાદ , અકિલા-રાજકોટ ના સમાચારપત્રોમાં પત્રકારત્વ નિભાવ્યું તો ચુંટણી સમયે ”આજતક” ચેનલ માટે સ્પેશ્યલ રીપોર્ટ બનાવ્યો .. તેમના લેખો અનેક મેગેઝિન અને સમચાર પુર્તિઓમાં, તો કવિતાઓ પણ કવિ-લોક, નવનીત-સમર્પણ, શબ્દ-સૃષ્ટી, કાવ્ય-સૃષ્ટી, ગઝલ-વિશ્વ વિગેરેમાં પ્રદર્શિત થયા છે .. ”એર-રાજકોટ” સાથે એનાઉંસર તરિકે અને રાજકોટની લોક્લ ન્યુઝ ચેનલમાં ન્યુઝ રીડરની કામગીરી નિભાવી, તેમની કવિતાઓ બ્રોડકાસ્ટ પણ થઇ છે… દૂર દર્શન અમદાવાદમાં ”મુશાયરા” પ્રોગ્રામ પણ ટેલિકાસ્ટ કરેલ, તથા નાટક અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ ભાગ લીધેલ છે …

***

આજે પ્રસ્તુત છે મારી બહેનની અંતરંગ સખી, પરંતુ મારી નાની બહેન સમી છાયા ત્રિવેદી લિખિત આ લેખ સહ તેને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

સદાય તારી કલમને હૈયાની ઉર્મીઓ – સ્પંદનો રૂપી શાહીમાં બોળી ઉત્તમ રચનાઓ – કૃતિઓને શબ્દ-શિલ્પમાં કંડારતી રહે એવી અભ્યર્થના ..!!

***

માણસના કૈક પામવાના ઉધામા અને કશું ગુમાવી દેવાની ભીતિ પાછળ સદૈવ ઈચ્છા જવાબદાર હોય છે. ઈચ્છાના બીજને કેટલા બધા ખંતથી ઉછેરીએ ત્યારે ઇચ્છિત તૃણાંકુરો પ્રાપ્ત કરી શકાય. ઈચ્છાના વૃક્ષને ક્યારેય તૃપ્તિનું આકાશ સાંપડતું જ નથી. ઈચ્છા માટે તો સ્કાય ઈઝ ધ લિમીટ… કારણકે, આકાશને સીમા જ નથી ! આવી અનંત ઇચ્છાઓના વનમાં આપણે એવા તો અટવાઈ જઈએ છીએ કે ઘણી વાર હકીકતે આપણે શું ઇચ્છીએ છીએ તે જ વિસરાઈ જાય. ઝંખનાઓનાં અક્ષય પાત્રમાંથી એક પછી એક ઇચ્છાઓ નીકળતી જ જાય અને આપણે તેની પૂર્તિ કરવા માટે દોડતા રહીએ. જીવનનો અંત આવી જાય પરંતુ અભીપ્સાઓની સંતૃપ્તીનો ઓડકાર આવતો જ નથી.
અમુક ઇચ્છાઓ આપણા માટે છે જ નહીં એ જાણવા છતાં મનને ”બોર ખાટા” હોવાનું મનાવ્યા પછી પણ આપણી દ્રષ્ટિ મર્યાદામાંથી એ ”બોરડીને” અદ્રષ્ટ નથી કરી શકાતી. અલબત્ત સારી કે નરસી ઇચ્છાઓને સમજણના બિલોરી કાચથી પ્રમાણીને તે સંતોષવાના પ્રયાસો આદરવા જોઈએ. બાકી હૈયે કેટલીયે ઇચ્છાઓની હોડી નાંગરી હોય પરંતુ તેને પાર ઉતારી શકનારું પાણી જ ના હોય તો ..? આવી વેદના વ્યક્ત કરે છે,
શ્રી સાહિલ :
છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે ,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે ..!
*
જૂની આકાંક્ષાઓ અધુરી હોય, કેટલાયે સ્વપ્નો રોપ્યા હોય તેનું બાળમરણ થયું હોય ત્યારે નવી નવી ઈચ્છાઓ ઉદભવ્યા કરે તો ? હજુ તો એક અધુરી ઈચ્છાને મારી નાખવી પડી હોય,તેના શોકમાંથી પણ બહાર આવી શક્યા ના હોય, અને નવતર ઈચ્છા ઉગે તે કેમ પોસાય ? પોતે પોતાના મનને વારવું પડે કે,હમણાં મનોઘટમાં ઈચ્છાના બુદબુદા ઉઠ્યા ના કરે એ જ સારું.આવી મનોસ્થિતિમાં નવી ઈચ્છાને અટકવાનું કહે છે,
શ્રી કરસનદાસ લુહાર :
નવી ઈચ્છા, જનમવાનું તું હમણાં ટાળ મારામાં
મરેલા એક શમણાનો શોક હજુ પણ ચાલે છે
*
ઈચ્છા સુવર્ણમૃગ સમાન છે, તે માણસને સતત પોતાની પાછળ દોડાવ્યે રાખે છે, દોડતા-હાંફતાં માંડ નજીક પહોંચો કે, તે છળ નીકળે ! ઈચ્છાની નદી ક્યારેય તૃપ્તિના સાગરને મળતી નથી. એકવાર ઈચ્છા પ્રદેશમાં પહોંચી ગયા પછી પાછા વળવું મુશ્કેલ નહિ, બલ્કે દુષ્કર બની જાય છે.એટલેજ વાસ્તવિકતા સમજી ઘરની બારીઓ બંધ રાખવાનું કહે છે,
શ્રી નરેશ આશર :
ઇચ્છા ઘરની બારીઓ બંધ કરો ‘નિર્મલ’
કુંવારી ઝંખના લઈને સતત દોડવાનું છે
*
સાવ સામેની બારીએ દેખાતો ચંદ્ર સમો ગમતો ચહેરો પામવાની સરળ ઇચ્છા હોય કે પછી ચંદ્ર પર પહોંચી પૃથ્વીનું વિહંગાવલોકન કરવાની અટપટી ઈચ્છા – છેવટે દરેક વખતે હાથ ઘસી બેઠા રહેવું પડે એમ પણ બને ! ઈચ્છા કેવડી અથવા કેવી છે તેનું નહિ બલકે તેની પ્રાપ્તિનું મહત્વ છે. ઈચ્છાના મારતા ઘોડે પ્રાપ્તિના પર્વતો ઓળંગવાનું સાહસ મળે તો વળી,એ જ ઈચ્છા ઘણી વાર માનસ ને હતાશ અને હતોત્સાહ કરી મુકે છે. ઈચ્છા સરળ હોય કે અટપટી છેવટ તો તે ભ્રમ જ છે તેવું જ્ઞાત કરાવે છે,
શ્રી રમેશ પારેખ :
ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું ?
કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું ?
*
આ વાસ્તવિકતા દરેક વ્યક્તિએ પોતેજ સમજીને સ્વીકારવી રહી વ્યર્થ ગણવાનો અર્થ એવો નહિ કે કોઈની ઈચ્છા કાપી નાખવી. દરેક માણસ પોતાના વિશ્વનો શાહજહાં છે અને પોતામાં ઈચ્છાનો એક એક તાજમહાલ લઈને જીવે છે. આમ પણ ઈચ્છા તો હંમેશા વાંસ જેવી હોવાની, તેને કાપો તો આખેઆખું વાંસ વન ઉભું થાય ! આવી માર્મિક વાત ને શબ્દદેહ આપે છે,
શ્રી ચિનુ મોદી :
કોઈની ઈચ્છાને કાપી નાખવી સારી નથી
વાંસ લીલો કાપીએ તો એક સોટી થાય છે
*
ઈચ્છામૃત્યુ નહિ ઇચ્છાહીન નિરિચ્છ મનોસ્થિતિ ઉચ્ચ ગણાય. પતંગિયાને પકડવાની દોડધામને અંતે નિરાશા સાંપડે, પરંતુ ઘણીવાર શાંત બેસી રહીએ તો શક્ય છે કે એ જ પતંગિયું આપણા ખભે આવીને બેસી જાય ! આપણી ઈચ્છાના ઉડાનથી આકાશી ઝાંયમાં રંગનો ઉમેરો ભલે ના થાય,પરંતુ તેની મેઘધનુષી આભા ઝાંખી ના પડવી જોઈએ. મનોરથની સાથે જ સાહસ અને પૂર્તિ માટે મનોબળ આપોઆપ જન્મે છે પિંજરાના સળિયામાંથી પ્રકાશ પ્રવેશતો હોય ત્યારે ઈચ્છિત પ્રભાત અને આકાશે ઉડવાની તમન્ના પ્રગટ થવી જોઈએ તેવી ખુમારી શબ્દસ્થ કરે છે,
શ્રી ફીરાક ગોરખપુરી :
કુછ કફસ કિ તીલીયોંસે છન રહા હૈ નૂર સા
કુછ ફઝા, કુછ હસરતે પરવાઝ કી બાતે કરો

***

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

7 Responses to ઈચ્છાનું આકાશ…

 1. વાહ છાયાબહેના !તમારી ભાષામાં માધુર્ય ,ઓજસ અને
  પ્રસાદ ગુણ ભરેલા છે.વખાણ ,શુભેચ્છા ,અભિનંદનો …..!

 2. sejal says:

  Chhaya,
  Many Many Happy Returns Of The Day.

 3. pragnaju says:

  જાણીતું નામ
  વધુ આજે જાણી આનંદ
  ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ

 4. sukipatel says:

  ખુબ જ સુંદર
  જન્મ દિવસ મુબારક

 5. Ullas Oza says:

  ખુબ સુંદર અભિવ્યક્તિ. જન્મદિન મુબારક !

 6. deepak says:

  ચેતના બહેન ની સરસ વેબ સાઈટ પર નું એક વધુ સુંદર લખાણ ! અહીં આવવાનું અને વાંચવાનું ખુબ ગમે છે. અભિનંદન.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to chhaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *